ખેતરો પર નમેલા વીજતારને DGVCLએ સીધા કર્યા નહીં, અનિચ્છનીય ઘટના બની તો જવાબદાર કોણ?

તાપીઃ જિલ્લામાં DGVCLની ગંભીર બેદરકારી આવી રહી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં લટકતાં વીજ તાર પ્રજા માટે જોખમી બનવા પામ્યાં છે. વ્યારાના સરૈયા ગામે એક નહીં પણ બે-બે જગ્યાએ જીવંત વીજતાર લટકી રહ્યાં છે અને તેમાંથી વીજ પ્રવાહ પણ ચાલુ જ હોય આસપાસથી પસાર થતાં લોકો માટે જીવનું જોખમ ઉભું થયું છે. ખંભાતના લૂણેજ ગામે ગતરોજ વીજ કંપનીની બેદરકારીથી એક કિશોરનું મોત નીપજ્યું હતું. ત્યારે તાપી જિલ્લામાં આવી કોઈ બેદરકારીથી કોઈ મોતના મુખમાં ન ધકેલાઈ તે માટે DGVCL દ્વારા તાપી જિલ્લામાં વીજ કંપનીની બેદરકારીથી પ્રજા પર તોળાઈ રહેલા જીવના જોખમને દૂર કરવું રહ્યું.

તંત્ર દ્વારા કોઈપણ કાર્યવાહી નહીં

મળતી માહિતી પ્રમાણે, વ્યારાના સરૈયા ગામે બંધારપાડા જતાં રોડ ઉપર ઘર વપરાશ માટે પસાર થતી વીજ લાઈન તો ખેતરને અડી જવામાં માત્ર એક ફૂટ પણ બાકી નથી. છેલ્લાં પંદરેક દિવસ પહેલાં આ જીવંત વીજતાર જમીન પર ઢળી પડ્યો છે. જે અહીં રહેતા એક આદિવાસી પરિવારના કાચા મકાનનાં નાળિયા સાથે પણ અડી ગયો છે. તેમજ સાગના ઝાડ પરથી આ વીજ તાર પસાર થતો હોવાથી એક માત્ર વાંસના ટેકાના સહારે વીજ લાઈન ટકી રહી છે. જો ઝડપથી આ ઢળી પડેલી વીજ લાઈનને સીધી કરવામાં નહીં આવે તો કોઈ અનિચ્છનીય બનાવ બને તો નવાઈ નહીં!

વીજલાઇન સીધી કરવાની તસ્દી લેવાઈ નથી

તો બીજી તરફ, વ્યારાના સરૈયા ગામે રહેતા નંદુભાઈ ગામીતના ખેતરમાં જતી વીજ લાઈન પણ છેલ્લા દોઢ વર્ષથી ખેતરમાં નીચે નમી રહી છે. જેને લઇને ખેતરમાં ટ્રેક્ટરને ખેડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ ખેડૂતને માથે સતત અકસ્માતનો ભય છે. ખેડૂત દ્વારા અનેક વખત આ નમી પડેલી વીજ લાઇન સીધી કરવા રજૂઆત કરી હોવા છતાં આજદિન સુધી વીજ તંત્ર નમી પડેલી વીજ લાઈનને સીધી કરવામાં કોઈ જ તસ્દી લેવાઈ નથી. ત્યારે ખેડૂતોના માથે તોળાઈ રહેલા જોખમને દૂર કરવાની માગ ઊઠી છે.

આ પણ વાંચોઃ GCMMFના ચેરમેન આર.એસ. સોઢીની અમૂલના MD પદેથી હકાલપટ્ટી

ખેતરોમાં ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય

તાપી જિલ્લામાં ખાસ કરીને દરેક તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ કંપની દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગના ટ્રાન્સફોર્મરની ફરતે કોઈ જ પ્રકારની સુરક્ષાવાડ પણ જોવા મળતી નથી. તેમજ ખેતરોમાં મૂકાયેલી ડીપી પર તો ઝાડી-ઝાખરાંનું સામ્રાજ્ય જોવા મળે છ. જેને દૂર કરવામાં પણ તંત્ર આળસ કરી રહ્યું હોવાથી ખેતરોમાં કામ કરતા ખેડૂતોને માથે હંમેશા જીવનું જોખમ રહે છે.

Published by:Vivek Chudasma

First published:

Tags: Electric ઇલેક્ટ્રિક, Tapi

أحدث أقدم