એશિયા કપ-2022 (Asia Cup 2022) ની પ્રથમ મેચમાં પાકિસ્તાનને કટ્ટર હરીફ ભારત (Indian Cricket Team) સામે પાંચ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

Naseem Shah ઈજાને લઈને પણ મેચમાં પરેશાન જણાયો હતો
ભારતે રવિવારે એશિયા કપ-2022 ની પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાન (Pakistan Cricket Team) ને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ સાથે તેણે આ ટૂર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરી છે. ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) વચ્ચેની મેચ બંને દેશોના ખેલાડીઓ માટે મહત્વની છે અને તેથી ખેલાડીઓ બધું દાવ પર લગાવે છે. આવી સ્થિતિમાં જ્યારે ટીમની હાર થાય છે તો ખેલાડીઓ નિરાશ થઈ જાય છે. આવું જ કંઈક પાકિસ્તાનના યુવા ફાસ્ટ બોલર નસીમ શાહ (Naseem Shah) સાથે જોવા મળ્યું. મેદાનની બહાર નીકળતી વખતે તે રડતો જોવા મળ્યો હતો. બોલિંગ કોચ શોન ટેટ તેમને સમજાવી રહ્યા હતા.
પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં માત્ર 147 રન બનાવ્યા હતા. ભારતે બે બોલ પહેલા પાંચ વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ હાંસલ કર્યો અને આ મહત્વની મેચ જીતીને પોતાના ચાહકોને ડાન્સ કરવાની તક આપી.
નસીમને ઈજા થઈ હતી
નસીમે પહેલી જ ઓવરમાં ભારતને ઝટકો આપ્યો હતો. તેણે કેએલ રાહુલને આઉટ કર્યો. નસીમના બોલ પર વિરાટ કોહલીને પણ જીવનદાન મળ્યું કારણ કે તેનો કેચ સ્લિપમાં છોડવામાં આવ્યો હતો. નસીમે ફરી ઈનિંગની 18મી ઓવર ફેંકી હતી, જેમાં તેને પગમાં તકલીફ થઈ હતી. તેને ખેંચાણ હતી અને બોલિંગ કરવી મુશ્કેલ હતી. બીજા બોલ પર તેને આ સમસ્યા થઈ હતી પરંતુ તેમ છતાં તેણે બોલિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. ચોથો બોલ ફેંક્યા બાદ તે દર્દથી પીડાવા લાગ્યો અને આવી સ્થિતિમાં ફિઝિયોને બોલાવવો પડ્યો. જોકે નસીમ પોતાની ઓવર પૂરી કરવામાં સફળ રહ્યો હતો. તેણે પોતાની ચાર ઓવરમાં 27 રન આપીને બે વિકેટ ઝડપી હતી. તેણે રાહુલ સિવાય સૂર્યકુમાર યાદવને પોતાનો શિકાર બનાવ્યો હતો.
પંડ્યા-જાડેજાએ ભારતને જીત અપાવી હતી
જોકે નસીમની આ ઓવર મોંઘી સાબિત થઈ હતી. જાડેજાએ આ ઓવરમાં કુલ 11 રન બનાવ્યા અને અહીંથી મેચ ભારત તરફ વળ્યો. આ પછી પંડ્યા અને જાડેજાએ ભારતને જીતની નજીક પહોંચાડ્યું હતું. હાર્દિકે હરિસ રઉફની આગામી ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. છેલ્લી ઓવરમાં ભારતને જીતવા માટે સાત રનની જરૂર હતી. મોહમ્મદ નવાઝે ફેંકેલી ઓવરના પહેલા બોલ પર જાડેજા આઉટ થયો હતો. પરંતુ ત્યારબાદ પંડ્યાએ ચોથા બોલ પર સિક્સર ફટકારીને ભારતને જીત અપાવી હતી.પંડ્યા 33 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. આ કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.