દુબઇથી સુરત સોનાની તસ્કરીનું રેકેટ ઝડપાયું, અંડરવેરમાં ચોર ખાનું અને બુટના તળિયામાં સંતાડીને લાવતા હતા કરોડોનું ગોલ્ડ | SOG busts Dubai-Surat gold smuggling racket, thieves in underwear and sneaking gold worth crores in shoe soles | Times Of Ahmedabad

સુરત38 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરત એસઓજી પોલીસે આંતરરાષ્ટ્રીય સોનાના સ્મગલિંગના રેકેટનો પર્દાફાશ કર્યો છે. દુબઇથી સુરત 4 કરોડ 29 લાખ અને 48 હજારની કિંમતનું 7.158 કિલો સ્મગલિંગના સોના સાથે 4 ઇસમોને એસઓજી પોલીસે ડુમસ રોડ પાસેથી ઝડપી પાડ્યા છે. આ રેકેટમાં સોનું મંગાવનાર અને મોકલનાર બે ઇસમોને પોલીસે વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓ દુબઇથી સોનાનો પાવડર ખરીદી તેમાં કેમિકલ મિક્સ કરી પેસ્ટ બનાવીને સુરત લાવતા હતા. કસ્ટમ અધિકારીથી બચવા અંડરવેરમાં ચોરખાનું બનાવી તેમાં સોનું મુકવામાં આવ્યું હતું. તેમજ બુટના તળિયામાં છુપાવીને ગોલ્ડ સ્મગ્લિંગ કરતા હતા.

સોનામાં કેમિકલ મિક્ષ કરી તેની પેસ્ટ બનાવી
સુરત એસઓજી પોલીસને દુબઇથી સોનાની સ્મગ્લિંગ કરતી એક ટોળકી વિશે માહિતી મળી હતી. આ ટોળકી તેના કેરિયરોને દુબઇ ખાતે મોકલી ત્યાંથી સોનું સુરત મોકલવામાં આવતું હતું. ત્યાંના વેપારીઓ પાસેથી સોનાના પાવડરની ખરીદી કરી તેને ભારત લાવવામાં આવતો હતો. સુરત એરપોર્ટ પર ખબર ના પડે તે માટે સોનામાં કેમિકલ મિક્ષ કરી તેની પેસ્ટ બનાવી શરીરના આંતરવસ્ત્રોમાં છુપાવી સોનાને દુબઇથી સુરત ખાતે સ્મગલિંગ કરી લાવવામાં આવે છે.

અંડરવેર અને બુટમાં છુપાવી સોનાની પેસ્ટ
આ ટોળકીના સભ્યો દુબઇ ખાતેથી સોનું લાવી સુરતના ડુમસ ખાતેથી પસાર થવાના છે તેવી માહિતી સુરત એસઓજી પોલીસને મળી હતી. આ માહિતીના આધારે સુરત એસઓજી પોલીસે ડુમસ એસકેનગર ચોકડી પાસે વોચ ગોઠવી ફોરવ્હીલ કારમાં પસાર થતા ફેનિલ રાજેશ મેવાણી, નીરવ રમણીક ડાવરીયા, ઉમેશ ઉર્ફે લાખો રમેશ ભીખરીયા અને સાવન શાંતિલાલ રાખોલિયાને ઝડપી પાડ્યા હતા. પોલીસને ફેનિલ અને નીરવ પાસેથી તેમના અંડરવેર અને બુટમાં છુપાવીને લાવેલી 4 કરોડ 29 લાખ 48 હજારની કિંમતની 7.158 કિલોની સોનાની પેસ્ટ મળી આવી હતી. જેથી પોલીસે ચારે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દુબઇથી સોનાનો પાવડર લઇ સુરત એરપોર્ટ પહોંચ્યા
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, દુબઇ ખાતે રહેતા પાર્થ શર્મા નામના આરોપીએ હાલમાં ઝડપાયેલા ઉમેશ અને સાવનને દુબઇ ખાતે સોનાનો પાવડર લેવા માટે મોકલવા જાણ કરી હતી. જેથી ફેનિલ અને નીરવ દુબઇ ગયા હતા. જ્યાં પાર્થ શર્મા પાસેથી સોનાનો પાવડર મેળવી પોતાના આંતરવસ્ત્રોમાં છુપાવી દુબઇથી ફ્લાઇટ મારફતે સુરત એરપોર્ટ આવી ઇમિગ્રેશન સિક્યુરિટીમાંથી એનકેન રીતે પસાર થઈ સુરત ખાતે રહેતા વિકી નામના ઇસમને આપવા જતા પકડાઇ ગયા હતા.

આ હતી આરોપીઓની મોડેસ ઓપરેન્ડી
આરોપીઓની મોડેસ ઓપરેન્ડી વિશે એડિશનલ સીપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે, આરોપીઓ એરપોર્ટ ઉપર ઇમિગ્રેશન સિક્યુરિટીમાં પકડાય નહીં તે માટે સોનાને પ્રથમ પાવડર સ્વરૂપમાં બનાવી તેમાં વિશેષ પ્રકારનું કેમિકલ મીક્ષ કરતા હતા. જેને લઇને તે લુગદી સ્વરૂપમાં નાના નાના પાઉચમાં ભરી તેની પર સેલોટેપ વીંટાળી પાઉચ બનાવી દેવામાં આવતા હતા. આ પાઉચને કપડાના અંડરવેરમાં ખાસ પ્રકારના ચોર ખાના બનાવવામાં આવ્યા હતા અને આ આરોપીઓએ ચોર ખિસ્સામાં તેમજ બુટના તળિયામાં સોનાની પેસ્ટના પાઉચ મુકી ફ્લાઇટમાં બેસી સુરત એરપોર્ટ ઉપર ઉતર્યા હતા. ઇમિગ્રેશન સિક્યુરિટીમાંથી એનકેન પ્રકારે પસાર થઈ ભારત સરકારના કસ્ટમ વિભાગમાં એક્સઇઝ ડ્યુટી ન ભરી સરકારને આર્થિક રીતે નુકશાન પહોંચાડતા હતા.

સ્મગલિંગનું આ રેકેટ છેલ્લા 6 મહિનાથી ઓપરેટ થતું
એડિશનલ સીપી ક્રાઇમ શરદ સિંઘલે વધુમાં જણાવ્યું હતું કે, આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, સોનાની સ્મગલિંગનું આ રેકેટ છેલ્લા 6 મહિનાથી ઓપરેટ થતું હતું અને 1 મહિનામાં 5થી 10 જેટલી ટ્રીપ મારતા હતા. પોર્ટ પરથી લાવે તો સાડા 12 ટકા અને એરપોર્ટ પરથી લઇને આવે તો 36 ટકા કસ્ટમ ડ્યુટી હોય છે અને તે ન ભરવી પડે તે માટે આરોપીઓ આવી રીતે સોનાની સ્મગલિંગ કરતા હતા.

એક ટ્રીપના 25 હજાર રૂપિયા મળતા
વધુમાં શરદ સિંઘલે જણાવ્યું હતું કે, પકડાયેલા આરોપી માત્ર રૂપિયાની લાલચમાં દુબઈ સુધી સોનું લેવા જતા હોય છે. દુબઈમાં સોનુ લેવા ગયેલા ફેનિલ મેવાણી અને નીરવ ડાવરીયા સુરતમાં ડાયમંડમાં નાની મોટી નોકરી કરે છે. ત્યારે દુબઈ ખાતેથી સોનું લાવવા આરોપીઓને એક ટ્રીપના 25 હજાર રૂપિયા મળતા હતા. જ્યારે દુબઈથી સોનું લઈને આવેલા બંને આરોપીઓની સાથે તેમને લઈ જનાર ઉમેશ ભિખરીયા અને સાવન રાખોલીયા આ સોનાને મુખ્ય વ્યક્તિ સુધી પહોંચાડવાનું કાર્ય કરતા હતા.

છ મહિનામાં 150 કરોડથી વધુના સોનાની સ્મગલિંગ
જોકે, હાલ તો પોલીસે સોનાની સ્મગલિંગના આ રેકેટમાં ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે દુબઈથી સોનું મોકલનાર પાર્થ શર્મા અને સુરતમાં સોનું મંગાવનાર વિકીને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ છેલ્લા છ મહિનાથી આ રેકેટ ચાલતું હોવાથી સો કરોડથી પણ વધુ સોનાની સ્મગલિંગ થઇ હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. કારણ કે આ ટોળકી મહિનામાં પાંચથી દસ ટ્રીપ કરતી હતી અને એક ટ્રીપમાં ચારથી પાંચ કરોડના સોનાની સ્મગલિંગ કરવામાં આવતી હતી. ત્યારે એક મહિનામાં 22થી 25 કરોડ સોનાની સ્મગલિંગ કરાઈ હોવાનું જણાય આવ્યું છે. જે આધારે છ મહિનામાં 150 કરોડથી વધુ આ ટોળકી દ્વારા સોનાની સ્મગલિંગ કરાઈ હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

આરોપીઓને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવશે
હાલ તો SOG પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવશે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. ત્યારે સોનાના સ્મગલિંગના આ રેકેટમાં મોટા માથાઓ ના નામ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

Previous Post Next Post