નાગપંચમીની ઠેર ઠેર ઉજવણી, ગોગા મહારાજના દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી

featured image

[og_img]

  • નાગપંચમીના દિવસે પાટણ શહેરના વિવિધ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી
  • ગોગા મહારાજના સ્થાનકો પર હોમ હવન, આંગી સહિતના કાર્યક્રમો યોજાયા
  • શ્રાવણ માસના કૃષ્ણપક્ષમાં લોકમેળાઓ, વ્રતો, ઉત્સવોની હારમાળાઓ સર્જાય છે

પવિત્ર શ્રાવણ માસમાં કૃષ્ણપક્ષનાં પાંચ પરબલાઓના તહેવારનો આજથી પ્રારંભ થયો છે. શ્રાવણ વદ પાંચમ નાગપંચમીના પવિત્ર દિવસે શહેરના વિવિધ ગોગમહારાજના સ્થાનકો પર શ્રધ્ધાળુ ભકતો દ્વારા નાગદેવતાની પૂજાઅર્ચના સહિત યજ્ઞની ધાર્મિકવિધી જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

ભારતીય સંસ્કૃતિમાં શેષનારાયણની પૂજાનું વિશેષ મહત્વ

ભારતની ધર્મસંસ્કૃતિમાં ભગવાન શેષનારાયણની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. ભગવાન વિષ્ણુની સૈયા પર શેષનારાયણ ઉપર છે, તેથી હિન્દુશાસ્ત્રોમાં પણ પાતાળલોકના સ્વામી તરીકે નાગદેવતાને આદિકાળથી પૂજવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસના કૃષ્ણપક્ષમાં લોકમેળાઓ, વ્રતો અને ધાર્મિક ઉત્સવોની હારમાળાઓ સર્જાય છે. ત્યારે શ્રાવણ વદ પાંચમ નાગપંચમી નિમિત્તે શહેરના ગોગમહારાજના સ્થાનકો પર શ્રધ્ધાળુ ભકતો દ્વારા નાગપંચમીની ધર્મમય માહોલમાં ઉજવણી કરાઈ હતી.


જૈન દેરાસરમાં આવેલ નાગદેવતાનું મંદિર આજે દર્શનીય બન્યુ

શહેરના પ્રાચીન પંચાસર જૈન દેરાસરમાં આવેલ નાગદેવતાનું મંદિર આજે દર્શનીય બન્યુ હતું. અહીં વહેલી સવારથી જ ગોગા મહારાજના દર્શન માટે ભાવીક ભકતોની ભીડ જોવા મળી હતી. બી.એમ.હાઈસ્કૂલ પાસે આવેલ આઝાદચોકમાં પ્રસ્થાપીત કરેલ વડવાળા ગોગમહારાજના મંદિરે દાદાની વિશેષ પૂજાવિધી કરવામાં આવી હતી અને દર્શનાર્થે આવેલ ભકતજનોને પ્રસાદી પણ વહેંચવામાં આવી હતી.

નાગમહારાજની મૂર્તિને દર્શનાર્થીઓ માટે ખુલ્લી મુકાઈ

શહેરના પીપળાશેર વિસ્તારમાં આવેલ બહુચર માતાના મંદિર ખાતે પરંપરાગત મુજબ નાગપંચમી નિમિત્તે નાગમહારાજની મૂર્તિને દર્શનાર્થીઓ માટે ખુલ્લી મુકાઈ હતી. જયાં ભકતજનોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શહેરના ત્રણ દરવાજા, હોમ કોમ્પ્લેક્ષ તેમજ હિંગળાચાચર ચોક વિસ્તારમાં આવેલ ગોગમહારાજના પ્રાચીન સ્થાનક પર શ્રધ્ધાળુ ભકતો દ્વારા દાદાની આરતી ઉતારવામાં આવી હતી.

શ્રીફ્ળ તેમજ સુખડી અને કુલેરનું નિવેધ ધરાવાયું

નાગદેવતાને શ્રીફ્ળ તેમજ સુખડી અને કુલેરનું નિવેધ પણ ધરાવવામાં આવ્યુ હતું, જયાં શ્રધ્ધાળુ ભકતોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જયારે શહેરના પૂર્વ વિસ્તારમાં કોહીનુર સિનેમા પાસે આવેલ જાહીરવીર ગોગમહારાજના મંદિરે વાલ્મીકી સમાજ દ્વારા નાગપંચમી નિમિત્તે પરંપરાગત મુજબ નાગદેવતાની પૂજાવિધી કરવામાં આવી હતી .જયાં ભાવીક ભકતોએ તેમજ સ્થાનિક વેપારીઓએ ગોગ મહારાજના દર્શન કર્યા હતા. આમ પાટણ શહેરમાં નાગપંચમીની ધર્મમય માહોલમાં ઉજવણી થઈ હતી.

Previous Post Next Post