ગાંધીનગરમાં સાંભળી ન શકતા વૃદ્ધા ભીષણ આગમાં ફસાયા, ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન | Deaf old people caught in fierce fire in Gandhinagar, fire brigade's heart-wrenching rescue operation

ગાંધીનગર17 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • વૃદ્ધાને ઉંમરના કારણે જલ્દી સંભળાતું નહોતું, જેના કારણે બાલ્કનીમાં બેસી ગયા હતા
  • અમારી પહેલી પ્રાયોરીટી આગને પ્રસરતા અટકાવી દેવાની હતી: ફાયર ઓફિસર કે. જે.ગઢવી

ગાંધીનગરનાં સેકટર-28માં કોલવડાનગરની પાસેના એક બંધ મકાનમાં આજે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેનાં કારણે ઉપરના માળે દીકરી-જમાઈ સાથે ભાડેથી રહેતા 72 વર્ષના વૃદ્ધા ફસાઈ ગયા હતા. મકાનમાં ભોંયતળિયે લાગેલી ભીષણ આગના કારણે અશક્ત વૃદ્ધા લાચાર સ્થિતિમાં મુકાઈ ગયા હતા. ત્યારે પાડોશીની સમયસૂચકતાથી ઘટનાની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને આગ પર કાબુ મેળવીને વૃદ્ધાનો જીવ બચાવ્યો હતો.

આખા ઘરમાં ઘૂમાડો ધુમાડો થઈ ગયો
ગાંધીનગરના સેકટર-28 કોલવડા નગરની બાજુમાં પ્લોટ નંબર-469/1માં શૈલેષભાઈ પટેલનું મકાન આવેલું છે. જેઓ પરિવાર સાથે અમેરિકા રહે છે. જ્યારે થોડા દિવસથી તેમનો ભત્રીજો અહીં રહેવા માટે આવેલો હતો. જે રાજસ્થાન ફરવા માટે ગયો છે. જ્યારે ઉપરનાં માળે રાજેશભાઈ મિસ્ત્રી પરિવાર સાથે ભાડેથી રહે છે. મકાનના ઉપરના માળે જવા માટે અંદરની તરફ સીડી આવેલી છે. આજે અચાનક ભોંયતળિયે આગ લાગી હતી. જેનાં કારણે રાજુભાઈ અને તેમના પત્ની તુરંત નીચે દોડી આવ્યા હતા. તે વખતે એસીમાંથી ધુમાડો નીકળતો જોઈને ઘરની વીજ લાઈન બંધ કરવાં લાગ્યાં હતાં. એટલામાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં આખા ઘરમાં ઘૂમાડો ધુમાડો થઈ ગયો હતો.

પુત્રવધૂને બાલ્કનીમાંથી નીચે ઉતારી લીધી પણ વૃદ્ધ સાસુ રહી ગયા
રાજેશભાઇના સાસુ રમાબેન તેમજ તેમની પુત્રવધૂ ઉપરના માળેથી નીચે ઉતરી શક્યાં ન હતાં. આથી રાજેશભાઇ સહિતનાએ બુમાબુમ કરીને પુત્રવધૂને જાણ કરી દેતા તે મકાનની બાલ્કનીમાં જતી રહી હતી. જેને બધાએ ભેગા મળીને સહી સલામત બાલ્કનીમાંથી નીચે ઉતારી લીધી હતી. જ્યારે તેમના સાસુ બીજી એક બાલ્કની તરફ હતા. જેમને બહુ બૂમો પાડવા છતાં વયોવૃદ્ધ રમાબેન સાંભળી રહ્યા ન હતા. ત્યારે ઘરમાંથી આગના ગોટે ગોટે ઉપરના માળ તરફ આવતાં વૃધ્ધાને ઘરમાં આગ લાગ્યાનો અહેસાસ થતાં તેઓ બાલ્કનીમાં જીવ પડીકે બાંધીને બેસી ગયા હતા.

ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો
આ તરફ પાડોશમાં રહેતા અને સેકટર-11માં ieltsનાં કલાસ ચલાવતાં કુલદીપસિંહ રહેવરે મકાનમાં આગ લાગેલી જોઈને સમયસૂચકતા વાપરી ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેનાં પગલે ફાયર ઓફિસર કે. જે. ગઢવી, ઈન્ચાર્જ so જી.એ.પટેલ સ્ટાફનાં માણસો સાથે તાબડતોબ ઘટનાસ્થળ પર દોડી ગયા હતા. અને દિલધડક ઓપરેશન હાથ ધરીને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવીને આગને ઉપરના માળે પ્રસારતા અટકાવી દીધી હતી.

ફાયર બ્રિગેડે વૃદ્ધ રમાબેનનો જીવ બચાવી લીધો: પ્રત્યક્ષ દર્શી કુલદીપસિંહ રહેવર
બાદમાં મકાનમાં ફસાયેલા વૃદ્ધ રમાબેનને સહી સલામત મકાનની બહાર લઈ આવવામાં આવ્યા હતા. આ અંગે કુલદીપસિંહે જણાવ્યું હતું જે, મને જેવી આગની ખબર પડી કે તરત ફાયર બ્રિગેડ ને જાણ કરી દીધી હતી. આગ એટલી વિકરાળ હતી કે ઘરનો તમામ સર સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જો કે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક આવીને સમયસર આગ પર કાબુ મેળવીને વૃદ્ધ રમાબેનનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. જે બદલ ફાયર બ્રિગેડનો તેમણે આભાર પણ વ્યક્ત કર્યો હતો.

અમારી પહેલી પ્રાયોરીટી આગને પ્રસરતા અટકાવી દેવાની હતી: ફાયર ઓફિસર ગઢવી
ફાયર ઓફિસર કે.જે. ગઢવીએ જણાવ્યું હતું કે, શોટ સર્કિટનાં કારણે એસીમાં આગ લાગી હતી. જેનાં કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી કીધું હતું. સમયસર આગ કાબુમાં આવી ના હોત તો ઉપરના માળે પર આગ પ્રસરી જાત. જેથી અમારી પહેલી પ્રાયોરીટી આગને પ્રસરતા અટકાવી દેવાની હતી. એજ રીતે આખી ટીમે કામગીરી કરીને આગને ઓલવી દેવામાં આવી હતી. અને વૃદ્ધાને બચાવી લેવાયા છે.

ફાયર ઓફિસર કે.જે. ગઢવી

ફાયર ઓફિસર કે.જે. ગઢવી

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post