ઇંગ્લેન્ડમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય ખેલાડીઓની આગેકૂચ યથાવત છે. પીવી સિંધુ બાદ ભારતને બેડમિન્ટનમાં વધુ એક ગોલ્ડ મળ્યો છે. તો બીજી બાજુ, 22મી કોમનવેલ્થ ગેમ્સનો આજે (8 ઓગસ્ટ) છેલ્લો દિવસ છે. જેના સમાપન સમારંભમાં શરથ કમલ અને નિખત ઝરીન ભારતના ‘ફ્લેગ બેરર’ બનશે. તો બીજી બાજુ, આવતીકાલે મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. તો, એન્જિનીયરીંગમાં પ્રવેશ મેળવવા માટેની JEEની મેઈન્સ પરીક્ષાના પરિણામો આખરે જાહેર થઇ ગયા છે અને ગુજરાતના સુરતના વિદ્યાર્થીએ દેશમાં 29મો ક્રમાંક મેળવી ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.ની સાથે સાથે વાંચો દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિક પર….
હિમાચલ પ્રદેશના ચંબામાં વાદળ ફાટ્યું, એકનું મોત
હિમાચલ પ્રદેશના ચંબામાં ફરી એકવાર આકાશી આફત તૂટી પડી છે. ચંબામાં વાદળ ફાટવાના કારણે એક વ્યક્તિનું મોત થયું હોવાના અહેવાલ છે. આ દુર્ઘટનામાં અનેક મકાનોને નુકસાન થયું છે. ઘટના બાદ સ્થાનિક લોકો રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયા છે. તેમજ સ્થાનિક પ્રશાસનને આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે.
CWG 2022: લક્ષ્ય સેને જીત્યો ગોલ્ડ મેડલ
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતને 20મો ગોલ્ડ મળ્યો છે. પીવી સિંધુ બાદ હવે લક્ષ્ય સેને ભારતને બેડમિન્ટનમાં બીજો ગોલ્ડ અપાવ્યો છે. લક્ષ્ય સેને ફાઈનલમાં મલેશિયાના ખેલાડીને 19-21 21-9 21-16થી હરાવી ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો.
મહારાષ્ટ્ર કેબીનેટ વિસ્તરણ: કાલે 14 મંત્રીઓનાં શપથ ગ્રહણ
આવતીકાલે મહારાષ્ટ્ર સરકારનું કેબિનેટ વિસ્તરણ થઈ શકે છે. વિસ્તરણ દરમિયાન કુલ 14 મંત્રીઓ શપથ લઈ શકે છે. જેમાં ભાજપ તરફથી સુધીર મુનગંટીવાર, ચંદ્રીકાંત પાટીલ, ગિરીશ મહાજનને તક આપવામાં આવશે. મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન બાદ શિંદે સરકારના મંત્રીમંડળના વિસ્તરણની રાહ હવે પૂરી થવા જઈ રહી છે.
કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહમાં શરથ કમલ અને નિખત ઝરીન ભારતના ‘ફ્લેગ બેરર’
ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં રમાઈ રહેલી 22મી કોમનવેલ્થ ગેમ્સનો આજે (8 ઓગસ્ટ) છેલ્લો દિવસ છે. આ રમતો આજે સમાપ્ત થશે અને સમાપન સમારોહ પણ યોજાશે. આ સમાપન સમારોહમાં ફરી એકવાર તમામ દેશોના નવા ધ્વજ ધારકો હશે.
બાથરૂમ જતી સગીરાને ઘરમાં બોલાવી દુષ્કર્મ આચર્યું, પાડોશી યુવકની ધરપકડ
અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં 13 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મની ઘટના બની છે. ઘરમાંથી બહાર નીકળેલી સગીરાને પાડોશી શખ્સે ઘરમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતુ. આ મામલે સગીરાના પરિવારને જાણ થતા પોલીસ ફરિયાદ નોંધાતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં સુરતના માહિતએ મેળવ્યો 29મો રેન્ક
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા, JEE મેઇન માર્ચ- 2022ના પરિણામો જાહેર કર્યા છે. એટલું જ નહીં, ઓલ ઇન્ડિયા રેન્ક પણ જાહેર કર્યા છે. જેમાં સુરતનો માહિત ગઢીવાલા દેશમાં 29માં અને રાજ્યમાં પહેલા નંબર પર આવ્યો છે.
વડોદરાના સમા વિસ્તારમાં યુવાનનું શંકાસ્પદ મોત, ઇન્સ્યુલીનના પેકેટ મળી આવ્યા
શહેરના સમા ચાણક્યપૂરી વિસ્તારમાં આવેલા રાધે ક્રિષ્ણા ફ્લેટમાં યુવકનું શંકાસ્પદ મોત થતા ચકચાર મચી જવા પામ્યો છે. યુવાનનું કયા કારણોસર મોત થયુ છે તેની ચકાસણી કરવાં માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. અને પોલીસ દ્વારા મામલાની જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજ્યના 3 મહાનગરોમાં 7 ટાઉન પ્લાનિંગ સ્કીમને સીએમની મંજૂરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શહેરી વિકાસને વધુ વ્યાપક અને વેગવંતો બનાવતાં અમદાવાદ, સુરત અને ભાવનગર મહાનગરો સહિત કુલ 7 ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી છે. મુખ્યમંત્રીએ આજે 7 ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે તેમાં સુરતની 4 પ્રિલીમીનરી ટી.પી, અમદાવાદની અને ભાવનગરની 1-1 પ્રિલીમીનરી ટી.પી તેમજ બાવળાની 1 ડ્રાફટ ટી.પી નો સમાવેશ થાય છે.
છોટાઉદેપુરના જેતપુરમાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજને હાથમાં લઇ 75 અંકનુ નિર્માણ કર્યું
હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત પાવીજેતપુર તાલુકા શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા આજરોજ તારીખ 8 મી ઓગસ્ટ 2022ને સોમવારના રોજ તિરંગા રેલી યોજવામાં આવી હતી.
રાજ્યના 78 તાલુકામાં મેઘમહેર, હિંમતનગર અને ઉમરગામમાં સૌથી વધુ વરસાદ
હવામાન વિભાગે ગુજરાતમાં આજથી ભારે વરસાદની આગાહી કરી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યૂલેશનના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં 10 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે સવારથી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 78 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
માતા હર્ષા બ્રહ્મભટ્ટના સિંગર બનવાના સ્વપ્નને સાકાર કરતી દીકરી ઋતિકા
પુત્રના લક્ષણ પારણામાંથી અને મન હોય તો માંડવે જવાય જેવી ઉક્તિઓને સાકાર કરીને વડોદરા શહેરની ઋતિકાએ તેની માતાના સિંગર બનવાના સ્વપ્નને સાકાર કરતા હરિયાણા ફિલ્મમાં માયા અને વિશલિસ્ટ ફિલ્મમાં મે ઓર તુમ જેવા ટાઈટલ ટ્રેક ગાઈને ઇન્ડસ્ટ્રીમાં પોતાનો ડંકો વગાડ્યો છે. સંગીત ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરવા માટે તેણે ક્લાસિકલ સંગીતમાં વિશારદ પ્રાપ્ત કર્યું છે.
ગુજરાતમાં ફરી વરસાદ શરૂ થયો, સરદાર સરોવર ડેમની આવક 32,954 ક્યૂસેક
ગુજરાતમાં હવામાન ખાતાના આગાહી પ્રમાણે આગામી 3 દિવસ વરસાદી વાતાવરણ રહેશે. જેમાં આજે છૂટો છવાયો હળવો વરસાદ આવી શકે છે. તથા કેટલાક સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પણ આવી શકે છે. તેવામાં નર્મદા ડેમ 132.29 મીટર સુધી ભરાયો છે. તથા રાજ્યના બાકી 206 ડેમમાં 62% પાણી છે.