પાટણ12 મિનિટ પહેલા
- કૉપી લિંક

- મહિલાઓ સશક્ત થશે તો દેશનો સર્વાંગી વિકાસ થશે : ભાનુમતીબેન મકવાણા
ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. ભારતીય સંસ્કૃતિમાં કહેવામાં આવ્યું છે કે જયા સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ વસવાટ કરે છે. આ ઉમદા હેતુને સાર્થક કરવા ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત પાટણ ના ઉપક્રમે ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર દ્વારા સિદ્ધપુર મુકામે કાયદા શિબિર યોજાઈ. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ તેમના કાયદાકીય હકોનું માર્ગદર્શન મેળવ્યું હતું.

આજના સમયમાં ટેકનોલોજીનું પ્રમાણ વધ્યું છે. મહિલાઓને મોબાઈલ, વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર, ઓનલાઇન દ્વારા છેતરપિંડીનો ભોગ ન બને તેમજ ભણવાની ઉંમરમાં કોઈ મોટી મુશ્કેલીમાં ન મુકાય તે માટે તેઓને જાગૃત કરવામાં આવી. નવા ભારતના નિર્માણમાં મહિલાઓની મહત્વની ભાગીદારી છે. જેથી મહિલાઓ કાયદાના જ્ઞાન થી અવગત થાય તે હેતુ થી કાયદા શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓને સાઈબર ક્રાઇમ વિશે પણ મહત્વની જાણકારી આપવામાં આવી.

જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા દ્વારા કાયદા શિબિરમાં મહિલાઓને કાયદાનું રક્ષણ તેનો ઉપયોગ, મહિલાઓના હકો ઉપરાંત દહેજ પ્રથા અને ભરણપોષણ બાબતે તલસ્પર્શી માહિતી આપી હતી.અચાનક આવી પડતી અણધારી આફત સામે નારી અદાલતોનો સંપર્ક કરવાનું આહવાન કર્યું હતું. રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સદસ્ય ડૉ. રાજુલબેન દેસાઈએ જણાવ્યું કે દીકરીની રક્ષા કરવી માતાની જવાબદારી છે. લવજેહાદ, દીકરી સાથે થતી છેતરપિંડી, વિદેશ લગ્ન વગેરે મુદ્દાઓની તલસ્પર્શી માહિતી થી કાયદા શિબિરમાં આવેલી મહિલાઓને અવગત કરી હતી.
સિધ્ધપુર ખાતે યોજાયેલી આ કાયદા શિબિરમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા ,રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સદસ્ય રાજુલબેન દેસાઈ, મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન સેજલબેન ડી. દેસાઈ, કૃપાબેન આચાર્ય, નગરપાલિકા પ્રમુખ, પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી સહિત મોટી સંખ્યામાં મહિલાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી.