- Gujarati News
- Local
- Gujarat
- Gandhinagar
- A Middle aged Man Was Shot Dead While Gambling With His Friends In Gandhinagar’s Kolwada, Eight To Ten Wounds Were Sustained Even After He Lost His Life.
ગાંધીનગર2 મિનિટ પહેલા
- ચારેક મહિના અગાઉ મરનારે દારૂની મહેફિલ દરમિયાન જમાદાર અને રાજકીય નેતા સહિત ત્રણને ધોઈ નાખ્યા હતા
ગાંધીનગરના કોલવડા ગામથી સોનીપુર તરફ જતાં હનુમાન મંદિર પાસેના ખેતરમાં મિત્રો સાથે જુગારની બાઝી માંડીને બેઠેલા ગામના 49 વર્ષીય દિલીપસિંહ ભવાનજી વાઘેલા ઉપર ફાયરિંગ કરીને તીક્ષ્ણ હથિયારના આઠથી દસ ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. જેનાં પગલે પેથાપુર પોલીસ સહિત લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડી જઈ તપાસનો દોર હાથ ધર્યો છે. ઉલ્લેખનીય છે કે, ચારેક મહિના અગાઉ એક બોર કૂવા ઉપર દારૂની મહેફિલ દરમિયાન યુવતી બાબતે માથાકૂટ થતાં એક પોલીસ જમાદાર, દસાડાનાં રાજકીય અગ્રણી તેમજ અન્ય એક વ્યક્તિને લાકડીઓ વડે ઢોર માર મારવાના પ્રકરણમાં મરનાર દિલીપસિંહ વાઘેલાનું નામ બહાર આવ્યું હતું.

મૃતકની ફાઇલ તસવીર.
ખેતરમાં જુગારની બાઝી માંડીને બેઠા હતા
ગાંધીનગરના કોલવડા ગામથી સોનપુર તરફ હનુમાન મંદિર પાસેના ખેતરમાં આજે કેટલાક ઈસમો જુગારની બાઝી માંડીને બેઠા હતા. એ દરમિયાન કોઈ બાબતે માથાકૂટ થતાં ગામનાં દિલીપસિંહ વાઘેલા ઉપર પોઈન્ટ 2.2ની રિવોલ્વર વડે ફાયરિંગ કરી તીક્ષ્ણ હથિયારના આઠથી દસ ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. બનાવની જાણ થતાં પેથાપુર પોલીસ મથકના ફોજદાર એમ એસ રાણા સ્ટાફના માણસો સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. ગામમાં મર્ડરની વાત વાયુવેગે પ્રસરી જતાં ગ્રામજનો પણ ચોંકી ઉઠયા હતા.

મિત્રોએ ઢીમ ઢાળી દીધાની આશંકા
દિલીપસિંહ વાઘેલા ઘોડા અને ભેંસોનો તબેલો ચલાવતો હતો. જે આજે તેના કેટલાક મિત્રો સાથે જુગાર રમવા માટે બેઠો હતો. એ દરમિયાન કોઈ બાબતે માથાકૂટ થઇ હતી. જેનાં કારણે જુગાર રમતાં ઈસમો પૈકીના એકે ફાયરિંગ કર્યું હતું. જેનાં કારણે દિલીપસિંહનાં પેટના ભાગે ગોળી વાગી હતી. તેમ છતાં હત્યારાઓએ તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકીને દિલીપસિંહનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. બનાવના પગલે લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી.

દિલીપસિંહ સાથે ત્રણથી ચાર ઈસમો જુગાર રમી રહ્યા હતા
પોલીસે સ્થળનું પંચનામું કરીને મૃતકની લાશનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના કહેવા મુજબ દિલીપસિંહ સાથે ત્રણથી ચાર ઈસમો જુગાર રમી રહ્યા હતા. સ્થળ પરથી જુગારના પાના પણ વિખરાયેલી હાલતમાં મળી આવ્યા છે. તો ગામના સૂત્રોએ જણાવ્યું હતું કે, દિલીપસિંહના પત્નીનું વીસેક વર્ષ અગાઉ બીમારીના કરનાર અવસાન થયું હતું અને ત્રણ સંતાનો પણ છે. જે પછીથી દિલીપસિંહે બીજા લગ્ન કર્યા હતા. આ બીજા લગ્નથી એક દિકરો પણ છે.

ચારેક મહિના અગાઉ પણ માથાકૂટ થઇ હતી
ચારેક મહિના અગાઉ દારૂની મહેફિલ દરમિયાન ગાંધીનગરના એક જમાદાર, દસાડા નાં રાજકીય અગ્રણી તેમજ એક અન્ય વ્યક્તિને યુવતીની માથાકૂટમાં માર મારવામાં આવ્યો હતો. એ વખતે દિલીપસિંહનું નામ ઉછળ્યુ હતું. જેનાં કારણે લાંબા સમયથી અદાવત ચાલી રહી હતી. થોડા મહિનાઓ અગાઉ પણ લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા આ વિસ્તારમાં ચાલતી જુગારની કલબ પર દરોડા પાડવામાં આવ્યા હતા. એ વખતે પણ જમાદારની સંડોવણી બહાર આવી હતી. ત્યારે ક્લબના માલિકને પોલીસ રાજસ્થાનથી પકડી લાવી હતી. આમ દિલીપસિંહ વાઘેલા બધાને કણાની માફક ખૂંચતો હતો. આ અંગે પેથાપુર પીએસઆઇ એમ એસ રાણાએ જણાવ્યું હતું કે, હાલમાં તપાસ ચાલી રહી છે. મૃતકના પરિવારની પૂછતાંછ ચાલી રહી છે. જ્યારે દિલીપસિંહ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેનાં કારણે પેટના ભાગે ગોળી વાગી છે. આ સિવાય તીક્ષ્ણ હથિયારના આઠથી દસ ઘા ઝીકવામાં આવ્યા હોવાનું પણ મેડિકલ તપાસમાં પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.