'કારમાંથી ઓઈલ ટપકે છે' એમ કહી શિક્ષકને છેતર્યા, સગીર બાળકે જ કારમાંથી બેઠક વ્યવસ્થા સહિત પરીક્ષાલક્ષી ડોક્યુમેન્ટ્સ ચોરી લીધા | Deceived the teacher by saying 'Oil is leaking from the car', the minor stole the exam related documents including the seating arrangement from the car. | Times Of Ahmedabad

હાલોલ41 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ધોરણ- 10ની પરીક્ષાની કામગીરીમાં વ્યસ્ત શિક્ષકની કારમાંથી પરીક્ષાની બેઠક વ્યવસ્થા ધરાવતા કાગળો સહિતના ડોક્યુમેન્ટ એક ગઠિયો બાળક ઉઠાવી ગયો હતો. બાળકે શિક્ષકની કારમાં ઓઈલ ટપકે છે એવું કહીને કાર થોભાવી શિક્ષકને નીચે ઉતર્યા હતા. શિક્ષક કારનું બોનેટ ખોલી તપાસ કરી રહ્યા હતા ત્યારે બાળક કારમાંથી ડોક્યુમેન્ટની બેગ લઈ ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના નજીકની દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. શિક્ષકે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

ધોરણ-10ની બોર્ડની ચાલી રહેલી પરીક્ષામાં ફરજ નિભાવતા શિક્ષક ગઈકાલે બપોરે પરીક્ષાલક્ષી સાહિત્ય સાથે પોતાની કાર લઈ હાલોલથી ઘોઘંબા જવા માટે નીકળ્યા હતા. ત્યારે હાલોલ એસટી સ્ટેન્ડ પાસે તેઓની કાર પાસે આવી એક બાળકે કારમાંથી ઓઈલ ટપકતું હોવાનું કહેતા શિક્ષક પોતાની કાર સાઈડમાં લગાવી નીચે ઉતર્યા હતા. ત્યારબાદ શિક્ષક કારનું બોનેટ ચકાસી રહ્યા હતા. ત્યારે ચાલાક બાળક કારના દરવાજા નજીક આવી ઉભો રહી ગયો હતો. જેવું બોનેટ ઊંચું થયું અને શિક્ષક એન્જિન જોઈ રહ્યા હતા તે તકનો લાભ લઈ બાળકે કાર પાસે આવી દરવાજા઼નું લોક ખોલ્યું પછી બે પાંચ સેકન્ડ આમ તેમ જોઈ કારનો દરવાજો ખોલી સીટ ઉપર મૂકેલી બેગ ચોરી ફરાર થઈ ગયો હતો.

હાલોલ નગરના ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સૌ નાગરિકોએ ચેતવા જેવું છે. બાળકોને શિક્ષણ આપતા શિક્ષકની સાથે બાળકે જ આ કૃત્ય કર્યું છે. શિક્ષક બોર્ડની પરીક્ષાના દસ્તાવેજો લઈ જઈ રહ્યા હતા. જેમાં રણજીતનગર પરીક્ષા કેન્દ્રની પરીક્ષા ફાઈલ, સુપરવાઇઝર્સના આઈકાર્ડ, વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાની યાદી, પરીક્ષા કેન્દ્રના બિલો વગેરે કાગળો બેગમાં હતા. શિક્ષકે હાલોલ પોલીસ મથકમાં અને બોર્ડની પરીક્ષાના ઝોનલ અધિકારીને લેખિત અરજી કરી આ વિશે જાણ કરી છે.

હાલોલ શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ દિવસે દિવસે વધી રહી છે. તાજેતરમાં જ મોબાઈલ, પાકીટ ચોરી થવાના કિસ્સા બન્યા છે. શહેરમાં ઠેક ઠેકાણે લગાવવામાં આવેલા અને એક સમયે ચાલતા સીસીટીવી કેમેરા આજે ગાયબ થઈ ગયા છે. તો કેટલાક સ્થાને આખે આખા થાંભલા જ ગાયબ થઈ ગયા છે. જાહેર માર્ગોની ગતિવિધિ ઉપર નજર રાખતી નગર પાલિકાની લાખો રૂપિયા ખર્ચી ઊભી કરવામાં આવેલી વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم