વલસાડ2 કલાક પહેલા
- કૉપી લિંક
વલસાડ જિલ્લામાં 74 પરીક્ષા કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જુનિયર ક્લાર્કની પરીક્ષા જિલ્લાની પરીક્ષા સમિતિ દ્વારા લેવામાં આવશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ એસટી ડેપો ઉપર વિદ્યાર્થીઓનું ટ્રાફિકનું ભારણ ન થાય તે માટે વલસાડ એસટી વિભાગ દ્વારા વલસાડ, નવસારી અને ડાંગ એસટી ડેપો મળી કુલ 135 વધુ બસોની ફાળવણી કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં આવેલા 74 પરીક્ષા કેન્દ્રો ઉપર કુલ 891 પોલીસ જવાનો અને અધિકારીઓનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. પેપર લીક ન થાય અને પરીક્ષામાં કોઈપણ ગેરરીતી ન થયા તે માટે જિલ્લા પરીક્ષા સમિતિ એ પૂરતી વ્યવસ્થા કરી છે.

વલસાડ જિલ્લાના 74 પરીક્ષા કેન્દ્રો ઉપર વડોદરા, સુરત, ભરૂચ અને તાપી જિલ્લાના પરિક્ષાર્થીઓ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપશે. સવારે પરિક્ષાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્ર નજીક આવેલા બસ સ્ટેન્ડ સુધી એસટી વિભાગ દ્વારા બુકીંગ મુજબ એસટી બસોની ફાળવણી કરવામાં આવી છે. પરિક્ષાર્થીઓ પરીક્ષા પૂર્ણ થયા બાદ ટ્રાફિક મેનેજ કરવા માટે વલસાડ વિભાગીય કચેરી દ્વારા વલસાડ, નવસારી અને ડાંગ બસ ડેપો મળીને કુલ 135 જેટલી બસોની ફાળવણી કરવામાં આવી છે. એસટી વિભાગ દ્વારા તમામ પરિક્ષાર્થીઓને સમયસર બસ બુક કરવી લેવા અહવાન કરવામાં આવ્યું છે. ટ્રાફિક મેનેજ કરવા તમામ બસ ડેપોને નિયત સમયે તમામ વિદ્યાર્થીઓની સ્પેશ્યલ બસના શિડયુલ ઓપરેટ કરવા વલસાડ એસટી વિભાગના વિભાગીય નિયમકે જણાવ્યું છે.

