Friday, March 17, 2023

રાધનપુર-ભાભર હાઇવે પર જતી બ્રેઝા ગાડીમાં અચાનક આગ ભભૂકી, ડ્રાઇવર ઉતરી જતાં આબાદ બચાવ | Brezza car on Radhanpur-Bhabhar highway suddenly caught fire, driver rescued | Times Of Ahmedabad

પાટણ33 મિનિટ પહેલા

પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પર પસાર થતા નાના મોટા વાહનોમાં ગરમીની હીટના કારણે આગ લાગવાના બનાવો પ્રકાશમાં આવી રહયા છે. ત્યારે શુક્રવારના દિવસે રાધનપુર-ભાભર હાઇવે માર્ગ પરથી પસાર થઈ રહેલ લકઝરીયસ કારમાં કોઇ આકસ્મિક કારણોસર આગ ભભુઠી ઉઠતા હાઇવે માર્ગ પર અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જો કે આ ઘટનામાં કારચાલકનો આબાદ બચાવ થવા પામ્યો છે.

જાણવા મળતી માહિતી મુજબ પાટણ જીલ્લાની રણકાંધીએ આવેલ રાધનપુર-ભાભર હાઇવે માર્ગ પર નંદી ગૌશાળા નજીકથી પસાર થઇ રહેલ બ્રેઝા ગાડીના બોનેટમાં કોઇ અગમ્ય કારણોસર શોટસર્કીટ થવાના કારણે અચાનક આગ ભભુકી ઉઠી હતી. જોતજોતામાં કારમાં લાગેલી આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા હાઇવે માર્ગ પર ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. આકસ્મિક આગની ઘટનાને કારણે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો સહિત રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.

આ બનાવ અંગે રાધનપુર નગરપાલિકાના ફાયર ફાયટરે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બ્રેઝા કાર પર પાણીનો મારો ચલાવી મહામુસીબતે આગને કાબુમાં લીધી હતી. જો કે આ દુર્ઘટનામાં કારના આગળનો ભાગ બળીને ભસ્મીભૂત થઈ જવા પામ્યો હતો. તો આ બનાવમાં કારચાલકનો આબાદ બચાવ થતા ઘટના સ્થળે ઉમટી પડેલા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. તો આ બનાવ અંગે રાધનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…