ગાંધીનગર34 મિનિટ પહેલા
- કૉપી લિંક

- થોડા વખત અગાઉ જ બનાવેલો શેડ તૂટી પડતાં ભ્રષ્ટાચાર બહાર આવી ગયો
ગાંધીનગરમાં હજી તો મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી નથી તોય શહેરનાં રસ્તાઓ ધોવાઈ ગયા છે. ત્યારે છેલ્લા ચોવીસ કલાકથી પડી રહેલાં છૂટા છવાયા વરસાદમાં સેકટર – 24 સરકારી દવાખાનામાં થોડા વખત અગાઉ જ બનાવવામાં આવેલો પાર્કિંગ શેડ પણ તૂટી પડતાં કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર બહાર આવી ગયો છે. જો કે સદનસીબે આજે રવિવારની જાહેર રજા હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
લોખંડની એંગલો સાથેનો શેડ અચાનક તૂટી પડ્યો
સેકટર – 24 ના સરકારી પ્રાથમિક આરોગ્ય કેદ્રમાં થોડા વખત અગાઉ જ બનાવેલો પાર્કિંગ શેડ આજે સવારના સમયે તૂટી પડ્યો હતો. લોખંડની એંગ્લો સાથેનો શેડ અચાનક તૂટી પડતાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી કામગીરી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, હજી તો થોડા વખત અગાઉ શેડ બનાવવામાં આવ્યો હતો. અહીં વાહનો પાર્ક કરવામાં આવતાં હોય છે. સદનસીબે આજે રવિવાર હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ છે. પરંતું કોર્પોરેશન તંત્ર ના કોન્ટ્રાક્ટરો કેવા પ્રકારની કામગીરી કરીને ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે એનો પુરાવો મળી ગયો છે.

વરસાદમાં શહેરના રસ્તાઓ ડિસ્કો બની ગયા
રાજ્યભરમાં વરસેલા ભારે વરસાદે અનેક જિલ્લાઓમાં તારાજી સર્જી છે. એવામાં ગાંધીનગર જિલ્લામાં હજી માંડ મેઘરાજાએ પધરામણી કરી છે તોય શહેરના રસ્તાઓ ડિસ્કો બની ગયા છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે. તો નીચાણવાળા વિસ્તારોમાં તળાવમાં ફેરવાઈ ચૂક્યા છે. સરકાર દ્વારા દર વર્ષે રોડ રસ્તાનું સમારકામ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવતો રહે છે. છતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદી સિઝનમાં રસ્તા બિસ્માર બની ગયા છે.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનું રીનોવેશન કરીને પાર્કિંગ સહિતની અલાયદી સુવિધાઓ કરાઈ
બીજી તરફ કોર્પોરેશન તંત્ર દ્વારા થોડા વખત અગાઉ જ શહેરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનું રીનોવેશન કરીને પાર્કિંગ સહિતની અલાયદી સુવિધાઓ ઉભી કરાઈ છે. પરંતુ સેકટર – 24 ના સરકારી પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાં ઉભી કરવામાં આવેલી પાર્કિંગની સુવિધા દુવિધા સમાન બની હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. શહેરમાં છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન ઘણા વિસ્તારોમાં ધોધમાર તો અમુક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે.