રાજકોટએક કલાક પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર.
પ્રધાનમંત્રી ગતિ શક્તિ સ્કીમમાં સમાવિસ્ટ રાજકોટ-કાનાલુસ રેલવેની બ્રોડગેજ સિંગલ લાઇનમાંથી ડબલ લાઇનમાં રૂપાંતરણ માટેના પ્રોજેક્ટ સંદર્ભે અગાઉ પડધરીના 6 ગામોની 57 એકર જેટલી જમીન સંપાદિત કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. હવે પડધરી તાલુકાનાં જ વધુ 5 ગામની 35 એકરથી વધુ જમીનનું સંપાદન કરવા માટેનું જાહેરનામું કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટ પાછળ 1 હજારનો ખર્ચ થશે
વર્ષ 2025 સુધી ચાલનારા રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટ પાછળ રૂપિયા 1000 કરોડનો ખર્ચ થનાર છે. આ પ્રોજેક્ટને કારણે કપાતમાં આવતા રાજકોટ જિલ્લાના વિસ્તારો પૈકી ખંઢેરી, નારણકા, તરઘડીની 27 એકર તથા પડધરી, રામપર મોટા, નણપરીની 30 એકર જમીનનાં સંપાદન બાબતે હાલ રેલવે અને DILR દ્વારા સંયુક્ત રીતે માપણી ચાલી રહી છે, જે પૂર્ણ થતા રિપોર્ટ આવ્યા બાદ લોક સુનાવણી થશે અને છેલ્લું જાહેરનામું બહાર પાડવામાં આવશે. જેમાં અમુક ગામના ગૌચર પણ કપાત થશે.
મોટી ચણોલ ગામની આટલી જમીન કપાતમાં જશે
રેલવે દ્વારા રાજકોટ જિલ્લાનાં બાકી રહેતા સંબંધિત ગામોની જમીન સંપાદિત કરવાનું જાહેરનામું ગેઝેટમાં પ્રસિદ્ધ કરાયું છે. તેમાં મોટી ચણોલ ગામની 21,000 ચો.મી.થી વધુ ખેત જમીન, 3700 ચો.મી. જેવી સરકારી, 38 ચો.મી. ગૌચર તથા અંદાજે 1000 ચો.મી. બિનખેતી જમીનનો સમાવેશ થાય છે.
1572 ચો.મી.ના ત્રણ રસ્તા કપાશે
જ્યારે જોધપરમાં 4080 ચો.મી. સરકારી અને 7200 ચો.મી. જેટલી ખેત જમીન, નાની ચલોણમાં 27,296 સરકારી તથા મોવિયા ગામે 292 ચો.મી. ખેતીની જમીન કપાત થશે. સૌથી વધુ 79,408 ચો.મી. એટલે કે 19.62 એકર જમીન રેલવે ડબલિંગ માટે કપાતમાં જનાર છે, જેમાં કુલ 1572 ચો.મી.ના ત્રણ રસ્તા, 31500 ચો.મી જેવી સરકારી તથા 46,000 ચો.મી.થી વધુ ખાનગી ખેત જમીનોનો સમાવેશ થાય છે.