યુનાઈટેડ-વેના ગરબા ગ્રાઉન્ડમાં કાંકરા વીણવા મેનપાવર સાથે મશીન કામે લાગ્યું

[og_img]

  • ગરબા ગ્રાઉન્ડને લઈને ખેલૈયાઓએ ગ્રાહક સુરક્ષામાં કરી હતી ફરિયાદ
  • મામલો ગરમાતા ગરબા આયોજકોએ આખરે ગ્રાઉન્ડ સરખું કરાવ્યું
  • બુધવારે બપોરે 1 થી સાંજના 7 સુધી રિફંડ માટે ઓનલાઇન પોર્ટલ ખુલ્લું રહેશે

વડોદરાના કલાલી-અટલાદરા વિસ્તારમાં આયોજિત યુનાઇટેડ-વેના કરવા ગ્રાઉન્ડમાં છેલ્લા બે દિવસથી પગમાં કાંકરા વાગવાને કારણે ખેલૈયાઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. સોમવારના અનુભવ બાદ કેટલાક ખેલૈયાઓ નવરાત્રિના બીજા દિવસે પગમાં મોજા અને ચપ્પલ પહેરીને ગરબા ગરબે ઘૂમ્યા હતા. બીજા દિવસે માતાજીની આરતી બાદ ગરબા શરૂ થતા ખેલૈયાઓએ ગ્રાઉન્ડમાં જ ભારે હોબાળો કર્યો હતો.

ખેલૈયાઓના રોષના પગલે પોલીસ બોલાવવી પડી હતી 

એક તબક્કે પરિસ્થિતિ વણસતા માંજલપુર પોલીસના પી.આઇ. સહિતનો કાફલો સ્ટેજ પર દોડી ગયો હતો. પોલીસ અને લોકપ્રિય ગાયક કલાકાર અતુલ પુરોહિતે સમજાવ્યા બાદ ખેલૈયાઓનો રોષ શાંત પડ્યો અને લગભગ પંદરેક મિનિટના વિરામ બાદ ગરબા પુનઃ શરૂ થયા હતા.

આખરે નારાજ ખેલૈયાઓને આપવામાં આવશે રીફંડ

મંગળવારે રાત્રે 12ના ટકોરે ગરબા પૂરા થયા બાદ આયોજકો દ્વારા ગ્રાઉન્ડમાંથી કાંકરા અને પથ્થર વીણવાની કામગીરી તાબડતોડ શરૂ કરાવવામાં આવી હતી. આયોજકોએ કાંકરા અને પથ્થર વીણવા માટે મેનપાવર સાથે મશીનરી પણ કામે લગાવી હતી. ગરબા ગ્રાઉન્ડમાંથી ઢગલો કાંકરા નીકળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગ્રાઉન્ડમાં અસુવિધાને કારણે નારાજ ખેલૈયાઓને રિફંડ માટે પણ ગઈકાલે આયોજકો દ્વારા ગ્રાઉન્ડમાં જાહેરાત કરાઈ હતી. બુધવારે બપોરે 1થી સાંજના 7 સુધી ખેલૈયાઓ યુનાઇટેડ-વે ની વેબસાઈટ પર રિફંડ માટે જરૂરી કાર્યવાહી કરી શકશે.

હવે ખેલૈયાઓને કાંકરા વાગશે કે નહીં? તે આજે રાત્રે ખબર પડશે

ગરબા ગ્રાઉન્ડમાં કાંકરા અને પથ્થરોની સફાઈ બાદ ફરી માટી નાખવામાં આવી હતી. ત્યારબાદ ગ્રાઉન્ડમાં રોલર ફેરવાયું હતું. હવે ખેલૈયાઓને પગમાં કાંકરા અથવા પથ્થર વાગે છે કે નહીં? તે બુધવારે રાત્રે ખબર પડશે.