Vijay Hazare Trophy: પ્રિયાંક પંચાલે મચાવી ફરી ધમાલ, અમદાવાદના ક્રિકેટરે સદી નોંધાવી પસંદગીકારોનુ ખેંચ્યુ ધ્યાન

ગુજરાતનો પ્રિયાંક પંચાલ તે ખેલાડીઓમાંથી એક છે જે ડોમેસ્ટિક ક્રિકેટમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાના દરવાજા ખટખટાવી રહ્યો છે પરંતુ હજુ તેને તક નથી મળી.

Vijay Hazare Trophy: પ્રિયાંક પંચાલે મચાવી ફરી ધમાલ, અમદાવાદના ક્રિકેટરે સદી નોંધાવી પસંદગીકારોનુ ખેંચ્યુ ધ્યાન

Priyank Panchal મણીપુર સામે સદી નોંધાવી

હાલમાં ભારતીય ક્રિકેટ ટીમની બેન્ચ સ્ટ્રેન્થ ઘણી મજબૂત છે. ટીમ ઈન્ડિયા પાસે સ્થાન માટે ઘણા વિકલ્પો છે, જોકે દરેકને તક મળતી નથી. કેટલાક એવા ખેલાડીઓ છે જે ટીમનો દરવાજો ખટખટાવી રહ્યા છે પરંતુ તેમને તક નથી મળતી. ગુજરાતનો પ્રિયાંક પંચાલ તે ખેલાડીઓમાંથી એક છે જે ડોમેસ્ટિક ક્રિકેટમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાના દરવાજા ખટખટાવી રહ્યો છે પરંતુ તેને એન્ટ્રી નથી મળી રહી. પંચાલે ફરી એકવાર શાનદાર ઇનિંગ રમી છે.

ભારતની ટેસ્ટ ટીમમાં ઓપનર તરીકે પંચાલની ઘણી વખત ચર્ચા થઈ હતી પરંતુ તેને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. આમ છતાં, પંચાલ સ્થાનિક ક્રિકેટમાં સતત સારો દેખાવ કરી રહ્યો છે. ફરી એકવાર તેનું બેટ ચાલ્યુ છે અને તેણે શનિવારે વિજય હજારે ટ્રોફીમાં સદી ફટકારી છે.

પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું

પંચાલે શનિવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારતની સ્થાનિક 50 ઓવરની ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીમાં મણિપુર સામે સદી ફટકારી હતી. પંચાલે 136 રનની ઇનિંગ રમી છે અને તેણે આટલા રન બનાવવા માટે એટલા જ બોલ લીધા છે. આ ઇનિંગમાં પંચાલે 10 ફોર અને 3 સિક્સર ફટકારી છે. તેની સદીના આધારે પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે છ વિકેટ ગુમાવીને 337 રન બનાવ્યા હતા.

પંચાલ ઉપરાંત ભાર્ગવ મેરાઈ અને સૌરવ ચૌહાણે પણ ગુજરાત માટે અડધી સદી ફટકારી છે. મેરાઈએ 63 બોલનો સામનો કરીને 56 રનની ઇનિંગ રમી છે. અને સૌરવે 64 રનની ઇનિંગ રમી હતી. સૌરવે 41 બોલનો સામનો કર્યો અને છ ચોગ્ગા ઉપરાંત બે છગ્ગા ફટકાર્યા.

દક્ષિણ આફ્રિકામાં તક ના મળી

આ વર્ષની શરૂઆતમાં જ્યારે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા ગઈ હતી ત્યારે ટીમનો ઓપનર રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો હતો અને તે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ શક્યો ન હતો. પંચાલને તેના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ તેને પ્લેઇંગ-11માં તક મળી ન હતી. અગાઉ, જો કે તે ઈંગ્લેન્ડ સામે રમાયેલી ચાર મેચની શ્રેણીમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ હતો અને તેને રિઝર્વ ઓપનર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ તે બેન્ચ પર બેઠો હતો. તેણે ઘણી વખત ઈન્ડિયા-એની કેપ્ટનશિપ કરી છે. ગુજરાત તરફથી રમતા તેણે સતત રન બનાવ્યા. તેણે 100 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે.