ખંભાત, નાર અને ધર્મજ ખાતે 1.86 કરોડના ખર્ચે બનાવેવા અદ્યતન પશુ દવાખાના આજે લોકાર્પણ કરાયા | State-of-the-art veterinary hospitals at Khambhat, Nar and Dharmaj inaugurated at a cost of 1.86 crores today

આણંદ21 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પશુપાલન રાજ્યમંત્રી દેવાભાઈ માલમના હસ્તે લોકાર્પણ કરાયા

આણંદ જિલ્લાના ખંભાત, નાર અને ધર્મજ ખાતે અંદાજિત રૂપિયા 186 લાખના ખર્ચે નિર્માણ પામેલા પશુ દવાખાનું, શાખા પશુ દવાખાનું અને પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રના આધુનિક ભવનોનું ગુજરાતના પશુપાલન રાજય મંત્રી દેવાભાઇ માલમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં રાજય મંત્રી દેવાભાઇ માલમે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન નીચે તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ નીચે ગુજરાતમાં અબોલ જીવના આરોગ્યની સેવાનો યજ્ઞ આરંભાયો છે. પશુ આરોગ્ય કેન્દ્રના આધુનિક ભવનોના નિર્માણની સાથે પશુ સારવારનું સ્તુત્ય કાર્ય ગુજરાતમાં થઈ રહ્યું છે. 16મી સદીમાં ખંભાત નગરમાં પશુ સારવાર માટેનું આગવું દવાખાનું કાર્યરત થયું હતું. જેની નોંધ ઇતિહાસમાં પણ જોવા મળે છે. રાજ્ય સરકાર દ્વારા આ ઐતિહાસિક નગરના પશુઓની સારવાર માટે આધુનિક આરોગ્ય ભવનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનો ખંભાત તાલુકાની સાથે તાલુકાની આસપાસના ગ્રામ્ય વિસ્તારના પશુપાલકોને લાભ મળશે.

આ પ્રસંગે આણંદના સાંસદ મિતેશભાઈ પટેલે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનએ પશુઓના આરોગ્યની સુખાકારી માટેની ચિંતા કરી પશુ આરોગ્ય મેળાઓની સાથે આધુનિક પશુ આરોગ્યધામોના નિર્માણ કાર્યને અગ્રીમતા આપી છે, તેમ જણાવી વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં પશુઓના આરોગ્ય ક્ષેત્રે નમુના રૂપ કાર્ય થઈ રહ્યું છે. પશુઓમાં ફેલાયેલા લમ્પી રોગના સમયમાં રાજ્યના પશુપાલન વિભાગ અને તેના પશુ ચિકિત્સક અધિકારી – કર્મીઓએ ખૂબ સુંદર કાર્ય કર્યું છે.

રાજ્યના પશુપાલન નિયામક ડો. ફાલ્ગુની પાઠકે ગુજરાતમાં પશુઓના આરોગ્યની જાળવણી માટે સરકાર કટિબધ્ધ હોવાનું જણાવી વધુમાં ઉમેર્યું હતું કે, તાજેતરમાં પશુઓમાં ફેલાયેલા લમ્પી રોગના સમયમાં પણ વિનામૂલ્યે પશુઓનું રસીકરણ કરીને સરકારે લમ્પી રોગથી તેમને રક્ષણ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે મંત્રીના હસ્તે ખંભાત ખાતે નિર્માણ પામેલા પશુ દવાખાનાના આધુનિક ભવનનું લોકાર્પણ તેમજ નાર ખાતે બનાવવામાં આવેલા શાખા પશુ દવાખાનું અને ધર્મજ ખાતેના નવનિર્મિત પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રના આધુનિક ભવનોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તબક્કે મંત્રી તથા મહાનુભાવના હસ્તે પશુપાલન વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને યોજનાકિય સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના અંતમાં આણંદના નાયબ પશુપાલન નિયામક ડો. સ્નેહલ પટેલે આભાર વિધિ કરી હતી.

આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, રિજિયોનલ જોઇન્ટ ડાયરેક્ટર ડૉ. બ્રહ્મક્ષત્રિય, આણંદ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ સંજયભાઈ પટેલ, ખંભાત તાલુકા પંચાયતના પ્રમુખ હર્ષદભાઈ સિંધા, ખંભાત નગર પાલિકાના પ્રમુખ કામિનીબેન ગાંધી, આણંદ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ પ્રદીપભાઈ પટેલ, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનો , જિલ્લા – તાલુકા પંચાયત અને નગરપાલિકાના સભ્યો, અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં પશુપાલકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post