સંજય રાઉતના માતા આરતી ઉતારતા ભાવુક, ધરપકડ પહેલાનો વીડિયો આવ્યો

  • સંજય રાઉતના માતા દીકરાની ધરપકડ થતા રડવા લાગ્યા
  • રાઉત ઇડી ઓફિસમાં હાજર ના થતા અધિકારીઓ રવિવારે તેમના ઘરે પહોંચ્યા હતા
  • ભલે રાઉતની ધરપકડ થઇ પરંતુ તપાસ બાદ સત્ય બધાની સામે આવશે: એકનાથ શિંદે

મહારાષ્ટ્રના પાત્રા જમીન કૌભાંડ કેસમાં EDએ મધ્યરાત્રિએ શિવસેનાના સાંસદ સંજય રાઉતની ધરપકડ કરી હતી. આ પહેલા મોડી રાત સુધી મહારાષ્ટ્રના રાજકારણમાં હાઈવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો હતો. રાઉતના બચાવમાં જ્યાં શિવસૈનિકોએ પહેલાં તેમના ઘરની બહાર અને પછી ED ઓફિસની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારે રાજકીય પક્ષોની નિવેદનબાજી ચાલુ રહી હતી. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો જે સંજય રાઉતના ઘરે મોબાઈલથી શૂટ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં સંજય રાઉત અને તેમનો પરિવાર ખૂબ જ ભાવુક જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે EDના અધિકારીઓ સંજય રાઉતને કસ્ટડીમાં લઈ રહ્યા હતા ત્યારે તેમની માતાની આંખો ભીની થઈ ગઈ હતી.

સંજય રાઉતે EDના અધિકારીઓ સાથે જતા પહેલા તેમની માતાને ગળે લગાવ્યા હતા. આની પહેલા માતાએ પુત્રની આરતી કરી અને કપાળ પર તિલક કર્યું. સંજય રાઉતે માતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. વીડીયોમાં જોવા મળે છે કે જતા પહેલા રાઉત થોડીવાર માટે માતાને વળગી રહે છે અને તેમની માતા પણ ભીની આંખો સાથે પુત્રને ગળે લગાવે છે. ત્યારબાદ તેઓ EDના અધિકારીઓ સાથે નીકળી જાય છે.

આપને જણાવી દઈએ કે બે વખત સમન્સ મળ્યા બાદ પણ જ્યારે સંજય રાઉત ED ઓફિસમાં હાજર ન થયા તો અધિકારીઓ રવિવારે સવારે તેમના ઘરે પહોંચ્યા. EDએ મુંબઈમાં સંજય રાઉતના ઘરે દરોડા પાડ્યા હતા અને લગભગ નવ કલાક સુધી શિવસેના સાંસદની પૂછપરછ કરી હતી. ત્યારબાદ EDએ પહેલા રાઉતને કસ્ટડીમાં લીધા અને પછી મોડી રાત્રે તેમની ધરપકડ કરી. રાઉતને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. શિવસૈનિકોએ રાઉત વિરુદ્ધ EDની કાર્યવાહીને લઈને તેમના ઘરની બહાર અને પછી ED ઓફિસની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા. તો રાઉતની ધરપકડના કારણે મહારાષ્ટ્રના રાજકારણનો પારો ફરી ઊંચકાયો હતો.

સંજય રાઉતની ધરપકડ પર વિપક્ષની નિવેદનબાજી

શિવસેના અને મહાવિકાસ અઘાડીના અન્ય સહયોગીઓએ તેને રાજકીય કાવતરું અને બદલાની ભાવના હેઠળની કાર્યવાહી ગણાવી હતી, જ્યારે ભાજપે કહ્યું હતું કે સત્યની જીત થઈ છે. રાઉતની ધરપકડ બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનું નિવેદન આવ્યું છે. સીએમ શિંદેએ કહ્યું કે EDએ ભલે રાઉતની ધરપકડ કરી હોય પરંતુ તપાસ બાદ સત્ય બધાની સામે આવશે. તેમણે એમ પણ કહ્યું કે સંજય રાઉતે અમારી અને અમારા 50 ધારાસભ્યોની વારંવાર ટીકા કરી હશે પરંતુ અમે તેમ કરીશું નહીં. અમે અમારા કામથી તેમની ટીકાનો જવાબ આપીશું.

أحدث أقدم