પુર્વ મેયર પ્રવિણ પટેલનું ફેક એકાઉન્ટ બનાવી ઠગ દ્વારા પૈસાની ઉઘરાણી

[og_img]

  • ઠગએ પુર્વ મેયરના મિત્રોને પૈસાની જરૂર અંગેને મેસેજ મોકલ્યા
  • કેનેરા બેંકનો ખાતા નંબર પણ મોકલ્યો, મિત્રોએ જાણ કરતાં પુર્વ મેયર ચોંક્યા
  • ઠગ વિરૂધ્ધ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવાની તજવીજ હાથધરી

પુર્વ મેયર પ્રવિણ પટેલનું બોગસ ફેસબુક મેસેન્જર એકાઉન્ટ બનાવી પૈસાની માંગણી કોઈ લેભાગુ દ્વારા કરવામાં આવતી હતી. આ બાબત ધ્યાને આવતાં પુર્વ મેયર ચોંકી ઉઠયા હતા. આ બાબતે તેઓએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવાની તૈયારી કરી છે.

છેલ્લા ઘણા સમયથી લેભાગુ તત્વો એક યા બીજી રીતે પૈસા પડાવવાનું સિફતપુર્વકનું નેટવર્ક ચલાવી રહ્યા છે. જેની ઝપેટમાં પુર્વ મેયર પ્રવિણ પટેલ પણ આવી ગયા છે. તેમના ફોટાનો દુરપયોગ કરીને તેમના નામનું બનાવટી ફેસબુક મેસેન્જર એકાઉન્ડ ખોલીને પૈસાની રીતસરની માંગણી કરવામાં આવી રહી હતી. ગઈકાલે આ બાબત તેમના ધ્યાને આવી હતી. કેનેરા બેંકનો એકાઉન્ટર નંબર તથા ખાતા હોલ્ડર તરીકે તારીફ બતાવાયું છે. પ્રવિણ પેટલના નામે આ ઠગ તેમના મિત્ર વર્તુળને પૈસાની મદદ માટેના મેસેજ મોકલી રહ્યો હતો. તમારા એકાઉન્ટમાં કેટલું બેલેન્સ છે. તે પોતે ઈમરજન્સી રૂમમાં દાખલ છે. પોતાને અર્જન્ટ પાંચ હજાર રૂપિયાની જરૂર હોવાનું કહ્યું હતું. ગુગલ પે કે ફોન પે છે તેવું પણ પુછયું હતું. સામેવાળી વ્યક્તિએ મોબાઈલ નંબર માંગ્યો તો 96447238870 આપ્યો હતો. પોતે કાલે દસ વાગ્યા સુધીમાં રકમ પરત કરી દેશે તેવી ખાતરી આપી વિશ્વાસ પેદા કરવાનો પણ ઠગબંધુએ પ્રયાસ કર્યો હતો. મેસેન્જર પર આવી રહેલા મેસેજ પ્રત્યે શંકા જતાં કેટલાક મિત્રઓ પુર્વ મેયર પ્રવિણ પટેલનો સંપર્ક કરીને મામલાની જાણ કરતાં તેઓ પણ હેબતાઈ ગયા હતા.

આ બાબતે પ્રવિણ પટેલે કહ્યું હતું કે, ગઈકાલે તેમના આઠેક મિત્રોએ આ અંગે ધ્યાન દોર્યું હતું. આ ઠગે પ્રવિણભાઈનો મોબાઈલ પણ હેક કરવાની કોશિશ કર્યો હોય તેવી આશંકા તેમને છે. કારણ કે તેઓ કોઈપણ મેસેજ પોતાના મોબાઈલ પરથી બીજાને ફોરવર્ડ નહોતા કરી શકતા. આથી તેઓએ લોકો છેતરાય નહી તેની અગમચેતીના ભાગરૂપે પોતાના ફેસબુક ઉપર તાત્કાલિક મેસેજ મૂક્યો હતો કે, ફેસબુક મેસેન્જરનું ખોટું એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. અને આ બોગસ એકાઉન્ટમાંથી મેસેજ કરીને રૂપિયાની માંગ કરવામાં આવી રહી છે. આથી કોઈએ રૂપિયા મોકલવા નહિ. જો કોઈ રૂપિયા મોકલે તો પોતાની જવાબદારી રહેશે નહિ. આ બાબતે પ્રવિણ પટેલનો સંપર્ક કરતાં તે પોતે સાયબર ક્રાઈમમાં આ મામલે ફરિયાદ કરશે તેવું જણાવ્યું હતું.