Wednesday, March 22, 2023

રાજકોટમાં 1 કલાકમાં સવા ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા નદી બન્યા, અમરેલી, કચ્છ-ભુજ, જૂનાગઢને ધમરોળતા મેઘરાજા | rain fall in rajkot City and rural area | Times Of Ahmedabad

રાજકોટ13 મિનિટ પહેલા

રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર નદી વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા.

ગુજરાતમાં આજે ફરી બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે. ચૈત્રી નવરાત્રિના પહેલા દિવસે જ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. રાજકોટ, અમરેલી, કચ્છ-ભુજ અને જૂનાગઢ પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. રાજકોટમાં એક કલાકમાં સવા ઈંચ વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. તેમજ ધર્મેન્દ્ર રોડ પર નદી વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.

રાજકોટમાં સૌથી વધુ વેસ્ટ ઝોનમાં 32 મીમી વરસાદ
રાજકોટમાં આજે સવારથી બપોર સુધી મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું. જો કે, બપોર બાદ જાણે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કાળાં ડિબાંગ વાદળો છવાયાં હતાં. જોતજોતામાં જ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. ધર્મેન્દ્ર રોડ પર તો નદી વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. ભારે પવનને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. મનપાના સત્તાવાર આંકડા મુજબ એક કલાકમાં સેન્ટ્રલ ઝોનમાં 21 મીમી, ઇસ્ટ ઝોનમાં 31 મીમી અને વેસ્ટ ઝોનમાં 32 મીમી વરસાદ નોંધાયો છે.

પેલેસ રોડ પર પાણી ભરાયા.

પેલેસ રોડ પર પાણી ભરાયા.

વીજળીના કડાકાથી લોકોમાં ભયનો માહોલ
શહેરના કોટેચા સર્કલ, યુનિવર્સિટી રોડ, યાજ્ઞિક રોડ. કેકેવી ચોક, સાધુ વાસવાણી રોડ, ઢેબર રોડ, રૈયા ચોક, માધાપર ચોક, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પર પાણી ભરાઇ ગયાં હતા. તેમજ વીજળીના કડાકાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ.

ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ.

પરાબજાર પાણી…પાણી…
શહેરની મુખ્ય બજાર ગણાતી પરાબજારમાં આજે ધોધમાર વરસાદને પગલે પાણી વહી ગયા હતાં. ચૈત્રીમાસમાં અષાઢી માહોલ સર્જાતા વેપારીઓએ પોતાનો માલસામાલ જે બહાર રાખ્યો હોય તે ફટાફટ અંદર પોતાની દુકાનોમાં લઈ લીધો હતો. વરસાદ વરસતા જે બજાર ગ્રાહકોથી ઉભરાતી હતી તે ખાલીખમ થઈ ગઈ હતી.

રાજકોટના કોટેચા ચોકમાં પાણી ભરાયા.

રાજકોટના કોટેચા ચોકમાં પાણી ભરાયા.

જસદણમાં પણ વરસાદી ઝાપટા
જસદણ પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા છે. આથી રોડ-રસ્તા ભીના થઈ ગયા છે. કમોસમી વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જસદણના આટકોટ, વીરનગર, ખારચીયા, પાંચવડા, જંગવડ સહિતનાં ગામડાઓમાં હળવાં ઝાપટાં પડ્યાં છે. ખેતરોમાં હજી ઘઉંનો પાક ઘણા ખેડૂતોને લેવાનો બાકી હોઇ આ કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

નાણાવટી ચોકમાં પાણી ભરાયા.

નાણાવટી ચોકમાં પાણી ભરાયા.

ગોંડલના કોલીથડમાં ધોધમાર વરસાદ
ગોંડલા કોલીથડ ગામમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. વરસાદથી ખેતરમાં પડેલો તૈયાર પાક પલળતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ છે. વરસાદથી ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ સિવાય ઉપલેટા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.

બહુમાળી ભવન પાસે ધોધમાર વરસાદ.

બહુમાળી ભવન પાસે ધોધમાર વરસાદ.

ભારે પવનથી દુકાનોનાં બોર્ડ ઊડ્યાં
રાજકોટમાં મિની વાવાઝોડું ફૂંકાયું હોય એવો માહોલ જોવા મળ્યો હતો. ભારે પવનને કારણે દુકાનોનાં બોર્ડ ઊડીને રસ્તા પર ફેંકાયાં હતાં તેમજ ધૂળની ડમરી ફૂંકાતાં વાહનચાલકો પરેશાન બન્યા હતા.

ગોંડલના કોલીથડ ગામમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા.

ગોંડલના કોલીથડ ગામમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા.

ગઇકાલે રાજકોટમાં કરા સાથે વરસાદ પડ્યો હતો
હવામાન વિભાગ દ્વારા આગામી 25 માર્ચ સુધી માવઠાની આગાહી કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે રાજકોટના કેટલાક વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. શહેરના ગ્રીનલેન્ડ ચોકડી ખાતે કરા પડ્યા હતા. રાજકોટ શહેરમાં સાંજ પડતાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો. પવન ફૂંકાતા ધૂળની ડમરી ઊડી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

25 માર્ચ સુધી વાદળછાયું રહેવાની સંભાવના
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 25 માર્ચ સુધી ઉત્તર ગુજરાત વત્તા ઓછા પ્રમાણમાં વાદળછાયું રહેવાની સંભાવના છે. ત્રણ દિવસ પહેલાં પણ જસદણ અને જેતપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે જેતપુર માર્કેટિંગ યાર્ડમાં પણ ખુલ્લા મેદાનમાં રહેલ જણસી પલળી હતી. જ્યાં ઘઉં, ધાણા, મરચાં, જેવા પાકો પલળ્યા હતા.

કચ્છ-ભુજમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાયો
કચ્છમાં આજ સવારથી ફરી વરસાદી વાતવરણ છવાઈ જવા પામ્યું છે. આજે પશ્વિમ વિભાગના નખત્રાણા, માંડવી અને લખપત તાલુકામાં બપોરના સમયે ભારે વરસાદી ઝાપટા પડતા માર્ગો પર જોશભેર પાણી વહી નીકળ્યા છે. નખત્રાણા તાલુકાના કોટડા, જનેત્રા, રવાપર અને રસલીયામાં કમોસમી વરસાદ પડતાં લહેરાતા ઘઉંના પાકને નુકસાન પહોંચ્યું હોવાની વિગતો સામે આવી છે. માંડવીના ગઢશીશામાં પણ પવન સાથે વરસાદ શરૂ થયાનું જાણવા મળ્યું હતું.તો લખપત તાલુકામાં આવતા પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે ચૈત્રી નવરાત્રિના પ્રારંભે ભાવિકોની વ્યાપક ભીડ ઉમટી છે. ત્યારે આજે ફરી મુસીબતનો વરસાદ પડતાં લોકોને હાલાકી ઉભી થઇ હતી. જોકે મંદિર સંકુલના અન્નક્ષેત્ર સહિતના વિસ્તારમાં લોકોએ વરસાદથી બચવા આશરો લીધો હતો

અમરેલીમાં ચૈત્ર મહિનાના પ્રારંભે પણ વરસાદી માહોલ
અમરેલી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠાના કારણે ખેતરોમાં ઉભા પાકને નુકસાન થતા ખેડૂતોની ચિંતા વધી છે. ધારી ગીર વિસ્તારના ગોવિંદપુર, સુખપુર, સરસીયા, કાંગસા સહિતના ગામડાઓમાં આજે પણ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસેલા વરસાદના કારણે ગામડાઓના રસ્તા પર પાણી વહેતા થયા હતા. અમરેલી શહેર અને આસપાસના વિસ્તારમાં આજે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. અમરેલીના વિઠ્ઠલપુર, ફતેપુરમાં, રાજુલાના ચૌત્રા, ડુંગર, બબરતાણા સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ખાંભા, જાફરાબાદ અને વડીયા વિસ્તારમાં પણ વરસાદ વરસતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.

જૂનાગઢમાં કમોસમી વરસાદ
હવામાનની આગાહીને પગલે છેલ્લા છ-સાત દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદનો કહેર વરસ્યો છે. જેથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. જૂનાગઢમાં પણ અચાનક જ વરસાદ પડવાથી શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા હતા. સાબલપુર ચોકડી, ઝાંઝરડા ચોકડી ,દાણાપીઠ, કાળવા ચોક, સક્કરબાગ, સરદારબાગ સહિતમાં કમોસમી વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: