સુરતમાં સોફ્ટવેર વગર ATM હેક કરનારા બે આરોપી ઝડપાયા

[og_img]

  • બંને આરોપી ઉત્તરપ્રદેશની ગેન્ગના સભ્યો હોવાનો ખુલાસો
  • સુરત ક્રાઈમ બ્રાંચે એટીએમ હેકિંગનો કર્યો પર્દાફાશ
  • આરોપીઓ ટ્રાન્જેક્શન ફેઈલ કરી બેંકમાં ક્લેમ કરી છેતરપીંડી આચરતા

સુરત શહેરમાં ATMને હેક કરી બેંકને લાખો કરોડો રૂપિયોનો ચૂનો ચોપડનારા ઉત્તર પ્રદેશની ગેન્ગના બે સભ્યોને સુરત ક્રાઈમબ્રાન્ચ પોલીસે ઝડપી લીધા હતા. બંને ઈસમ પાસેથી પોલીસે 26 ATM કાર્ડ અને બે મોબાઈલ સહિત રોકડ રકમ પણ કબજે કરી હતી.

સુરત ક્રાઈમબ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે કેટલાક ઈસમો બેંકના ATMમાં ફ્રોડ કરવાના બહાને બેગમપુરા વિસ્તારમાં ફરી રહ્યા છે. પોલીસે આ જ બાતમીના આધારે તે વિસ્તારમાં ફરી રહેલા આ બે ઈસમને ઝડપી લીધા હતા. ઘટનાસ્થળ ઉપર આરોપીઓની અંગઝડતી દરમિયાન બંને આરોપી પાસેથી કુલ 26 જેટલા ATM કાર્ડ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને આ પકડાયેલા આરોપીઓની વધુ પુછપરછ હાથ ધરી હતી.

આ બંને આરોપીઓ બેંકના ATMને હેક કરી લેતાં હતા. આરોપીઓ કોઈ સોફ્ટવેટ કે સાધનની મદદથી ATMમાંથી રૂપિયા કાઢવાને બદલે કોઈ અલગ જ રીતે ATM ને હેક કરતા હતા. આરોપીઓ ATMના પ્રોસેસિંગ યુનીટને હેક કરીને રૂપિયા કાઢી લઈ ટ્રાન્જેક્શન ફેલ કરી નાખતા હતા અને જે બાદ બેંકને તે જ રુપિયા માટે ક્લેમ કરતા હતા અને ફરી બેંક પાસેથી રૂપિયા ખાતામાં રિવર્સ કરાવી લેતા હતા. આમ બેંકના ATM માંથી રૂપિયા કાઢી ફરી ક્લેમ કરી બેંક સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી આચરતા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આરોપીઓ ફક્ત SBI બેંકના ATMમાંથી જ રૂપિયા કાઢી ફ્રોડ કરતા હતા. પોલીસે ધરપકડ કરેલા પકડાયેલા આરોપીમાં દિલીપ પ્રજાપતિ, સુરજ પ્રજાપતિનો સમાવેશ થાય છે. આ ગેગનો વોન્ટેડ આરોપી અને મુખ્ય લીડર ઉત્તર પ્રેદેશમાં રહીને સમગ્ર છેતરપીંડીનું નેટવર્ક ચલાવે છે અને સાથે આ તમામ કબ્જે કરેલા ATM કાર્ડ પણ તે જ જિલ્લાના લોકોના હોવાનું પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે. આ ઉપરાંત આ કાર્ડમાંથી રૂપિયા કાઢી છેતરપીંડી કરવા માટે કાર્ડ હોલ્ડરને મોટું કમીશન પણ આપતા હોવાનું બહાર આવ્યુ છે.

Previous Post Next Post