ગુજરાતમાં AAPએ વિધાનસભાના 10 ઉમેદવાર જાહેર કર્યા, કોમનવેલ્થના પાંચમા દિવસે ભારતને વધુ 2 ગોલ્ડ, કુલ 5 થયાં | DivyaBhaskar morning brief: AAP announces 10 assembly candidates in Gujarat, fourth gold for India on fifth day of Commonwealth

એક કલાક પહેલા

નમસ્કાર,
આજે બુધવાર, તારીખ 3 ઓગસ્ટ, શ્રાવણ સુદ છઠ્ઠ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) RBIની નાણા નીતિની સમીક્ષા કરવા માટે આજથી 3 દિવસ બેઠક શરૂ થશે
2) સાળંગપુરમાં ભવ્ય યાત્રી નિવાસનું આજે ખાતમુહર્ત, 1000 રૂમ સાથે હાઈટેક યાત્રિક ભવનનું નિર્માણ

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) અમેરિકાના 24 જેટલા લડાકૂ વિમાનોના સુરક્ષા કવચ વચ્ચે US સ્પીકર નેન્સી પેલોસી તાઇવાન પહોંચ્યા

અમેરિકાની સંસદના નીચલા ગૃહ (ભારતમાં લોકસભાની માફક) હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસી અનેક અટકળો તથા વિવાદો વચ્ચે તાઈવાનની રાજધાની તાઈપેઈ પહોંચી ગયા છે. અમેરિકાના નેવી તથા એરફોર્સના 24 અત્યાધુનિક લડાકૂ વિમાઓને નેન્સીના વિમાનને સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું.
વાંચો વિગતવાર સમાચાર
2) ગુજરાત AAPએ 10 ઉમેદવાર જાહેર કર્યા, ચૂંટણી પહેલાં જ તમામ ઉમેદવારો જાહેર કરશે, ઇટાલિયા-ઇસુદાન પણ ચૂંટણી લડશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ કરતાં સૌથી પહેલા આમ આદમી પાર્ટી(AAP) દ્વારા મંગળવારે 10 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર, ચૂંટણીના ત્રણ મહિના પહેલાં ઉમેદવારો જાહેર થશે. ઇટાલિયા-ઇસુદાન પણ ચૂંટણી લડશે.
વાંચો સમાચાર વિગતવાર
3) નેશનલ હેરાલ્ડના 16 ઠેકાણાઓ પર દરોડા, સોનિયા-રાહુલની પૂછપરછ પછી કાર્યવાહી, રાહુલે કહ્યું- તાનાશાહના દરેક ફરમાન સામે અમે લડીશું
દિલ્હીમાં ઈડીએ મંગળવારે નેશનલ હેરાલ્ડ ઓફિસ સહિત 10 ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈડીએ નેશનલ હેરાલ્ડ ઓફિસમાં તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં જ ઈડીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. કોંગ્રેસે ઈડીની કાર્યવાહીના વિરોધમાં સમગ્ર દેશમાં સત્યાગ્રહ કર્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર
4) ગુજરાતમાં અદાણીએ CNGના ભાવમાં 1.99 રૂપિયાનો વધારો કર્યો, 85.89 રૂપિયા નવો ભાવ લાગુ
ગુજરાતમાં ગેસની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના કાળ દરમિયાન વેપાર ધંધાને પડેલા ફટકા બાદ સામાન્ય વર્ગના લોકો માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે સીએનજી ગેસની કિંમતોમાં પણ સતત વધારો થઈ રહ્યો હોવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અદાણી ગ્રુપ દ્વારા CNG ગેસમાં પ્રતિ કિલોએ 1.99 રૂપિયાનો વધારો જાહેર કરાયો છે. નવા ભાવવધારા સાથે અદાણી CNGનો ભાવ પ્રતિકિલોએ રૂપિયા 85.89 ઉપર પહોંચ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર
5) બરવાળા લઠ્ઠાકાંડના આરોપી સમીર પટેલ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ, બરવાળા પોલીસે AMOS કંપનીના ડિરેક્ટર્સને સમન્સ પાઠવ્યું
બોટાદ લઠ્ઠાકાંડમાં AMOS કંપનીના ડિરેક્ટરો સામે પોલીસે સકંજો કસ્યો છે. SIT દ્વારા ચારેય ડિરેક્ટરનાં નિવાસસ્થાને તપાસ કરાઈ રહી છે. બોડકદેવ અને સેટેલાઇટમાં ડિરેક્ટરોનાં ઘરે તપાસ કરાઈ હતી. તપાસ દરમિયાન બે ડિરેક્ટર મળી આવ્યા હતા. બંને ડિરેક્ટરને પોલીસમાં હાજર રહેવા નોટિસ આપવામાં આવી. ચંદુ પટેલ અને પંકજ પટેલને હાજર રહેવા નોટિસ અપાઈ છે. બરવાળા પોલીસ દ્વારા ડિરેક્ટરને સમન્સ પણ પાઠવાયું અને ચારેય વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી. જ્યારે એક ડિરેક્ટર રજત ચોક્સી ઘર બંધ કરીને ફરાર થયા હોવાનું સામે આવ્યું છે. એ ઉપરાંત સમીર પટેલ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ છે.
વાંચો સમાચાર વિગતવાર
6) નવા એક્સપ્રેસ-વેની એક્સક્લૂઝિવ ઝલક; અમદાવાદથી ઘૂસ્યા એટલે ફક્ત 6 કલાકમાં સીધા મુંબઈ”
તમે અમદાવાદથી મુંબઈ કે દિલ્હી 120ની સ્પીડમાં 8 લેન હાઇવે પર જઈ રહ્યા છો અને એ પણ વિધાઉટ યુટર્ન..” કેવી થ્રિલિંગ ફીલિંગ આવે છે… પણ હવે આ ફીલિંગ સાચી પડતાં બહુ વાર નહીં લાગે. અત્યારે ઓલરેડી દિલ્હી-અમદાવાદ-મુંબઈ વચ્ચે આવો એક્સપ્રેસ-વે બની રહ્યો છે. આ હાઇવે પર મોટેલ, હેલિપેડ, પેટ્રોલપંપ, ઇ-વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન સહિતની વર્લ્ડ ક્લાસ ફેસિલિટી હશે.
વાંચો સમાચાર વિગતવાર
7) અમદાવાદ-ગાંધીનગર- ભાવનગરમાં પ્રિલિમિનરી TP સ્કીમ અને રાજકોટ-જામનગરમાં ડ્રાફ્ટ ટી.પી સ્કીમ મંજૂર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશામાં વધુ એક કદમ ભરીને પાંચ મહાનગરોની પાંચ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ નગરો-મહાનગરોના સુઆયોજિત વિકાસથી ઇઝ ઓફ લિવિંગ વધારવાની નેમ સાથે અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર મહાનગરની એક-એક મળીને કુલ 3 પ્રિલિમિનરી ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરી છે. તેમણે આ ઉપરાંત રાજકોટ અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની 1-1 એમ કુલ બે ડ્રાફટ ટાઉન પ્લાનિંગ સ્કીમની પણ મંજૂરી આપી છે.
વાંચો સમાચાર વિગતવાર
8) કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને 3 મેડલ; ટેબલ ટેનિસમાં પુરૂષ અને મહિલા લોન બોલ્સ ટીમે ગોલ્ડ જીત્યો, વેટ લિફ્ટિંગમાં વિકાસે સિલ્વર જીત્યો
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે પાંચમો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ભારતે સિંગાપુરને ટેબલ ટેનિસમાં 3-1થી હાર આપી છે. જી સાથિયાન, હરમિત દેસાઈએ પોતાના સિંગલ્સ મેચ જીત્યા હતા. આ ઉપરાંત બન્નેએ ડબલ્સમાં પણ મેચ જીતી લીધો હતો. તો વેટલિફ્ટિંગના મેન્સ 96 KG કેટેગરીમાં ભારતના વિકાસ ઠાકુરે સિલ્વર જીત્યો હતો. આ સાથે જ ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2022માં 12 મેડલ થઈ ગયા છે.
વાંચો સમાચાર વિગતવાર
9) અલ-કાયદાનો આકા અલ-જવાહિરી ઠાર, બાલ્કનીમાં હતો ને બે મિસાઇલ છોડાઈ, અમેરિકન એજન્સીઓ 6 મહિનાથી ટ્રેક કરી રહી હતી
અમેરિકાના ડ્રોન હુમલામાં અલ-કાયદાનો આકા અયમાન અલ-જવાહિરી માર્યો ગયો છે. એક અમેરિકન અધિકારીએ ઘટસ્ફોટ કરતાં જણાવ્યું હતું જેવો જવાહિરી તેના ઘરની બાલ્કનીમાં ફરી રહ્યો હતો ત્યારે તેના પર રીપર ડ્રોનથી બે હેલફાયર મિસાઈલ છોડવામાં આવી હતી. આ હુમલો અફઘાનિસ્તાનના સમય અનુસાર, રવિવારે સવારે 6.18 કલાકે કરવામાં આવ્યો હતો. બીજી તરફ અમેરિકામાં શનિવારના રાતના 9.48 વાગ્યા હતા. અમેરિકન ઓફિસરે જણાવ્યું હતું કે અમેરિકન એજન્સીઓ એનો છેલ્લા 6 મહિનાથી સતત પીછો કરી રહી હતી. આ કાર્યવાહી પર અમેરિકાને કહ્યું હતું કે તેણે 9/11ના હુમલાનો બદલો લીધો છે. રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું- ન્યાય થયો છે.
વાંચો સમાચાર વિગતવાર
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) ‘કેશ કિંગ’ પાર્થ ચેટર્જી પર ચંપલ ફેંકાયું,કહ્યું- માથામાં વાગ્યું હોત તો સારું થાત, જનતાના પૈસા લૂંટનારને AC ગાડીમાં ફેરવે છે
2) ઈમરાન ફોરેન ફન્ડિંગ કેસમાં દોષિત ઠરાવાયા, ભારત સહિત અનેક દેશોમાંથી અબજો રૂપિયા ભંડોળ મેળવ્યું, 13 અકાઉન્ટમાં કાળા નાણાં છૂપ્યા
3) અમદાવાદમાં કેનેડાના વિઝાના નામે 30 લોકો પાસેથી એક કરોડની ઠગાઈ કરનારા 2 પિતરાઈ ભાઈઓ ઝબ્બે
4) વડોદરાના ડેસરમાં રહેતી મહિલાએ આગ્રાની હોસ્પિટલમાં એલિયન જેવા બાળકને જન્મ આપ્યો, જન્મના 2 કલાક બાદ અંતિમ શ્વાસ લીધા
5) અમદાવાદમાં દારૂ અને બિયરનાં ટિન સાથે યુવકે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો, પોલીસે તપાસ શરૂ કરી
6) સુરતમાં પુણા પોલીસ સ્ટેશનના PSI જયદિપસિંહ રાજપુત 1.30 લાખની લાંચ લેતા ઝડપાયા
7) ગરબાની ટિકિટના ભાવ પર GST લાદવો એ ગુજરાતની સંસ્કૃતિનું અપમાન છે, ટેક્સ હટાવો: ગોપાલ ઈટાલિયા

આજનો ઈતિહાસ
વર્ષ 2004માં આજના દિવસે અમેરિકાનું અંતરિક્ષ યાન મેસેન્જર બુધ ગ્રહ જવા માટે રવાના થયું હતું

આજનો સુવિચાર
બીજાને નુકસાન પહોંચાડનારા હકીકતમાં ક્યારેય જીવનમાં આગળ નથી વધતા.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું…

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post