الأحد، 24 يوليو 2022

ઔદ્યોગિક માગને ટેકે ચોક્કસ ધાતુઓમાં સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જના અહેવાલોની ગેરહાજરી છતાં ગઈકાલના ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં ખાસ કરીને કોપર, બ્રાસ શીટ કટિંગ્સ, ઝિન્ક સ્લેબ અને ટીનમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી પાંચનો સુધારો આવ્યો હતો, જ્યારે અન્ય ધાતુઓમાં પાંખાં કામકાજે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. આજે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની લેવાલીને ટેકે ચોક્કસ ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું, જેમાં ટીનના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને રૂ. ૨૨૨૫, કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી, કોપર આર્મિચર, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૩ વધીને અનુક્રમે રૂ. ૬૨૭, રૂ. ૬૨૨, રૂ. ૬૧૮, રૂ. ૫૭૫ અને રૂ. ૬૪૦ અને બ્રાસ શીટ કટિંગ્સ તથા ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ૧ વધીને અનુક્રમે રૂ. ૪૮૧ અને રૂ. ૨૮૨ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે નિકલ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને લીડ ઈન્ગોટ્સમાં સાર્વત્રિક સ્તરેથી છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૯૫૦, રૂ. ૪૫૦, રૂ. ૧૫૯, રૂ. ૨૧૨ અને રૂ. ૧૮૩ના મથાળે ટકેલા રહ્યા હતા.


પોસ્ટ દૃશ્યો:
15