Saturday, July 23, 2022

ઓક્સિજન લેવલ 2% થયું તો પણ ફરી ઘોડા ઉપર બેઠો અને 7 મિનિટમાં જ દેહ છોડ્યો; પત્ની-બહેન અને પિતાની આંખોમાં આંસુ રોકાતા નથી | Even though the oxygen was reduced to 2%, he got back on the horse and passed away within five to seven minutes.

પાટણ39 મિનિટ પહેલાલેખક: સુનિલ પટેલ

  • અમારા રડવાનો અવાજ ભાભીને ન સંભળાય એટલે ટીવીનું વોલ્યૂમ વધારી દીધું

‘અમે ના પાડી, ત્યાં અત્યારે જવા જેવું નથી. બધાએ સમજાવ્યો પણ એ માન્યો નહીં. બસ બધાને એજ વાત કહેતો રહેતો કે મુઝે બાબાને બુલાયા હૈ તો જાના હૈ. બધાએ ના પાડી પણ એ ગયો અને બધુ મુકીને કાયમ માટે જતો રહ્યો.’ આટલું કહેતા જ પાટણના હાર્દિક રામીની બહેનના ગળે ડુમો ભરાઈ ગયો અને વ્હાલસોયા વીરાને યાદી કરીને ચોધાર આસુંએ રડી પડી. પાટણનો હાર્દિક રામી અમરનાથ યાત્રામાં ગયો હતો અને ગુફાથી 10 કિ.મી. દૂર ઓક્સિજન લેવલ 2 ટકા થઇ જતા ઘોડા પર જ અંતિમ શ્વાસ લીધા હતા. હાર્દિકના પરિવારની દિવ્ય ભાસ્કરે મુલાકાત લીધી હતી, એ સમયે વાત કરતાં એ પલને યાદ કરીને તેના બહેન અને પિતાની આંખમાં આસું રોકાતા નથી. પત્ની કંઇ બોલી શકે એ અવસ્થામાં નથી. 16 માસની દીકરીએ પિતાની હૂંફ ગુમાવી છે.

વ્હાલસોયી દીકરી સાથેની હાર્દિકની તસવીર

વ્હાલસોયી દીકરી સાથેની હાર્દિકની તસવીર

ભાઈ હવે નથી રહ્યો કેવી રીતે કહેવું
હાર્દિકના બહેને જણાવ્યું હતું કે, જ્યારે હાર્દિકની તબિયત બગડી છે અને થોડીવારમાં તેના નિધનના સમાચાર આવ્યા. ઘરમાં શોકનો માહોલ હતો, પણ ભાઇ હવે નથી રહ્યો એ ભાભીને જણાવું કેમ. ગમગીનીભર્યા વાતાવરણમાં પણ અમે ભાભીની સામે હસતાં મોઢે જતા હતા. અમારા રડવાનો અવાજ તેમના કાને ના પડે એટલે ટીવીનું વોલ્યૂમ પણ વધારી દીધું હતું. બપોરે બનેલી ઘટના અંગે સાંજે પાંચ વાગ્યે ભાભીને જણાવ્યું. પતિના મોતના સમાચાર સાંભળતાં જ ભાભી સંભાળવા મુશ્કેલ બની ગયા.

ભાઈની અંતિમપળો અંગે વાત કરતા બહેન રડી પડી

ભાઈની અંતિમપળો અંગે વાત કરતા બહેન રડી પડી

બધાએ ના પાડી હતા છતાં પણ ગયોઃ મૃતકના બહેન
મૃતકના બહેન મેઘા રામીએ આંખોમાં આસું સાથે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, ભાઈ શેષનાગ પહોંચ્યો હતો અને સાંજે સાત-સાડાસાત વાગ્યે પિતા સાથે વાત કરી હતી. તેને ઠંડી લાગતી હતી, પપ્પાએ તેને કહ્યું હતું કે તું ટોપી પહેરી લેજે, મફલર લઇ લેજે, સૂંઠની ગોળી ખાઈ લેજે. ભાભી સાથે સાડા નવ વાગ્યે વાત થઇ હતી અને કાલ સવારે ઉપર જઇશુ તેવી બધી વાત સારી રીતે કરી હતી. પછી બીજા દિવસે વાત નહોતી થઇ. સવારે ભાઈ ગયો અને ઘોડા પર જ આવુ થયું. ઓક્સિજન પહેલા ઓછું હતું. આર્મીના જવાને તેમને બેસાડ્યો અને ઓક્સિજન આપ્યું. આરામ કરવા કહ્યું પણ માન્યો નહીં. ત્યાંથી થોડેક આગળ ગયો અને ઘોડા પરજ દમ તોડી દીધો. અમે ના પાડી હતી પણ તેને જવું જ હતું. બાબાને બુલાયા હૈ તો જાના હૈ એવું બધાને કહીને અહીંથી ગયો. બધાએ ના પાડી હતી તો પણ ગયો અને બધુ મુકીને જતો રહ્યો.

અમરનાથયાત્રા સમયની હાર્દિકની અંતિમ તસવીર

અમરનાથયાત્રા સમયની હાર્દિકની અંતિમ તસવીર

ઘોડા પર બેઠો અને સાત જ મિનિટમાં દેહ છોડી દીધોઃ મૃતકના પિતા
મૃતકના પિતા મુકેશભાઈ રામીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, મે મારા દીકરાને કહ્યું હતું કે, જે હોનારત થઇ રહી છે. 40-50 લોકોનો પત્તો નથી લાગ્યો ત્યારે મે તેને કહ્યું હતું કે બેટા તું આ વર્ષે ન જાય તો સારુ છે. છતાં પણ બાબાને બુલાયા હૈ તેમ કરીને મારે તો જવાનું જ છે તેમ કહીને ગયો હતો. શેષનાગ પહોંચ્યો ત્યારે મારે તેની સાથે વાત થઇ હતી. ત્યારે કહેતો હતો કે સારુ છે પણ ઠંડી વધારે છે એટલે મે ટોપી અને મફલરનું કહ્યું હતું. બીજા દિવસે 12 વાગ્યે ખબર પડી કે ચિન્ટું મારો દીકરો હાર્દિકને કંઇક થઇ ગયું છે. પછી સમાચાર મળ્યા કે તેનું ઓક્સિજન લેવલ ડાઉન થઇને બે-ત્રણ ટકા થઇ ગયું છે. આર્મીના જવાને ઓક્સિજન આપ્યું હતું. તેને આરામ કરવા કહ્યું પણ તેની જીદ હતી કે બાબાને બુલાયા હૈ તો જાના હૈ કરીને ઘોડા પર બેસી ગયો અને આગળ વધતાં પાંચથી સાત મિનિટમાં જ તેણે દેહ છોડી દીધો હતો.

રામી પરિવારને સાંત્વના પાઠવતાં સંબંધીઓ

રામી પરિવારને સાંત્વના પાઠવતાં સંબંધીઓ

ગુફાથી 10 કિ.મી. દૂર તબિયત લથડી
મંગળવારે તા. 19મી જૂલાઇની સવારે 10 વાગે યાત્રાના માર્ગમાં હતા, ગુફાથી 10 કિ.મી. દૂર હાર્દિક મુકેશભાઇ રામીની તબિયત એકાએક લથડી હતી. અહીંની હવામાં ઓક્સિજન ઘટતાં તેનો શ્વાસ રુંધાઇ જતાં તે ઘોડા ઉપર જ ઢળી પડતાં આસપાસમાંથી લોકો અને અન્ય યાત્રાળુઓ દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધી તેનું મૃત્યુ થઇ ચૂક્યું હતું.

મૃતક હાર્દિક પટેલના પિતા

મૃતક હાર્દિક પટેલના પિતા

પાટણના ચાર મિત્રો અમરનાથ ગયા હતા
જમ્મુ-કાશ્મીરનાં પવિત્ર યાત્રાધામ અમરનાથયાત્રા પ્રવાસે ‘બરફીલા બાબા’નાં દર્શનાર્થે તા. 15મી જુલાઇએ પાટણના ચાર મિત્ર હાર્દિક મુકેશભાઇ રામી, આશિત હેમંતભાઈ તન્ના, નિશુ ઠક્કર અને ક્રિશ પ્રજાપતિએ પ્રસ્થાન કર્યું હતું. આ બનાવ બન્યો ત્યારે તેના અન્ય મિત્રોમાંથી થોડા આગળ ચાલતા જતા હતા. તેમને જાણ થતાં ત્રણેય મિત્રો દોડી આવ્યા હતા પરંતુ મોડું થઇ ચૂક્યું હતું.

ત્રણ મિત્રો સાથે હાર્દિકની અંતિમ તસવીર

ત્રણ મિત્રો સાથે હાર્દિકની અંતિમ તસવીર

અન્ય સમાચારો પણ છે…

Related Posts: