Tuesday, August 30, 2022

નીતિન પટેલનો AAP ઉપર પલટવાર, કહ્યુ કેટલાક લોકો મોટા હોવાનો દેખાડો કરવામાં બાલિશ આરોપ લગાવી નીમ્ન કક્ષાની રાજનીતિ કરે છે | Nitin Patel's attack on AAP leader Yuvraj Sinh on employment issue said that some people are playing low level politics by making childish accusations of pretending to be big

Gandhinagar: નીતિન પટેલને રખડતા ઢોરે પછાડી દેવાની ઘટનાને રોજગારી સાથે જોડી આપના યુવરાજસિંહના આક્ષેપો પર નીતિન પટેલે પલટવાર કરતા કહ્યુ કે જૂનાગઢમાં આપની સભામાં પણ બળદ આવી જતા નાસભાગ મચી ગઈ હતી ત્યારે તેમને કોનો નિ:સાસો નડ્યો હતો તેવો વળતો સવાલ નીતિન પટેલે કર્યો હતો.

નીતિન પટેલનો AAP ઉપર પલટવાર, કહ્યુ કેટલાક લોકો મોટા હોવાનો દેખાડો કરવામાં બાલિશ આરોપ લગાવી નીમ્ન કક્ષાની રાજનીતિ કરે છે

ફાઈલ ફોટો

TV9 GUJARATI

| Edited By: Mina Pandya

Aug 30, 2022 | 5:23 PM

આમ આદમી પાર્ટી(AAP)ના નેતા યુવરાજસિંહના આરોપો પર નીતિન પટેલ (Nitin Patel) પલટવાર કર્યો છે અને આપના નેતાઓ નીમ્ન કક્ષાની રાજનીતિ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. આપને જણાવી દઈએ આઝાદી કા અમૃત પર્વની ઉજવણી સમયે મહેસાણામાં ત્રિરંગા યાત્રા દરમિયાન અચાનક આવી ચડેલી દોડતી ગાયની ઠોકર વાગતા નીતિન પટેલ પડી ગયા હતા. આ ઘટનાને રોજગારી સાથે જોડી દઈને આપના નેતા યુવરાજસિંહે(Yuvrajsinh) નીતિન પટેલ પર પ્રહાર કર્યા કે નીતિન પટેલે ગુજરાતના 2 લાખ યુવાનોને સરકારી નોકરી આપવાનું વચન આપ્યુ હતુ જે તેમણે પાળ્યુ નથી. આથી યુવાનોનો નિ:સાસો તેમને નડ્યો હતો. આ પ્રહાર મુદ્દે નીતિન પટેલે જણાવ્યુ કે જૂનાગઢમાં આપની સભા દરમિયાન પણ ગાડુ આવી જતા નાસભાગ મચી ગઈ હતી અને બધા જ મંચ પર બેસેલા નેતાઓ ભાગવા લાગ્યા હતા અને જે પાંચ પચ્ચીસ શ્રોતાઓ તેમને સાંભળવા આવ્યા હતા તે પણ ભાગી ગયા હતા. ત્યારે તેમને કોનો નિં:સાસો નડ્યો હતો તેવો વળતો સવાલ નીતિન પટેલે આપના નેતાઓને કર્યો છે.

આરોપોની ભાષા શાલિન હોવી જોઈએ-નીતિન પટેલ

બીજી તરફ નીતિન પટેલે આપ પર પ્રહાર કર્યો કે આપ ઈચ્છે તે રીતે પોતાની રેવડી વેચી શકે છે પરંતુ આપના કેટલાક નેતાઓ મોટા હોવાનો દેખાડો કરવામાં બાલિશ આરોપ લગાવી રહ્યા છે. તેમણે યુવરાજ પર પલટવાર કરતા કહ્યુ કે આરોપોની ભાષા શાલિન હોવી જોઈએ. વધુમાં તેમણે જણાવ્યુ કે ઈંટનો જવાબ પથ્થરથી આપતા મને સારી રીતે આવડે છે. તેમણે કહ્યુ વિધાનસભા હોય કે જાહેરસભા હોય મારા તરફથી કોઈ દિવસ કોઈપણ પ્રકારનો અવિવેક કરાયો નથી જે દરેક પક્ષના નેતાઓ જાણે જ છે. કોઈપણ પક્ષના નેતાઓ હોય તેમનુ માન સન્માન મે જાળવ્યુ છે. તો બીજી તરફ રોજગારી મુદ્દે યુવરાજના આક્ષેપ પર નીતિન પટેલે સ્પષ્ટતા કરી કે બજેટ દરમિયાન તેમણે જે 2 લાખ સરકારી નોકરી આપવાની વાત કરી હતી તે પાંચ વર્ષ દરમિયાનની વાત હતી અને અન્ય ક્ષેત્રોમાં જે 20 લાખ રોજગારીની તકો ઉભી કરવાની વાત કરી હતી તે પણ પાંચ વર્ષની સમયમર્યાદાની હતી. તેમણે કહ્યુ આપના નેતાઓ અભ્યાસ કર્યા વિના આરોપ લગાવી રહ્યા છે.