[og_img]
- કાઉન્ટી ક્રિકેટમાં શાનદાર ફોર્મમાં ચેતેશ્વર પૂજારા
- સેહવાગ સ્ટાઇલમાં બેટિંગ કરી એક ઓવરમાં 22 રન ફટકાર્યા
- 51 બોલમાં 50 રન અને બાકીના 50 રન માત્ર 22 રનમાં પૂરા કર્યા
ભારતનો ટેસ્ટ નિષ્ણાત બેટ્સમેન ચેતેશ્વર પૂજારા ઇંગ્લેન્ડ ખાતેની કાઉન્ટી ક્રિકેટમાં શાનદાર ફોર્મમાં છે. તેણે રોયલ લંડન કપમાં સસેક્સ માટે 79 બોલમાં આક્રમક 107 રનની ઇનિંગ રમી હોવા છતાં તેની ટીમનો વોરવિકશાયર સામે ચાર રનથી પરાજય થયો હતો.
પૂજારાની આક્રમક બેટિંગ
પૂજારાએ વીરેન્દ્ર સેહવાગ સ્ટાઇલમાં બેટિંગ કરીને એક ઓવરમાં 22 રન પણ ફટકાર્યા હતા. પૂજારાએ 51 બોલમાં પોતાના પ્રથમ 50 રન બનાવ્યા હતા અને તેણે બાકીના 50 રન માત્ર 22 રનમાં પૂરા કર્યા હતા. તેણે 135.44ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા અને તેણે સાત બાઉન્ડ્રી તથા બે સિક્સર પણ ફટકારી હતી. પૂજારા ટૂર્નામેન્ટમાં આ સદી પહેલાં એક 50 પ્લસ ઇનિંગ પણ રમી ચૂક્યો છે. સસેક્સ માટે કાઉન્ટી મેચોમાં તે સદ અને બેવડી સદી ફટકારીને ટીમને ઘણી મેચો પણ જીતાડી ચૂક્યો છે.
લંડન કપમાં પૂજારાની પ્રથમ સદી
રોયલ લંડન કપમાં પૂજારાની આ પ્રથમ સદી રહી છે. વોરવિકશાયરે પ્રથમ બેટિંગ કરીને રોબર્ટ યેટ્સના 114 તથા માઇકલ બર્ગેસના 58 રનની મદદથી 50 ઓવરમાં 310 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સસેક્સની ટીમ સાત વિકેટે 306 રન બનાવી શકી હતી. કૃણાલ પંડયાએ વારવિકશાયર માટે ત્રણ વિકેટ ઝડપી હતી.