એકસ્ટ્રા કોમેન્ટ: સીમા પાત્રા અને સેડેસ્ટિક પ્લેઝરની ક્રૂર માનસિકતા

[og_img]

  • કામવાળી પર બેરહેમીપૂર્વક અત્યાચાર ગુજારનાર સીમા પાત્રાની આખરે પોલીસે ધરપકડ કરી. સીમા પાત્રા સાયકોલોજિકલ સ્ટડીનો એક જબરો કેસ છે. બીજા લોકો પર ત્રાસ ગુજારીને ઘણાને સેડેસ્ટિક પ્લેઝર મળે છે. આપણી આજુબાજુમાં પણ આવા ઘણા કિસ્સાઓ હોય છે!
  • સીમા પાત્રાનું બેક ગ્રાઉન્ડ જબરજસ્ત છે. પતિ આઇએએસ હતા. કોઇ વાતની કમી નહોતી. આવા સંજોગોમાં ઘણી વખત માણસ પોતાને સર્વશક્તિમાન સમજવા લાગતો હોય છે. કોઇ એનું ન માને એ એનાથી સહન થતું નથી!

કોઇ માણસઆવું કેવી રીતે કરી શકે? નિર્દોષ છોકરી પર જુલ્મ કરતા પહેલા એને જરાયે વિચાર આવ્યો નહીં હોય? આવું તો કોઇ પ્રાણીઓ સાથે પણ ન કરે!એનામાં દયા કે માણસાઇ જેવું કશું હશે જ નહીં? આવા લોકોને તો ભગવાન પણ માફ નહીં કરે! સીમા પાત્રાએ પોતાની કામવાળી સુનિતા ગુમલા પર જે રીતના અત્યાચાર કર્યા હતા એ જોઇ કે સાંભળીને લોકોના મોઢામાંથી આવા અને આના જેવા બીજા શબ્દો સરી પડે એ સ્વાભાવિક છે. એક ખમતીધર બેકગ્રાઉન્ડવાળી વ્યક્તિ કેટલી નિષ્ઠુર બની શકે છે તેનું આ જબરજસ્ત ઉદાહરણ છે. હકીકતે, સીમા પાત્રા સાયકોલોજિકલ સ્ટડીનો એક કેસ છે. સીમામાં સેડેસ્ટિક પ્લેઝરથી માંડીને ડબલ પર્સનાલિટી સહિતની અનેક માનસિક વિકૃતિઓ જોવા મળે છે. સીમા પાત્રાના પતિ મહેશ્વર પાત્રા આઇએએસ ઓફિસર હતા. આ કપલને એક દીકરો અને એક દીકરી છે. દીકરા આયુષ્યમાનને ખબર હતી કે, મારી મા કામવાળી પર ત્રાસ વર્તાવે છે. તેણે માને સમજાવવાની કોશિષ કરી તો સીમાએ પોતાના પેટે જણેલા દીકરાના હાથ બાંધીને રાંચીની મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરાવી દીધો હતો. પાગલ માણસો બીજાને ગાંડા ગણીને હડધૂત કરતા હોય છે. સીમા પાત્રા જાહેર જીવનમાં સાવ જ જુદી હતી. જાહેર કાર્યક્રમોમાં તેની બોડી લેન્ગવેજ જુઓ તો લાગે કે, શું કોન્ફિડન્સ અને ગ્રેસ છે!આ જ વ્યક્તિ ઘરમાં એકદમ ક્રૂર બની જતી હતી. સીમા પાત્રા રાંચીના પોશ એરિયા અશોકનગરમાં રહેતી હતી. તે અત્યંત મહત્ત્વાકાંક્ષી છે. સીમાના કરતૂતો બહાર આવ્યા એ સાથે ભાજપે તેને પક્ષમાંથી હાંકી કાઢી. સીમા ભાગી જવાની તૈયારીમાં હતી. એ ભાગે એ પહેલા જ પોલીસે તેને ઝડપી લીધી.

જેની પાસે સત્તા છે, સંપત્તિ છે. નોકર-ચાકર છે, જેનું ધાર્યું થાય છે, જેને કોઇ વાતની કમી નથી એવા લોકો ઘણી વાર સીમા પાત્રા જેવા બની જાય છે. આઇએએસ પતિની નિશ્રામાં સ્વાભાવિક રીતે જ સીમાએ દબદબો ભોગવ્યો હોય જ. આપણે ઘણા કિસ્સામાં એવું જોયું છે કે, મોટા ઓફિસરો પોતાને ત્યાં કામ કરતા લોકોને સાવ મામૂલી અને પોતાની સેવા કરવા માટે જ જન્મ્યા હોય એવું સમજે છે. આઇપીએસના ઘરોમાં ફરજ બજાવતા કર્મચારીઓ સાથે ગુલામ જેવો વર્તાવ કરાતો હોવાના અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે. અંગ્રેજો ચાલ્યા ગયા એને સાડા સાત દાયકાઓ થઇ ગયા છે પણ દેશના કેટલાંક ઉચ્ચ અધિકારીઓ અને તેના પરિવારના લોકોની અંગ્રેજો જેવી માનસિકતા હજુ ગઇ નથી. સીમા પાત્રાએ જેના પર અત્યાચાર ગુજાર્યો એ સુનિતા 29 વર્ષની છે. આદિવાસી પરિવારની સુનિતાને દસ વર્ષ પહેલા ગામડેથી કામ કરવા માટે રાંચી લઇ આવવામાં આવી હતી. મતલબ જ્યારે સુનિતાને લાવવામાં આવી ત્યારે એ માત્ર 19 વર્ષની હતી. સીમા પાત્રાની દીકરી વત્સલાને દિલ્હીમાં જોબ મળતા સુનિતાને તેની સાથે દિલ્હી મોકલવામાં આવી હતી. વત્સલાની ટ્રાન્સફર દિલ્હીથી બીજા સ્થળે થતા સુનિતાને પાછી રાંચી મોકલી દેવામાં આવી. સુનિતાને પૂરી રાખવામાં આવતી હતી. કેટલાંયે લાંબા સમયથી સુનિતાએ સૂરજ પણ જોયો નહોતો. લોખંડના સળિયાથી તેને માર મારવામાં આવતો હતો. મોઢા પર સળિયાના ઘા મારીને તેના દાંત પાડી નાખવામાં આવ્યા હતા. સુનિતાને ખાવા પીવા માટે કંઇ ન અપાતું. તાવેથાને ગરમ કરીને ડામ દેવામાં આવતા હતા. સુનિતાને પેશાબ થઇ જતો તો તેને જીભેથી સાફ કરવાની ફરજ પાડવામાં આવતી હતી. સુનિતા સાથે બીજું તો કોણ જાણે શુંયે થયું હશે. સુનિતાના ફોટા અને વીડિયો જોઇને કંપારી છૂટી આવે. સીમા પાત્રાની માનસિક વિકૃતિના નવા નવા કિસ્સાઓ રોજે રોજ બહાર આવી રહ્યા છે.

દરેક મોટા શહેરોમાં ધનાઢ્ય પરિવારો ગામડેથી આદિવાસી અથવા તો ગરીબ લોકોને પોતાના ઘરે કામ કરવા માટે લઇ આવે છે. છોકરાઓને પણ ઘરઘાટી તરીકે રાખે છે. બધા પરિવારો શોષણ જ કરે છે એવું નથી. ઘણા લોકો કામવાળાઓને પણ ઘરના સભ્યોની જેમ જ રાખે છે. સામા પક્ષે વિકૃત લોકોની પણ કમી નથી. એ લોકો પોતાને ત્યાં કામ કરનારની હાલત એવી કરી નાખે છે કે, ગરીબ અને અભણ એવી છોકરીઓ કે છોકરા સામો અવાજ જ ઉઠાવી ન શકે. ઘરે કામ માટે રાખવામાં આવતા લોકો માટે કાયદાઓ છે પણ એ લોકોને કાયદા ખબર હોય તોને! કાયદા ખબર હોય તો પણ ઘરના લોકો તેને પોલીસ સુધી પહોંચવા દેતા નથી. પડોશીઓ કે સામાજીક સંસ્થાઓની મદદથી જ આવા કિસ્સાઓ બહાર આવતા હોય છે. ઘરમાં રસોઇ કે કચરા પોતા જેવા કામ કરવા આવતા કામવાળા લોકો પર પણ ઘણા લોકો એવી જોહુકમી કરતા હોય છે કે, આપણું મગજ ભમી જાય.

સીમા પાત્રા જેવા લોકો પર ગુસ્સો આવે અને એવું થાય કે આને તો બરાબરનો પાઠ મળવો જોઇએ. સાચી વાત છે. અલબત્ત, આવા લોકો માનસિક બીમારની કેટેગરીમાં પણ આવે છે. આજ સુધી તેની સામે ઘરનું કોઇ કંઇ બોલી શક્યું નહીં હોય. તેણે જે કરવું હશે એ કરવા દીધું હશે અને સીમાએ પણ દાદાગીરીથી પોતાનું ધાર્યું કર્યું હશે. આપણા પરિવારમાં પણ ઘણા લોકો એવા હોય છે જે કોઇનું કંઇ માનતા જ નથી, બધા પર દાદાગીરી કરે છે અને પોતાનું ધાર્યું ન થાય તો ધમપછાડા કરવામાં કંઇ બાકી રાખતા નથી. ઘરના લોકો કાં તો એને સહન કરી લે છે અથવા તો એનાથી કિનારો કરી લે છે. કામવાળા બિચારા ક્યાં જાય? ઘણા પુરૂષો પણ ઘરમાં પત્ની અને સંતાનો પર જુલમ કરીને સેડેસ્ટિક પ્લેઝર મેળવતા હોય છે. હું ઘરનો ધણી છું. મારા ઘરમાં હું ધારું એમ જ થવું જોઇએ. કોઇ મારો હુકમ કે મારી સૂચના ઉથાપી ન શકે. કોઇ સામું થયું તો મર્યા સમજજો. બહાર કોઇ ભાવ પૂછતું ન હોય એવા લોકો પણ ઘરમાં દાદાગીરી કરતા હોય છે. બહાર ત્રાસ કે જુલ્મનો ભોગ બનનારા ઘરમાં અત્યાચાર આચરે એવું પણ શક્ય છે. બીજી વાત પર્સનાલિટી ડિસઓર્ડરની પણ છે. સીમા પાત્રા બહાર સાવ જુદી હતી અને ઘરમાં તે સાવ અલગ જ હતી. ઘણા લોકો આવા પણ હોય છે. બહાર એકદમ સીધા સાદા, ડાહ્યા ડમરા દેખાતા લોકો અંદરખાને વિકૃત અને બદમાશ હોય છે. કેટલાંયે કપલ પણ દેખાતા હોય છે મેડ ફોર ઇચ અધર પણ તેની વાસ્તવિકતા સાવ જુદી જ હોય છે. સમાજમાં માનસિક વિકૃતિના કિસ્સાઓ વધતા જ જાય છે એ ચિંતાના વિષય છે. એબનોર્મલ બિહેવિયરને આપણે ત્યાં ઘણી વખત નજરઅંદાઝ કરવામાં આવે છે પછી જ્યારે પોત પ્રકાશે ત્યારે સીમા પાત્રા જેવા પાત્રો પરખાતા હોય છે!

Previous Post Next Post