સામાન્ય રીતે અન્ય દેશોના હેકર્સ ભારતમાં ઓનલાઈન ભાંગફોડ કરતા હોય છે પણ હવે ભારતીય હેકર્સે પાકિસ્તાન અને ચીનમાં તરખાટ મચાવ્યો છે.

ભારત સમર્થિત હેકર્સે પાકિસ્તાની એરફોર્સ અને ચીનની સુરક્ષા સાથે સંકળાયેલી સંસ્થામાં હેકિંગ કરતા બંને દેશોમાં હડકંપ મચી ગયો છે.
આ ઘટના મે મહિનામાં બની હતી પણ તાજેતરમાં જ તેની જાણકારી લીક થઈ છે. પાકિસ્તાન અને ચીનનો દાવો છે કે, ભારતના મિત્ર હેકર્સે અમારી સાઈબર સ્પેસમાં ઘૂસીને જાસૂસી કરી છે. લગભગ 15000 એવી ફાઈલો હેક કરી છે જેમાં સંરક્ષણને લગતી સંવેદનશીલ જાણકારી હતી.
આ જ પ્રકારની ઘટના માર્ચ મહિનામાં પણ બની હતી. તે વખતે હેકર્સ પાક નેવીની જાણકારી ચોરી ગયા હતા.
પાકિસ્તાન અને ચીનના અધિકારીઓ વચ્ચે થયેલી વાતચીતમાં હેકિંગની ઘટનાનો ઉલ્લેખ છે. તેમાં કહેવાયુ હતુ કે, આ હેકર્સ ભારતમાં જ છે અને એક પછી એક હુમલો કરી રહ્યા છે. ગયા વર્ષે આવા જ સાઈબર એટેકમાં ચીનની મિલટરી સંસ્થાઓને ટાર્ગેટ કરવામાં આવી હતી.
જો ચીન અને પાકિસ્તાનના અધિકારીઓનો દાવો સાચો હોય તો આ વર્ષે પહેલી ઘટના હશે જેમાં ભારત સમર્થિત સાયબર એટેક થયો હોય. ચીન અને પાકિસ્તાન છાશવારે આ પ્રકારના સાઈબર એટેક ભારત પર કરતા હોય છે. ઓક્ટોબર 2020માં આ જ રીતે થયેલા સાઈબર એટેકના કારણે મુંબઈમાં મોટા પાયે વીજ સંકટ ઉભુ થયુ હતુ. જોકે ચીને તેની જવાબદારી લેવાનો ઈનકાર કર્યો હતો.