અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક
શહેરમાં ગુનાખોરી સતત વધી રહી છે ત્યારે બાપુનગર અનિલ મિલ વિસ્તારમાં સગા ભાઈ ઉપર ભાઈએ જ હુમલો કરતાં તેનું કરૂણ મોત થયું હતું. ભાઈએ જ ધોળા દહાડે ખુલ્લેઆમ જાહેરમાં ભાઈની હત્યા કરતાં ચકચાર મચી ગઈ છે. સામાન્ય બોલાચાલીમાં બે ભાઈઓ વચ્ચે મોટી બબાલ થઈ જતાં જીવલેણ હુમલો કરી દીધો હતો. ઈજાગ્રસ્ત ભાઈને હોસ્પિટલમાં દાખલ કરાયો જ્યાં તેનું મોત થયું હતું. રોડ ઉપર ખુલ્લેઆમ હુમલાની આ ઘટનાથી આજુબાજુના રહીશો પણ ગભરાઈ ગયા હતા. લોકોમાં પોલીસની કોઈ બીક જ ના હોય તેમ લોકો જાહેરમા મારામારી કરી રહ્યા હતા. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
બંને પક્ષે બોલાચાલી અને ગાળાગાળી થઈ
બાપુનગરમાં અનિલ સ્ટાર્ચની બાજુમાં રાધારમણ ફ્લેટમાં રહેતા કનુભાઈ ચંદુભાઈ પટણી બપોરના એક વાગ્યા આસપાસ સોસાયટીના ગેટ પાસે હતા. તે દરમિયાન તેમના ભાઈએ આવીને ગાળાગાળી કરી હતી. પરેશભાઈ ચંદુભાઈ પટણી તથા તેમનો દીકરો મેહુલ ગેટ પાસે 4 વાગ્યાની આસપાસ ઊભા હતા. તે દરમિયાન તેના ભાઈ અને સાળા લોકો આવ્યા હતા અને બંને પક્ષે બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી. સોસાયટીના ગેટ ઉપર જાહેરમાં જ મારામારી થઈ હતી.આ ઘટનાથી આજુબાજુના લોકો ડરી ગયા હતા.

લોખંડનાં પાઈપથી હુમલો કર્યો
આ દરમિયાન દિનેશ ચંદુભાઈ પટણી, સુરેશ ચમનભાઈ પટણી, સુરેશ તેમજ જયેશ પટણી સહિતના લોકોએ કનુભાઈ તથા તેમના ભાઈ સાથે ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. પછીથી લોખંડનો પાઈપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં કનુભાઈ પટણી, પરેશભાઈ પટણી તથા મેહુલભાઈ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં પરેશભાઈને વધુ ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ ત્યાં તેઓનું મોત થયું હતું. પોલીસ સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં હત્યાનો સિલસિલો અવિરતપણે ચાલુ
અમદાવાદના સાણંદના મોડસર ગામે મેળામાં એક શખ્સની હત્યા કરવામાં આવી હતી. એક શખસે અન્ય શખસ ઉપર છરીના ઘા માર્યા હતા. ઘાયલ શખ્સને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જો કે હાજર ડોક્ટરે ઘાયલ શખ્સને મૃત જાહેર કર્યો હતો. મૃતકનું નામ પીપણ ગામનો જીજ્ઞેશ સોલંકી હોવાનું સામે આવ્યું છે. જ્યારે હુમલો કરનાર બાવળાનો દીપક મકવાણા હોવાનું બહાર આવ્યું છે.

મિત્રએ મિત્રની હત્યા કરી
નવરાત્રિમાં ચાર હત્યા બાદ શહેરમાં બે બીજા હત્યાના બનાવ બન્યા છે. જેમાં એક હત્યા નારોલમાં અને બીજી વસ્ત્રાલમાં થઈ છે. વસ્ત્રાલમાં 10 લાખ રૂપિયાની લેતીદેતીમાં સમાધાન બાદ બે યુવકો બુલેટ પરત ફરી રહ્યા હતા ત્યારે આરોપીઓએ પોતાની કાર બુલેટ ઉપર ચડાવી દીધી હતી. જેમાં એક યુવક નીચે પટકાતા તેની પર કારનું ટાયર વારંવાર ફેરવી મોતને ઘાટ ઉતાર્યો હતો.
પિતાએ પુત્રની હત્યા કરી
8 મહિના પહેલા પિતાએ પુત્રની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. વાસણામાંથી ધડ, ગુજરાત કોલેજ પાસેથી પગના ટુકડા સહિતનાં અંગો મળી આવ્યાં હોવાની ઘટનામાં CCTV ફૂટેજના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમ આંબાવાડીમાં રહેતા નિવૃત્ત કલાસ-2 અધિકારી નિલેશ જોશીના ઘર સુધી પહોંચી હતી. ઘરમાંથી લોહીના ડાઘ તેમ જ મૃતદેહના અન્ય કેટલાક અવશેષો મળી આવ્યા હતા, જેમાં ખુદ પિતા એ જ દીકરાની હત્યા કરીને શરીરના ટુકડા કરીને ફેંક્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

પ્રતિકાત્મક તસવીર
CCTV ફૂટેજમાં વૃદ્ધ પોલિથીન બેગમાં અવશેષો લઈ એક્ટિવા પર જતા દેખાયા હતા
પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ મકાનમાં નિલેશ જોશી તેમના પુત્ર સ્વયમ અને તેમની બહેન સાથે રહેતાં હતાં. સ્વયમ પરિણીત હતો કે નહીં તેમ જ તેમનાં બહેન પરિણીત હતાં કે નહીં તેમ જ નિલેશ જોશીનાં પત્નીનું ક્યારે અવસાન થયું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી. જો કે, પોલીસને જાણવા મળ્યું હતું કે, આ પરિવારના સભ્યો માનસિક અસ્વસ્થ હતા, જેના કારણે હત્યા થયાનું જાણવા મળ્યું છે.
પતિની હત્યાનું કાવતરું રચીને હત્યાને અંજામ આપ્યો
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પરિણીતાએ પરપુરુષ સાથેના આડા સંબંધોમાં પતિની હત્યાનું કાવતરું રચીને હત્યાને અંજામ આપ્યો. પરિણીતાને પતિએ તેના પ્રેમી સાથે ઝડપી પાડતા પરિણીતાએ પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરું રચીને તેને મોતને ઘાટ ઉતારીને કૂવામાં ફેંકી દીધો હતો. મૃતકની પત્નીએ પતિ ગુમ થઈ ગયો હોય તે પ્રકારની વાત પોલીસને જણાવી હતી. પરિવારજનોએ તેના ગુમ થયાં અંગે પોલીસને જાણ કરતા પોલીસે તેની પત્ની અને તેની મિત્ર સહિત પ્રેમીની પૂછપરછ કરતા આ સમગ્ર મામલો હત્યાનો ઘટસ્ફોટ થયો હતો.

પ્રતિકાત્મક તસવીર
બે મિત્રોની અલગ-અલગ જગ્યાએ હત્યા
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં એક જ દિવસમાં બે મિત્રોની અલગ-અલગ જગ્યાએ હત્યા કરાયેલી લાશ મળી આવી છે. આ બનાવ બાદ બંનેના પરિવારમાં માતમ છવાયો છે. બે હત્યામાં એકની લાશ તેના જ ઘરના રૂમમાંથી જ્યારે અન્ય એકની લાશ ખેતરમાંથી મળી આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, બંનેની હત્યા એક જ રીતે થઈ છે એટલે કે બંનેની છરી મારીને જ હત્યા કરાઈ. આ સિવાય અમદાવાદના વેજલપુરમાંથી ગુમ થયેલા યુવકની તપાસ કરતા હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. મૃતકના મિત્ર એ જ હત્યા કરી મૃતદેહને દફનાવી દીધો હતો.
ક્રૂર હત્યાનો બનાવ
અમદાવાદના રામોલ વિસ્તારમાં એક જ રાતમાં બનેલી બે હત્યાની ઘટનાએ પૂર્વ વિસ્તારને ફરી રક્ત રંજીત કર્યું છે. જોકે રામોલ પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડ્યો છે. ત્યારે પોલીસ સમક્ષ હત્યારા આરોપીએ ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. આરોપી કોઈ બીજો નહીં પણ મરનાર બે યુવકનો મિત્ર જ નીકળ્યો અને આ હત્યારો એટલો ક્રૂર હતો કે, હત્યા બાદ તેણે વીડિયો પણ બનાવ્યા હતા