રતનાલના સરપંચ પતિએ લમ્પીગ્રસ્ત ગૌવંશોની દફનવિધિ માટે 2 એકર જમીન આપી દાનમાં | Donated 2 acres of land for burial of cows

અંજાર16 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ગામના અન્ય સેવાભાવીઓ સાથે સંકલનમાં રહી સેવાકીય કાર્યોનો પ્રારંભ કર્યો, ગામના ગૌવંશોમાં મોટા પ્રમાણમાં બીમારી ફેલાઈ

રાજ્યના અનેક જિલ્લાઓમાં ગૌવંશોમાં લમ્પી નામના વાયરલ રોગે હાહાકાર મચાવ્યો છે. જેમાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં લમ્પી રોગે ભરડો વધુ પ્રમાણમાં લીધો હોવાથી મોટા પ્રમાણમાં ગૌવંશના મૃત્યુ થયા છે. જેના કારણે પરિસ્થિતિનો તાગ મેળવવા ખુદ મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લાની મુલાકાત લીધી હતી.

આવા સમયે જ્યારે ગૌવંશોને બચાવતા લોકો જુદી જુદી રીતે સેવાઓ કરી રહ્યા છે ત્યારે અંજાર તાલુકાના રતનાલ ગામના સરપંચ પતિએ અન્યોને રાહ ચીંધવા અને ગૌવંશની સેવાનો ઉમદા ઉદાહરણ પૂરું પાડવા પોતાની ખૂબ કિમતી અંદાજીત 2 એકર જેટલી હાઇવે રોડ ટચ જમીન ગૌવંશની દફનવિધિ માટે દાનમાં આપી દીધી છે.

આ અંગે રતનાલ ગામના સરપંચ સરીયાબેનના પતિ ત્રિકમભાઈ રામજીભાઈ વરચંદ સાથે સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, રતનાલ ગામના ગૌવંશમાં ખૂબ મોટા પ્રમાણમાં લમ્પી રોગે પગ પેસરો કર્યો છે. જેના કારણે હજુ સુધીમાં અંદાજિત 30 જેટલા ગૌવંશોના મૃત્યુ થઇ ચુક્યા છે અને હજુ પણ ઘણા બીમાર છે. ગૌવંશોના ટપોટપ મૃત્યુ થતા અને સરકાર દ્વારા મૃત ગૌવંશની દફનવિધિ કરવાની સૂચના મળતા સૌ કોઈ મુંઝવણમાં મુકાયા હતા. જેથી અંજાર-રતનાલ હાઇવે માર્ગ પર કબીર મંદિરની બાજુમાં રોડની એકદમ નજીક આવેલી અંદાજીત 2 એકર જેટલી જમીન હોવાથી આ જમીનમાં ઊંડો ખાડો કરાવી જમીન ગૌવંશો માટે આપી દીધી હતી. જે બાદ ગામના જ સેવાભાવીઓના સહયોગે ગાડી ભરીને નમક પણ મંગાવી લીધો હતો. જેથી જે ગૌવંશના મૃત્યુ થાય છે તેમને વિધિવત રીતે દફનાવવામાં આવી રહ્યા છે.

આ કામગીરીમાં ગામના જ સેવાભાવી વાલજી જસા વરચંદ, દેવજી રામજી ભગત છાંગા, દીપક ભગુ વરચંદ, દસરથ ત્રિકમ છાંગા, દેવજી કાના માતા, રાહુલ જશા ભોજાણી સહિત કુલ 7થી 8 લોકો ગૌવંશો માટે સખત મહેનત કરી રહ્યા છે. તેવું ત્રિકમભાઈ વરચંદે જણાવ્યું હતું.

સંતાનો નથી, કુદરતની મહેરબાની છે જેથી સેવા કરીએ છીએ-ત્રિકમભાઈ વરચંદ
ત્રિકમભાઈના જણાવ્યા મુજબ તેમને કોઈ સંતાનો નથી, અને પહેલાના સમયથી જ વડીલો મારફતે મળેલી જમીનો છે અને ધંધો પણ ખુબ સારો છે. જેથી ભગવાનની મહેરબાની હોવાથી હવે જે કમાય છે તે જરુરતમંદોની સેવામાં વાપરી નાખે છે. ભેગું કરવાની કોઈ આશા ન હોવાથી સેવા પાછળ ખર્ચ કરે છે.

ગામની 1250 એકર પડતર જમીન પર કબજો થઈ ગયો
આ અંગે રતનાલ ગામના સરપંચ પતિ ત્રિકમભાઈએ જણાવ્યું હતું કે, ગામની કુલ 1250 એકર જેમીન પડતર છે પરંતુ તમામ જમીન પર કબજો થઇ ગયો છે અને કોઈને કોઈ વ્યક્તિ તે જમીનને વાવી રહ્યો છે, અગર આ સમયે કોઈ પડતર જમીનમાં દફનવિધિ કરવામાં આવે તો ગામમાં જ ડખો ઉત્પન્ન થાય તેવી સ્થિતિ છે. જેથી આ બધી ઝંઝટમાં પડવા કરતા મારી ખુદની જમીન જ સેવાર્થે આપી દીધી છે.

કોરોનાના કપરા સમયમાં વાડીમાં ઉગેલા ઘઉં જરૂરતમંદ લોકોને આપી દીધા
રતનાલ ગામના સરપંચ સરિયાબેને કોરોના સમયે પણ આવી જ સેવા કરી હતી. લોકડાઉન સમયે લોકોને અનાજ મળવું મુશ્કેલ હતું, જેથી સરપંચની વાડીમાં તે સમયે 100 ઘઉં થયા હતા, તેનું દાન કર્યું હતું તથા અનાજની કીટ પણ આપવામાં આવી હતી.

બાજુમાં જ એન.એ. થયેલી જમીન, જેના એક વારની કિંમત 4 હજાર- ઉપસરપંચ
આ અંગે રતનાલ ગામના ઉપસરપંચ રણછોડભાઈ એસ. આહિરે જણાવ્યું હતું કે, સરપંચે જે જમીન સેવાર્થે આપી છે તેના એકદમ બાજુની જમીન રહેણાંક હેતુ માટે ફેરવાયેલી છે, જેમાં જે પ્લોટ વેચાય છે તેના 1 વારની કિંમત અંદાજે 4 હજાર જેટલી છે. જેથી આટલી કિંમતી જમીન સેવાર્થે આપી ત્રિકમભાઈ વરચંદે અન્યોને પણ સેવાની નવી રાહ ચીંધી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post