દૂધરેજ કેનાલમાંથી મળી આવેલ લાશ હળવદના યુવાનની

[og_img]

  • મૃતકના કપડા અને હાથ પર ત્રોફાવેલ S થી પરીવારજનોએ લાશની ઓળખ કરી
  • મૃતક સોમાભાઈ લત્તા નામની પરીણીતા સાથે તેના ઝુંપડામાં રહેતો હતો
  • લાશ હળવદથી દુધરેજ કેનાલમાં કઈ રીતે પહોંચી તે રહસ્ય અકબંધ

સુરેન્દ્રનગરના દુધરેજ પાસે આવેલ નર્મદા કેનાલમાંથી તા. 13 ઓગસ્ટના રોજ કોથળામાં પુરેલી હાલતમાં યુવાનની કોહવાઈ ગયેલી લાશ મળી આવી હતી. લાશ મળ્યાના 10 દિવસ બાદ લાશ મળી આવવાના બનાવનો ભેદ ઉકેલાયો છે. જેમાં મૃતક હળવદમાં રહેતો 35 વર્ષીય સોમાભાઈ મકવાણા હોવાનું હાલ બહાર આવી રહ્યુ છે. પોલીસે મૃતકની ખરાઈ માટે ડીએનએ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ જેટલી આશીર્વાદરૂપ છે તેટલી જ અભિશાપરૂપ પણ બની ગઈ છે. કેનાલમાં આત્મહત્યાના અને હત્યા કરી લાશો ફેંકી દેવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે તા. 13 ઓગસ્ટના રોજ શનિવારે સવારે દુધરેજ નર્મદા કેનાલમાંથી કોથળામાં પુરેલી હાલતમાં લાશ મળી આવી હતી. કેનાલના રસ્તે આવેલી વાડી સામે કેનાલમાં ફાંદના ઘાસમાં કોથળો પડયો હોવાની તથા કોથળો તોડી કુતરા કાંઈક ખાતા હોવાની જાણ પોલીસને જાણ થઈ હતી. આથી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને ફાયરબ્રીગેડની મદદથી કોથળાને દોરડા વડે ખેંચી લાશને કેનાલમાંથી બહાર કાઢી હતી. જેમાં મૃતક યુવાન 30 થી 35 વર્ષની વયનો હોવાનું તથા તેનું મોત અંદાજે 2 દિવસ પહેલા થયુ હોવાનું બહાર આવ્યુ હતુ. લાશ જે કોથળામાં પુરેલી હતી તેના પર લખેલા લખાણથી પોલીસ તે દિશામાં તપાસ કરી રહી હતી.

ત્યારે લાશ મળી આવવાના 10 દિવસ બાદ આ લાશ હળવદના સોમાભાઈ મેરૂભાઈ મકવાણાની હોવાનું હાલ બહાર આવી રહ્યુ છે. મૃતકના પરીવારજનોએ મૃતકે પહેરેલ ટીશર્ટ અને કેપ્રી પરથી લાશની ઓળખ કરી છે. આ ઉપરાંત મૃતકના હાથ પર અંગ્રેજીમાં લખેલ S શબ્દ પણ મૃતકની ઓળખ માટે અગત્યનો પુરવાર થયો છે. મૃતક સોમાભાઈ તા. 11ના રોજથી ગુમ હતો. ત્યારે પોલીસે હાલ મૃતકના ડીએનએ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં મૃતકની માતાના સેમ્પલ લઈને લાશના સેમ્પલ સાથે મેચ કરવામાં આવશે. ડીએનએ ટેસ્ટ પોઝીટીવ આવ્યા બાદ લાશ સોમાભાઈની જ હોવાનું સ્પષ્ટ પણે બહાર આવશે. પરંતુ હાલ હળવદ તથા સુરેન્દ્રનગર જિલ્લામાં આ લાશ સોમાભાઈ મકવાણાની જ હોવાની વાત વહેતી થઈ છે.

મૃતક યુવાનની પત્ની વર્ષ 2016માં પ્રસુતિ દરમિયાન મૃત્યુ પામી હતી

મૃતક સોમાભાઈને ર સંતાનો છે જે બન્ને દિકરા છે. બીજા સંતાનનો જન્મ વર્ષ 2016માં થયો હતો. ત્યારે પ્રસુતિ સમયે સોમાભાઈની પત્ની દીકરાને જન્મ આપીને મૃત્યુ પામી હતી. પત્ની મૃત્યુ પામ્યા બાદ સોમાભાઈ ગુમશુમ રહેવા લાગ્યો હતો.

કામના સ્થળની સામે ઝુંપડામાં રહેતી લત્તા સાથે પ્રેમ થઈ ગયો

મૃતક સોમાભાઈ મકવાણા ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ જલારામ ટ્રેડીંગ કંપનીમાં આવતા માલસામાનને ઉતારવાની મજુરીનું કામ કરતો હતો. જેમાં બહારથી આવતા સિમેન્ટની થેલીઓ અને ખાતરની થેલીઓ તે ઉતારતો હતો. કામના સ્થળે સામે જ ઝુંપડામાં રહેતી પરીણીત લત્તા સાથે તેને પ્રેમ થઈ ગયો હતો. બાદમાં તે લત્તા સાથે તેના ઝુંપડામાં જ રહેવા ગયો હતો.

લત્તા તા. 14થી ગાયબ થઈ ગઈ છે

સોમાભાઈની હત્યાનો બનાવ તા. 11ના રોજ બન્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. મૃતક સોમાભાઈ મળી ન આવતા પરીવારજનો અને મીત્રો લત્તાને ત્યાં તપાસ કરવા ગયા હતા. જેમાં સોમો કયાં ગયો તેમ પુછતા હતા. આથી લત્તા તા. 14 ઓગસ્ટના રોજ ઝુંપડાનો બધો સામાન ભરીને ગાયબ થઈ ગઈ છે. પોલીસ હાલ તેની તપાસ ચલાવી રહી છે.

રક્ષાબંધને લત્તાના ભાઈઓ હળવદ આવ્યા હતા

તા. 11ના રોજ રક્ષાબંધનનો તહેવાર હતો. ત્યારે રક્ષાબંધન કરવા લત્તાના ભાઈઓ તેના ઝુંપડે હળવદ આવ્યા હતા. અને સોમાભાઈ તા. 11ના રોજથી ગુમ થયા હતા. આથી રક્ષાબંધનના દિવસે જ કોઈક અણબનાવ બન્યો હોવાની આશંકા હાલ સેવાઈ રહી છે.

સોમાભાઈની લાશ હળવદથી દુધરેજ કઈ રીતે પહોંચી તે રહસ્ય અકબંધ

સોમાભાઈની ક્રુર હત્યા કરાયા બાદ તેની લાશ જલારામ ટ્રેડીંગ, હળવદ લખેલા થેલામાં પુરી દુધરેજ કેનાલમાં નાંખવામાં આવી છે. ત્યારે હત્યાના આ બનાવમાં લત્તાની સાથે અન્ય વ્યકતીઓ પણ સામેલ હોવાની આશંકા સેવાઈ રહી છે. હળવદમાં હત્યા કર્યા બાદ લાશ દુધરેજ કઈ રીતે પહોંચી કે પછી મૃતકને દુધરેજ લાવી હત્યા કરાઈ તે રહસ્ય હજુ અકબંધ છે. પોલીસ હત્યાનો ભેદ ઉકેલવા મથામણ કરી રહી છે.

હળવદના લોકલ અખબારમાં ગુમ નોંધ આવતા પોલીસને કડી મળી

તા. 13 ઓગસ્ટના રોજ દુધરેજ કેનાલમાં યુવાનની હત્યા કરેલી લાશ મળ્યા બાદ એ ડીવીઝન પોલીસ સહીત એલસીબી ટીમ પણ તેની તપાસ કરી રહી હતી. આ દરમિયાન હળવદના લોકલ અખબારમાં સોમાભાઈ ગુમ થયાની ગુમ નોંધ તા. 18 ઓગસ્ટના રોજ આવી હતી. જેના પરથી પોલીસને લાશનો ભેદ ઉકેલવાની કડી મળી હતી.

પોલીસે લાશના ડીએનએની તપાસ હાથ ધરી

મૃતકના હાથ પર લખેલા એસ અને તેને પહેરેલા કપડા પરથી મૃતકના પરીવારજનોએ તેને ઓળખી બતાવ્યો છે. તેમ છતાં પોલીસે લાશના ડીએનએ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના માતાના સેમ્પલ સાથે લાશના સેમ્પલ મેચ કરી હાલ પોલીસ દ્વારા ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો છે. ડીએનએ ટેસ્ટ પોઝીટીવ આવ્યા બાદ લાશ સોમાભાઈની જ છે તે કન્ફર્મ થશે.

મૃતકના પરીવારજનોના હાથે લાશની રાજકોટ અંતીમ વીધી કરાઈ

તા. 13 ઓગસ્ટના રોજ દુધરેજ કેનાલમાંથી મળી આવેલ અજાણી લાશને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ લઈ જવાઈ હતી. અને લાશની ઓળખ ન થતા તેને કોલ્ડરૂમમાં રાખવામાં આવી હતી. જેમાં લાશ હળવદના સોમાભાઈની હોવાનું બહાર આવતા મૃતકના પરીવારજનો દ્વારા જ રાજકોટ ખાતે લાશની અંતીમ વીધી પણ કરાઈ છે.

સંદેશે પ્રથમ દિવસે જ લાશ હળવદ પંથકના યુવાનની હોવાની માહિતી પ્રસિદ્ધ કરી હતી

તા. 13 ઓગસ્ટના રોજ દુધરેજ કેનાલમાંથી કોથળામાં પુરેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેમાં કોથળા પર લખેલા લખાણથી લાશ હળવદ પંથકની હોવાનું માનવામાં આવતુ હતુ. તા. 14ના રોજ પ્રસિદ્ધ થયેલ સંદેશ અખબારમાં જ લાશ હળવદ પંથકના હોવાની તથા પોલીસની તપાસ તે દિશામાં હોવાની માહિતી સંદેશે પ્રસિદ્ધ કરી હતી.

Previous Post Next Post