સંકલન સમિતિની બેઠકને ફારસરૂપ ગણાવી ધારાસભ્ય સભાખંડમાં જ ઉપવાસ પર ઉતર્યા

[og_img]

  • બીયુ પરમિશન મુદ્દે ઉઠાવેલા સવાલમાં કોઈ કાર્યવાહી ન થતા ધારાસભ્ય આંદોલનના માર્ગે
  • વારંવાર બીયુ પરમિશન વગરની ઈમારતોના લાઈટ પાણી ગટર કનેકશન કાપવાના આદેશો
  • પોલીસ ધારાસભ્યને ટીંગાટોળી કરી લીજાતા કોંગી આગેવાનો પણ ઉપવાસ પર ઉતર્યા

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીમાં ઓગસ્ટ માસની જિલ્લા સંકલન સમિતિની બેઠકનું આયોજન શુક્રવારના રોજ કરાયુ હતુ. જેમાં કોંગી ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીએ ગત બેઠકમાં રજુ કરેલ બીયુ પરમિશન મુદ્દે ફરી ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લા એક વર્ષથી આ પ્રશ્ન સંકલન સમિતિની બેઠકમાં પુછાતો હોવા છતાં તેની કોઈ અમલવાર ન થતા ધારાસભ્ય ચાલુ સંકલન સમિતિએ સભાખંડમાં ઉપવાસ પર ઉતરી ગયા હતા અને સંકલન સમિતિની બેઠકને ફારસરૂપ ગણાવી હતી. જેમાં પોલીસ ધારાસભ્યની ટીંગાટોળી કરી તેમની અટક કરી એ ડિવીઝન પોલીસ મથકે લઈ ગઈ હતી.

દરેક જિલ્લાની જિલ્લા સંકલનની બેઠક જિલ્લાની મીની વિધાનસભા ગણાય છે. ત્યારે શુક્રવારે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન સમિતિની બેઠકનું આયોજન કરાયુ હતુ. કલેકટર કે.સી.સંપટની ગેરહાજરીમાં જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત, અધિક કલેકટર દર્શનાબેન ભગલાણી, પ્રાંત અધિકારી વી.એન.સરવૈયા, પુરવઠા અધિકારી ભાવનાબા ઝાલા સહીતના ઉપસ્થીત રહ્યા હતા. સંકલન સમિતિની આ બેઠકમાં દસાડા મત વિસ્તારના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીએ બીયુ પરમિશન મુદ્દે ફરી સવાલો પુછયા હતા.

તેઓના જણાવાયા મુજબ છેલ્લા એક વર્ષથી દરેક સંકલન સમિતિની બેઠકમાં આ અંગે સવાલો પુછવામાં આવી રહ્યા છે. સંકલન સમિતિના અધ્યક્ષ પાલિકાના અધિકારીઓને સુચના પણ આપે છે. છતાં તેની અમલવારી થતી નથી. ગત સંકલન સમિતિની બેઠકમાં જિલ્લાની તમામ પાલિકાના ચીફ ઓફીસરોને 7 દિવસમાં બીયુ પરમિશન વગરની ઈમારતોના લાઈટ, પાણી અને ગટરના કનેકશન કટ કરવાનો આદેશ થયો હોવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી. જિલ્લાના અધિકારીઓ પાસે કામ લેવામાં ઉપલી અધિકારીઓ નિષ્ફળ નીવડયા હોવાનું કહી તેઓ ચાલુ સંકલન સમિતિમાં સભાખંડમાં જ ઉપવાસ પર ઉતરી ગયા હતા. ચાલુ સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય કક્ષાના માણસ ઉપવાસ પર ઉતરતા અધિકારીઓએ તેમને સમજાવ્યા હતા અને ઉભા થઈ જવા રીકવેસ્ટ પણ કરી હતી. પરંતુ બીયુ પરમિશન મુદ્દે નક્કર કાર્યવાહી ન થાય ત્યાં સુધી નૌશાદભાઈની ઉપવાસ પર બેસી અન્નજળ ત્યાગ કરવાની વાતથી અંતે પોલીસ બોલાવવી પડી હતી અને ડીવાયએસપી પી.કે.પટેલ, પીઆઈ એમ.ડી.ચૌધરી, પીએસઆઈ વી.એમ.ઝાલા સહીતનાઓની સુચનાથી પોલીસ સ્ટાફ ચાલુ બેઠકમાંથી નૌશાદભાઈને ટીંગાટોળી કરીને લઈ ગયો હતો. પોલીસ વાનમાં બેસાડી ધારાસભ્યને એ ડિવીઝન પોલીસ મથકે લઈ જવાયા હતા. બનાવની જાણ થતા ચોટીલા ધારાસભ્ય ઋત્વીકભાઈ મકવાણા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ, મોહનલાલ પટેલ, સુનીલ ભટ્ટ, સાહીર સોલંકી સહીતનાઓ પોલીસ મથકે દોડી ગયા હતા. ત્યારબાદ કલેકટર કચેરીની બહાર ઉપવાસ આંદોલન શરૂ કરાયુ હતુ.

જિલ્લાની 6 પાલિકામાંથી કોઈ અધિકારી કે પ્રતિનિધિ હાજર નહી

સંકલન સમિતિની બેઠકમાં જિલ્લાની તમામ સરકારી કચેરીના અધિકારીને હાજર રહેવા ફરમાન જારી કરવામાં આવે છે. જો કોઈ કારણસર અધિકારી હાજર ન રહે તો તેમના પ્રતિનિધિને મોકલવામાં આવે છે. પરંતુ શુક્રવારે સંકલન સમિતિની બેઠકમાં જિલ્લાની સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલિકા, લીંબડી, ધ્રાંગધ્રા, ચોટીલા, પાટડી કે થાન એમ 6 પાલિકામાંથી એકપણ પાલિકાના અધિકારી કે તેમના પ્રતિનિધિ હાજર ન હતા.

સરકારી કચેરીઓના રૂપિયા 56 લાખથી વધુના બિલ ચુકવવા CMOમાંથી સુચના

સંકલન સમિતિની બેઠકમાં અધિક કલેકટર દર્શનાબેન ભગલાણીએ જણાવ્યુ કે, સરકારના વિવિધ વિભાગોમાંથી નિવિદા સ્વરૂપે વર્તમાનપત્રોમાં અપાતી જાહેરખબરના પેમેન્ટ બાબતે CMOમાંથી સુચના આવી છે. જેમાં માહિતી વિભાગ દ્વારા જણાવાયા મુજબ જિલ્લામાં નર્મદા, જમીન સંપાદન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વઢવાણ અને થાન પાલિકા, ખાણ ખનિજ, આરોગ્ય વિભાગ સહીતની કચેરીઓના 56 લાખથી વધુના બિલો ચુકવવાના બાકી છે. આથી આ કચેરીઓના અધિકારીઓને બીલની તાત્કાલીક ચુકવણી બાબતે જણાવાયુ હતુ.

પાટડીના અભયમ કોમ્પલેક્ષ મુદ્દે કામગીરીના આદેશનો પણ ઉલાળીયો

ગત સંકલન સમિતિની બેઠક તા. 16 જુલાઈને શનીવારે મળી હતી. જેમાં ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીએે પાટડીમાં ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા અભયમ કોમ્પ્લેક્ષનો મુદ્દો ઉઠાવ્યો હતો. ધારાસભ્યના જણાવ્યા મુજબ આ અભયમ કોમ્પ્લેક્ષ શરુઆતથી વિવાદોમાં રહ્યુ છે. જેમાં નગરપાલિકા પ્રાદેશિક કમિશ્નરે તા. 29 માર્ચના રોજ આદેશ કર્યો હતો કે બિલ્ડીંગમાં થયેલ ફેરફારોને તાત્કાલિક અસરથી બંધ કરવા, અભયમ કોમ્પ્લેક્ષની બંધ દુકાનોના વેચાણ દસ્તાવેજો ન થાય તે માટે બંધ દુકાનોને સીલ મારવા, હુકમની જાહેર જનતાને જાણ થાય તે માટે મોટા અક્ષરથી બોર્ડ લગાવવા જણાવ્યુ હતુ.

આ ઉપરાંત રાજયના અગ્ર સચિવે તા. 27 એપ્રિલના રોજ પાટડી પાલિકાના ચીફ ઓફિસરને અભયમ કોમ્પ્લેક્ષની બાંધકામ પરવાનગી 7 દિવસમાં રદ્દ કરવા આદેશ કર્યો હતો. આ વાતને ચાર મહિના જેટલો સમય થવા આવવા છતાં કોઇ કાર્યવાહી કરાઈ ન હોવાનું જણાવ્યુ હતુ. આથી કલેકટર કે.સી.સંપતે તા. 18 જુલાઈને સોમવારે અભયમ કોમ્પ્લેક્ષની બાંધકામ પરવાનગી રદ્દ કરવાની કાર્યવાહી કરવા અને સોમવારે સાંજે કલેકટર કચેરીને આ અંગેનો રિપોર્ટ કરવા આદેશ કર્યો હતો. પરંતુ, આ આદેશનો પણ જાણે ઉલાળીયો થયો હોય તેમ કોઈ કાર્યવાહી ન થતા ધારાસભ્યે પાટડી સીઓનો ખુલાસો પુછવા માંગ કરી હતી.

તરણેતર મેળાના આમંત્રણમાં સ્થાનિક ધારાસભ્યના નામ પહેલા અન્ય વિસ્તારના ધારાસભ્યનું નામ લખાતુ હોવાનો આક્ષેપ સંકલન સમિતિની બેઠક બાદ કલેકટર કચેરીએ નૌશાદભાઈ સોલંકી સાથે ઉપવાસ પર બેસેલા ચોટીલા ધારાસભ્ય ઋત્વીકભાઈ મકવાણાએ જણાવ્યુ કે, સરકારે તરણેતરના મેળાને ભાજપનો મેળો બનાવી દીધો છે. તરણેતર મેળાની આમંત્રણ પત્રિકામાં સ્થાનિક ધારાસભ્યના નામ પહેલા જિલ્લાની અન્ય બેઠકના ધારાસભ્યના નામ લખવામાં આવે છે.

Previous Post Next Post