અનુષ્કા શર્માએ ઈંગ્લેન્ડની શેર કરી નવી તસવીરો, કેપ્શનમાં લખ્યું 'આ સ્માઈલથી મૂર્ખ ન બનો' | Anushka Sharma shared new pictures from England
API Publisher
Aug 26, 2022 | 9:53 PM
TV9 GUJARATI | Edited By: Nancy Nayak
Aug 26, 2022 | 9:53 PM

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા ટૂંક સમયમાં તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’થી બોલિવૂડમાં કમબેક કરવા જઈ રહી છે. હાલમાં જ અનુષ્કાએ તેની કેટલીક તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરી છે, જેમાં તે હસતી ગ્રાઉન્ડ પર જોવા મળી રહી છે. એવું લાગે છે કે કોઈએ તેને જોક્સ કહ્યો છે અને તે તેના પર હસી રહી છે.

અનુષ્કા શર્મા આ દિવસોમાં ઈંગ્લેન્ડમાં છે અને તેની અપકમિંગ ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’ માટે ક્રિકેટની ટ્રેનિંગ લઈ રહી છે. શુક્રવારે અનુષ્કા શર્માએ તેના ટ્રેનિંગ સેશનની એક ઝલક શેયર કરી. તેણે તેની તસવીરોની એક સિરીઝ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરી છે. આ તસવીરો શેયર કરતા અનુષ્કાએ કેપ્શનમાં લખ્યું કે, ‘તે સ્માઈલના કારણે મૂર્ખ ન બનો’.

અનુષ્કા શર્મા અન્ય એક તસવીરમાં ગ્રાઉન્ડ પર સૂઈ ગયેલી જોવા મળે છે અને તડકાનો આનંદ લઈ રહી છે. તેની બાજુમાં એક ક્રિકેટ બોલ પણ રાખવામાં આવ્યો છે. અનુષ્કા શર્માએ આ દરમિયાન પર્પલ કલરનું લોઅર અને વ્હાઇટ કલરની ટી-શર્ટ પહેરી છે. આ સાથે તેણે તેના ટ્રેનિંગ સેશન માટે સફેદ રંગના સ્નીકર્સ પણ પહેર્યા છે.

અનુષ્કા શર્મા ટૂંક સમયમાં મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામી પર આધારિત ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’માં જોવા મળશે. આ ફિલ્મમાં તે ઝુલન ગોસ્વામીનું પાત્ર ભજવી રહી છે. અનુષ્કાએ હાલમાં જ એક ઈવેન્ટ દરમિયાન કહ્યું હતું કે તે મહિલા ક્રિકેટની દુનિયામાં આંખ ખોલનારી હશે. જ્યારે ઝુલને ક્રિકેટર બનવાનું અને વૈશ્વિક મંચ પર પોતાના દેશને ગૌરવ અપાવવાનું નક્કી કર્યું ત્યારે મહિલાઓ માટે આ રમત રમવાનું વિચારવું પણ મુશ્કેલ હતું.

અનુષ્કાએ આગળ કહ્યું કે, ‘એક મહિલા તરીકે મને ઝુલનની વાર્તા સાંભળીને ખૂબ ગર્વ થયો. દર્શકો અને ક્રિકેટ પ્રેમીઓ માટે તેના જીવનને આગળ લાવવાની કોશિશ કરવી તે મારા માટે સન્માનની વાત હશે. અનુષ્કા શર્મા છેલ્લે 2018માં આવેલી ફિલ્મ ઝીરોમાં શાહરૂખ ખાન અને કેટરિના કૈફ સાથે જોવા મળી હતી.