નર્મદા ડેમમાંથી પાણી છોડાતાં 3 તાલુકાનાં ગામોને સાવધ કરાયાં | Villages of 3 talukas were alerted after releasing water from Narmada Dam

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • 55 હજાર ક્યૂસેક પાણી છોડાય છે,જે 1.45 લાખ ક્યૂ. થવાની શક્યતા
  • નર્મદા 2 કાંઠે થવાની સંભાવનાથી લોકોને સાવચેતી રાખવા સૂચના

નર્મદા ઘાટીના ઉપરવાસના અને સ્ત્રાવ વિસ્તારોમાં થઈ રહેલા સતત વરસાદને પગલે ઓમકારેશ્વર બંધમાંથી પાણી છોડવામાં આવતાં સરદાર સરોવર જળાશય જળ આવકથી ભરાઈ રહ્યું છે.ગુરુવારે રાતે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં 55 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જે વધીને 1.45 લાખ ક્યુસેક થવાની સંભાવના છે.જેના કારણે વડોદરા જિલ્લા કલેક્ટર અતુલ ગોર દ્વારા નર્મદા નદી બે કાંઠે વહેવાની શક્યતાને અનુલક્ષીને તકેદારીના ભાગ રૂપે નર્મદા કાંઠાના ગામોના લોકોને સચેત રહેવા સૂચના આપી છે.

કલેક્ટર દ્વારા નર્મદા કાંઠાના શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાના વહીવટી તંત્રોને સંપૂર્ણ તકેદારી રાખવા અને જરૂર પ્રમાણે સાવચેતીના તમામ પગલાં લેવા સૂચના પણ આપી છે.આ ત્રણેય તાલુકાના નર્મદા કાંઠાના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે અને ગ્રામજનોને નદી કાંઠાથી સલામત અંતર રાખવા અને સાવધ રહેવા અનુરોધ કર્યો છે.

તંત્રના જણાવ્યા અનુસાર, ગુરુવારે સાંજના સાત વાગે સરદાર સરોવર બંધમાં પાણીની આવક 86,431 ક્યુસેક હતી તે સમયે આર.બી.પી.એચ.ના માધ્યમ થી નદીમાં 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું. બંધમાં પાણીની સતત થતી આવકને અનુલક્ષીને રેડિયલ ગેટના માધ્યમ થી નદીમાં વધુ 10 હજાર ક્યુસેક પાણી છોડવાની શક્યતાનો વિકલ્પ ખુલ્લો રાખવામાં આવ્યો છે. જે 12 ઓગસ્ટની બપોરના 12 વાગ્યા સુધીમાં વધીને 1 લાખ ક્યુસેક થઈ શકે છે. નદીમાં આર.બી.પી.એચ અને રેડિયલ ગેટ એ બંનેમાં થઈને 55 હજાર ક્યુસેક થી શરૂ કરીને તબક્કાવાર 1.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી શકે છે.એટલે નર્મદા બંને કાંઠે વહે તેવી પ્રબળ શક્યતા છે.એટલે નર્મદા કાંઠાના ગામોમાં સંપૂર્ણ અને તમામ પ્રકારની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

સાંજના સાત વાગે નર્મદા ડેમની સપાટી 132.86 મીટર થઈ હતી
એસ.એસ.પી.ફ્લડ કંટ્રોલ સેલના શિફ્ટ ઇન્ચાર્જ દ્વારા નિયંત્રણ કક્ષને આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ગુરુવારના રોજ સાંજના સાત વાગે સરદાર સરોવર ખાતે પાણીની સપાટી વધીને 132.86 મીટર થઈ હતી. અને બંધનો જળ ભંડાર 80 ટકાથી વધુ ભરાયો હતો.આ સપાટીને ચેતવણીની સપાટી ગણવામાં આવે છે.બંધની પૂર્ણ સપાટી 138.68 મીટર છે જ્યારે બંધ 100 ટકા ભરાઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે…

https://images.bhaskarassets.com/web2images/521/2020/11/dvb_1604320831.png

أحدث أقدم