- કલમ 370 હટાવ્યાના ત્રણ વર્ષ બાદ 174 જવાનો શહીદ, 124 સામાન્ય લોકોએ જીવ ગુમાવ્યા
- ત્રણ વર્ષ પહેલાં આજના દિવસે જ દાયકાઓ જૂનું સપનું થયું હતું સાકાર
- છેલ્લાં ત્રણ વર્ષમાં ઘાટીમાં પર્યટનમાં આવ્યો ઉછાળો
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયાને આજે ત્રણ વર્ષ પૂરા થયા છે. કલમ 370 હટાવ્યા બાદ આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે. આ સાથે કાયદો અને વ્યવસ્થાની ઘટનામાં કોઈ નાગરિક કે જવાનનું મોત થયું નથી. આતંકવાદી ઘટનાઓમાં સામાન્ય લોકોના મૃત્યુની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.
કલમ 370 નાબૂદ થયાના 3 વર્ષ પહેલા અને પછીની ઘટનાઓની તુલના કરતા જમ્મુ અને કાશ્મીર પોલીસે માહિતી આપી છે કે કાશ્મીર ઝોનમાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે. પોલીસે આ કેસોને છ કેટેગરીમાં વહેંચ્યા છે.
તેમાંથી 5 ઓગસ્ટ, 2016 અને 4 ઓગસ્ટ, 2019 વચ્ચે કાયદો અને વ્યવસ્થાની 3,686 ઘટનાઓ બની હતી, જ્યારે 5 ઓગસ્ટ, 2019 અને 4 ઓગસ્ટ, 2022ની વચ્ચે માત્ર 438 ઘટનાઓ બની હતી. આ સિવાય 370 નાબૂદ થયાના ત્રણ વર્ષ પહેલા કાયદો અને વ્યવસ્થાની ઘટનાઓમાં 124 નાગરિકોના મોત થયા હતા, જે વિશેષ દરજ્જો હટાવ્યા પછી શૂન્ય થઈ ગયા હતા. આ સિવાય આવી ઘટનાઓમાં 6 જવાન પણ શહીદ થયા હતા, પરંતુ 2019 પછી એક પણ જવાનનું મોત થયું નથી.
370ને હટાવ્યા પહેલા 290 જવાનો શહીદ થયા હતા
કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓની વાત કરીએ તો, 5 ઓગસ્ટ, 2016 થી 4 ઓગસ્ટ, 2019 વચ્ચે કુલ 930 ઘટનાઓ બની હતી, જે 370ને દૂર કર્યા પછી ઘટીને 617 થઈ ગઈ છે. આ આતંકવાદી ઘટનાઓમાં 290 સૈનિકો શહીદ થયા હતા અને 370 લાગુ થયા પહેલા 191 નાગરિકો માર્યા ગયા હતા, કલમ 370 નાબૂદ થયાના 3 વર્ષ પછી, 174 સૈનિકો શહીદ થયા હતા અને 110 લોકો માર્યા ગયા હતા.
પર્યટનનો ફાયદો
જો કે ઐતિહાસિક પગલું લેવામાં આવે તે પહેલા કાશ્મીર ઘાટીમાં અનેક નિયંત્રણો અને કર્ફ્યુ લાદવા પડતા હતા. જો કે સત્તાવાળાઓએ પ્રતિબંધો હટાવી લીધા હતા અને અટકાયત કરાયેલા રાજકારણીઓને મુક્ત કર્યા હતા. કલમ 370 અને 35 (A) નાબૂદ થયા બાદ રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રને વેગ મળ્યો છે. માળખાકીય વિકાસ, સુધરેલી કનેક્ટિવિટી અને શ્રેષ્ઠ કાયદો અને વ્યવસ્થાના કારણે કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
વર્ષગાંઠના એક દિવસ પહેલા આતંકવાદીઓએ હુમલો કર્યો
જમ્મુ-કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 નાબૂદ કરવાની વર્ષગાંઠના એક દિવસ પહેલા આતંકવાદીઓએ પુલવામામાં હુમલો કર્યો. આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકીને બિન-કાશ્મીરી મજૂરો પર હુમલો કર્યો. આ ઘટનામાં એક કામદારનું મોત થયું છે જ્યારે 2 લોકો ઘાયલ થયા છે ત્યારબાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે.
કલમ 370 5 ઓગસ્ટ 2019ના રોજ દૂર કરવામાં આવી હતી
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2019માં 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 હટાવી દીધી હતી, વિપક્ષી પાર્ટીઓ કલમ 370ને હટાવવાનો સતત વિરોધ કરી રહી છે. પ્રાદેશિક પક્ષો પીડીપી અને નેશનલ કોન્ફરન્સ સતત કલમ 370ની પુનઃસ્થાપનાની માંગ કરી રહ્યા છે. પીડીપીના વડા મહેબૂબા મુફ્તી સતત કહી રહ્યા છે કે કલમ 370 નાબૂદ થવાને કારણે કાશ્મીરમાં સ્થિતિ વણસી છે, જ્યારે નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લા કહે છે કે ભાજપે કલમ 370 હટાવીને ભારતના ભાગલા પાડવાનું કામ કર્યું છે.