Porbandar: રાજ્ય સરકાર દ્વારા બે મંત્રીઓના ખાતા પરત લઈ લેવા મુદ્દે વિપક્ષને પ્રહાર કરવાનો મોકો મળી ગયો છે. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો અને ગંભીર આરોપ લગાવ્યો કે રાજ્યની ભાજપ સરકારે ભ્રષ્ટાચાર અને નિષ્ફળતા છુપાવવા મંત્રીઓની ફેરબદલ કરી છે.
રાજ્ય સરકાર દ્વારા બે કેબિનેટ મંત્રીઓના ખાતા પરત લઈ લેવા મુદ્દે હવે રાજકારણ પણ ગરમાયુ છે અને ચૂંટણી સમયે આ પ્રકારના ફેરબદલ થતા વિપક્ષી પાર્ટીઓને પણ પ્રહાર કરવાનો મોકો મળી ગયો છે. જેમાં કોંગ્રેસ(Congress)ના નેતા અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia)એ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. મોઢવાડિયાએ ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો કે ભ્રષ્ટાચાર અને નિષ્ફળતા છુપાવવા માટે મંત્રીઓની ફેરબદલ કરવામાં આવી છે. છેલ્લા 27 વર્ષના શાસન બાદ ગુજરાતની જનતા ભાજપ (BJP) સરકારથી કંટાળી ગઈ હોવાનો પણ તેમણે પ્રહાર કર્યો. મોઢવાડિયાએ વધુમાં જણાવ્યુ કે આગામી ચૂંટણીમાં જનતા ભાજપને જવાબ આપશે.
અર્જુન મોઢવાડિયાએ સવાલ ઉઠાવ્યા કે એવુ તો શું બન્યુ કે એક વર્ષમાં આખી સરકાર બદલી દેવામાં આવી અને ફરી પાછા બે મંત્રીઓના મોટા પોર્ટફોલિયો પરત લઈ લેવામાં આવ્યા. મોઢવાડિયાએ પ્રહાર કર્યો કે કંઈક એવુ અઘટિત કૃત્ય આ ભાજપની સરકાર 27 વર્ષથી કરી રહી છે અને એક વર્ષમાં સપાટી પર આવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારના બે કેબિનેટ મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસેથી મહત્વપૂર્ણ ખાતા પરત લઈ લેવામાં આવ્યા. જેની પાછળ અનેકવિધ કારણો જવાબદાર મનાઈ રહ્યા છે. જો કે ભાજપ મોવડીમંડળ આ મુદ્દે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. અમરેલીની મુલાકાતે ગયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જ્યારે મીડિયાકર્મીઓ દ્વારા આ અંગે પૂછવામાં તો તેમણે બે હાથ જોડી કંઈપણ બોલ્યા વિના ત્યાંથી રવાના થઈ ગયા હતા.