[og_img]
- એશિયા કપમાં ભારત સૌથી વધુ કુલ 7 વાર ચેમ્પિયન
- 1984માં યોજાયેલ સૌપ્રથમ એશિયા કપમાં ભારત બન્યું વિજેતા
- છેલ્લા બે એશિયા કપમાં પણ ભારત જ ચેમ્પ્યિયન
એશિયન ક્રિકેટનો સૌથી મોટો મહાકુંભ એટલે કે એશિયા કપ ફરી યોજવા જઈ રહ્યો છે. જેમાં એશિયાની ટોપ ક્રિકેટ ટીમો વચ્ચે એશિયન ચેમ્પિયન બનાવાનો મહાજંગ જામશે. આગામી 27 ઓગસ્ટથી UAEમાં કુલ છ દેશો વચ્ચે મુકાબલા યોજાશે અને 11 સપ્ટેમ્બરે એક ટીમ ચેમ્પિયન બનશે. આ વર્ષના એશિયા કપમાં ફરી કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે, જેને લઇ દુનિયાભરના ક્રિકેટ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
1984માં યોજાયો સૌપ્રથમ એશિયા કપ
એશિયા કપની શરૂઆત વર્ષ 1984માં થઇ હતી. આ ટુર્નામેન્ટ પણ UAEમાં જ યોજાઈ હતી, જેમાં માત્ર ત્રણ ટીમોએ ભાગ લીધો હતો. ફાઈનલમાં શ્રીલંકાને હરાવી ભારત સૌપ્રથમ ચેમ્પિયન બન્યું હતું. ભારત અને શ્રીલંકા સિવાય પાકિસ્તાને પણ આમાં ભાગ લીધો હતો અને છેલ્લા ક્રમે રહ્યું હતું. પહેલા એશિયા કપમાં ભારતીય ટીમની કમાન સુનિલ ગાવસ્કરના હાથમાં હતી.
એશિયા કપમાં ચેમ્પિયન ટીમો
વર્ષ દેશ
1984 – ભારત
1986 – શ્રીલંકા
1988 – ભારત
1991 – ભારત
1995 – ભારત
1997 – શ્રીલંકા
2000 – પાકિસ્તાન
2004 – શ્રીલંકા
2008 – શ્રીલંકા
2010 – ભારત
2012 – પાકિસ્તાન
2014 – શ્રીલંકા
2016 – ભારત
2018 – ભારત
2022 – ?
ભારત સૌથી સફળ ટીમ
આ ટૂર્નામેન્ટમાં ભારતનો ખુબ દબદબો રહ્યો છે. અત્યાર સુધી રમાયેલા એશિયા કપમાં ભારતે કુલ 7 વાર, શ્રીલંકાએ 5 વાર અને પાકિસ્તાને 2 વાર ખિતાબ પર કબજો કર્યો છે. ભારત સૌપ્રથમ એશિયા કપમાં વિજેતા બન્યું હતું સાથે જ છેલ્લા બે એશિયા કપમાં પણ ભારત જ ચેમ્પ્યિયન બન્યું હતું. વર્ષ 1988, 1991 અને 1995માં ભારત સતત ત્રણ વાર વિજેતા બન્યું હતું. એશિયા કપમાં ટ્રોફી જીતની હેટ્રિક સર્જનાર ભારત એકમાત્ર દેશ છે. ભારત પાસે આ વર્ષે ચેમ્પિયન બની બીજી વાર જીતની હેટ્રિક સર્જવાનો મોકો છે.
એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા:
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, આવેશ ખાન.