Tuesday, August 30, 2022

ગાંધીનગર ચ-0 સર્કલ ખાતે ગીરના જંગલનો અહેસાસ કરાવતી પ્રતિકૃતિનું અનાવરણ

[og_img]

  • ગાંધીનગરમાં નવું આકર્ષણનું કેન્દ્ર રિલાયન્સના સહયોગથી ઉભું કરાયુ
  • પાટનગરના પ્રવેશ માર્ગે સાસણગીરનું જંગલ ઉભું કરાયું
  • ગીરના સિંહ ઈન્દ્રોડા સર્કલમાં જોવા મળશે
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હવે એશિયાઈ સિંહો અને ગીરના જંગલની અનુભૂતિ કરાવે તેવા આકર્ષણના કેન્દ્રનો ઉમેરો થયો છે. ઈન્દ્રોડા સર્કલ (ચ-૦) ખાતે “ધ ગીરઃ પ્રાઈડ ઓફ ગુજરાત”નું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં સાસણગીરમાં જોવા મળતા વિવિધ પ્રાણી અને પક્ષીઓની રેપ્લિકા મૂકવામાં આવી છે. ગાંધીનગરના પ્રવેશમાર્ગે જ આ નવું નજરાણું ઉભું કરવામાં આવ્યું છે.
આજે ગૃહ અને મહેસુલ મંત્રી હર્ષ સંઘવી તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર પરિમલ નથવાણીના હસ્તે આ સર્કલને ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. રિલાયન્સના સહયોગથી આ સર્કલને સાસણગીરનું લુક આપવામાં આવ્યું છે. અહીંથી પસાર થતા લોકોને એક સમયે આ સર્કલ ગીરના જંગલની અનુભૂતિ કરાવશે.
આ અંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગાંધીનગરના હાર્દસમા ઈન્દ્રોડા (ચ-૦) સર્કલ ખાતે “ધ ગીરઃ પ્રાઈડ ઓફ ગુજરાત”નું નિર્માણ કરીને નગરમાં એક નવું આકર્ષણનું કેન્દ્ર રિલાયન્સના સહયોગથી ઉભું કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના નિર્માણમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાનો પણ સહયોગ મેળવવામાં આવ્યો છે.
આ અંગે પરિમલ નથવાણીએ કહ્યું કે, રિલાયન્સ કંપની ગીર અને ગીરના સિંહો માટે 3 દાયકા કરતાં વધુ સમયથી કામ કરી રહી છે. આ પ્રોજેક્ટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલિટીનો એક ભાગ છે. તેઓ કંપનીના સહયોગથી ગીરના જંગલ અને ગુજરાતનું ગૌરવ એવા સિંહોને વિશ્વમાં પ્રમોટ કરવાની ઉમદા કામગીરી કરી રહ્યા હોવાનુ કહ્યું હતું.
25 હજાર ચોરસ ફુટ વિસ્તારમાં પ્રોજેક્ટ વિકસાવાયો
આ પ્રોજેક્ટ લગભગ 55 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસાવવામાં આવ્યો છે. જેમાંથી “ધ ગીરઃ પ્રાઈડ ઓફ ગુજરાત” અંદાજે 25 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસાવાયો છે.
ગીરના સિંહ ઈન્દ્રોડા સર્કલમાં જોવા મળશે
સર્કલમાં સાસણ ગીરમાં જોવા મળતા વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ જેવા કે, સિંહની જ 12 જેટલી પ્રતિકૃતિ, દિપડા, ચોશિંગા, ચીત્તલ, અજગર, વરુ, લંગુર, કિડીખાઉ, ગીધ વગેરેની પૂર્ણ કદની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે.
હવે સુભાષ બ્રિજ સર્કલને વિકસાવાશે
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના એરપોર્ટમાં ડોમેસ્ટિક ટર્મિનલ પર એશિયાટીક સિંહો પર આધારિત “ધી ગીર”નું નિર્માણ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં હવે અમદાવાદના સુભાષ બ્રિજ સર્કલ ખાતે આ જ પ્રકારના પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવશે.

Related Posts: