ગાંધીનગર17 મિનિટ પહેલા
- કૉપી લિંક

- સેક્ટર-2માં મહિલાએ ભાડાનાં ઘરને જુગાર ધામ બનાવી દીધું હતું
- મહિલા બહારથી જુગારીઓને બોલાવી છેલ્લાં ઘણાં સમયથી જુગારધામ ચલાવતી હતી
- સેકટર-24 ઇન્દિરાનગરમાં પણ સ્થાનિકો જુગારની બાઝી માંડીને બેઠા હતા
ગાંધીનગરના સેક્ટર-2/બી અને સેક્ટર- 24 ઇન્દિરાનગરમાં ચાલતા જુગાર ધામ ઉપર પર ત્રાટકીને સેકટર-7 પોલીસ મથકનાં હેડ કોન્સ્ટેબલ તેમજ એક નિવૃત પોલીસ કર્મચારી સહિત 15 જુગારીઓને લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. રોકડ રકમ, મોબાઈલ ફોન, જુગારનું સાહિત્ય મળીને રૂ. 80 હજારનો મુદ્દદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સેક્ટર-2/બીમાં પોલીસ કર્મચારીઓ પણ જુગાર રમતાં હતાં
ગાંધીનગરના સેકટર-7 પોલીસ મથકની હદમાં સેક્ટર-2/બી પ્લોટ નંબર 1433/2માં 39 વર્ષીય મહિલા દ્વારા ઘણાં સમયથી જુગારધામ ચલાવવામાં આવતું હતું. આ જુગારધામ પર પોલીસ કર્મચારીઓ પણ જુગાર રમવા માટે જતાં હોય સ્વાભાવિક રીતે જુગારીઓમાં પોલીસનો ડર રહ્યો નહોતો. જોકે, અત્રે જુગારધામ ચાલતું હોવાની ગંધ લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ એચ.પી. ઝાલાની ટીમને આવી ગઈ હતી. જેનાં પગલે સેકટર – 2/બીના ઉક્ત મકાનમાં આયોજન પૂર્વક દરોડો પાડવામાં આવ્યો હતો. એલસીબીની ટીમે મકાનનાં મુખ્ય દરવાજાની જગ્યાએ બાલ્કનીનો દરવાજો ખખડવાતા એક મહિલા બહાર આવી હતી. જેણે પોતાનું નામ ગીતાબેન ભાથીજી ઠાકોર હોવાનું જણાવ્યું હતું. બાદમાં એલસીબીએ મકાનની અંદર પ્રવેશ બેડરૂમમાં તપાસ કરતાં છ જુગારીઓ કુંડાળું વળીને જુગારની બાઝી માંડીને બેઠા હતા.
એલસીબી ટીમે કોઈની શેહશરમ રાખ્યા વિના જુગારીઓ પકડી લીધા
અચાનક એલસીબીની ટીમને જોઈને સેકટર-7 પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અરવિંદ દંતાણીના મોતિયા મરી ગયા હતા. એલસીબીએ જુગારીઓને જે તે સ્થિતિમાં બેસી રહેવાની સૂચના આપી દરોડાની કાર્યવાહી શરૂ કરતાં જુગારીઓ કગરવા લાગ્યાં હતાં. પણ એલસીબી પીઆઈ ઝાલાની ટીમે કોઈની શેહશરમ રાખ્યા વિના રાણા પ્રતાપજી મકવાણા (રહે. ઇન્દ્રોડા ગામ), કનૈયા દલસુખભાઈ પટેલ(વાવોલ), કિરીટ વાઘેલા (કુડાસણ), કનુ બબાભાઇ શાહ (રહે. કુડાસણ, શુકન સ્કાય), સુરેશ કનુભાઇ રાવળ( રહે. દશામાનાના મંદીરની પાછળ, ફતેપુરા ) અરવીંદ અમૃતલાલ દેતાણી (રહે. સેક્ટર 16, બ્લોક નં 44/4, ચ ટાઈપ) અને ગીતા શનાજી ઠાકોર (મુળ રહે. છત્રાલ)ની જુગાર ધારા હેઠળ ધરપકડ કરી લીધી હતી.
મહિલાએ ઘર ભાડે રાખીને જુગારધામ બનાવી દીધું
એલસીબીની વધુ તપાસમાં આ મકાન બાબુ અમીનભાઈ દેસાઈ માલિકીનું છે અને ગીતાબેને માસીક 7 હજાર ભાડે રાખીને જુગારધામ શરૂ કરી દીધું હોવાની હકીકત બહાર આવી હતી. જ્યારે હેડ કોન્સ્ટેબલ અરવિંદ દંતાણી અગાઉ પણ જુગારમાં પકડાયો હોવાનું તેમજ કનુ બબાભાઇ શાહ પોલીસ ખાતામાંથી વય નિવૃત થયાનું વધુમાં ખુલવા પામ્યું હતું. આ તમામ જુગારીઓ પાસેથી એલસીબીએ રોકડ રકમ, મોબાઈલ ફોન મળીને રૂ. 34 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.
LCBની ટીમે ઇન્દિરાનગરમાં પણ દરોડો પાડયો
બીજી તરફ લોકલ ક્રાઇમ બ્રાંચ-2નાં પીઆઈ જે એચ સિંધવની ટીમે પણ સેકટર-24 ઇન્દિરાનગરમાં ખુલ્લી જગ્યામાં જુગારની બાઝી માંડીને બેઠેલા સ્થાનિક રહેવાસી બાબુ મગનભાઇ ચૌહાણ, જાવેદ સાહેબખાન બલોચ, ત્રિકમ દખડીયા, નાગજી સુબાજી ભીલ, રમેશ મગનભાઇ રબારી, આરીફ જવાહરખાન પઠાણ, હરેશ ભગવાનભાઇ પટેલ અને રાજુઇ રમણભાઇ ચૌધરીને જુગાર રમતાં રંગેહાથ ઝડપી પાડી રોકડ રકમ, મોબાઈલ ફોન અને જુગારનું સાહિત્ય મળીને 45 હજાર 600નો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.