السبت، 27 أغسطس 2022

મોરબીના રફાળેશ્વર મંદિરે અમાસના લોકમેળામાં ચિક્કાર જનમેદની ઉમટી

[og_img]

  • શિવજીના દર્શન કરવા માટે સવારથી મોટી સંખ્યામાં લોકોની લાઈનો લાગી
  • સૌરાષ્ટ્રભરના હજારો લોકોએ રફાળેશ્વર મંદિરે ઉમટી પડી પિતૃતર્પણ કર્યું
  • અમાસના મેળામાં મોતનો કૂવો સહિતના તમામ મનોરંજનની મોજ માણી

મોરબી નજીક આવેલા સૌથી પ્રાચીન રફાળેશ્વર મહાદેવ મંદિરે વર્ષોની પરંપરા અનુસાર આજે અમાસનો લોકમેળો ભરાયો હતો. કોરોના કાળના બે વર્ષ બાદ આજે અમાસનો મેળો યોજતા આ મેળામાં પગ મુકવાની જગ્યા ન બચી હોય એટલી હદે માનવ મહેરામણ ઉમટી પડતા મેળામાં ચારેકોર હર્ષનાદ અને નિર્દોષ આનંદની છોડો ઉડી હતી. જો કે મોરબી સહિત સૌરાષ્ટ્રભરના હજારો લોકો રફાળેશ્વર મંદિરે વહેલી સવારથી ઉમટી પડી પવિત્ર કુંડમાં સ્નાન કરી પોતાના પિતૃઓના મોક્ષર્થે પ્રાચીન પીપળે પાણી રેડી પિતૃતર્પણ કર્યું હતું.

રફાળેશ્વર મંદિરના વિશાલ ગ્રાઉન્ડમાં ગઈકાલથી જ બે દિવસીય અમાસના પોરોણીક મેળાનો પ્રારંભ થયો હતો અને મેળો શરૂ થતાની સાથે જ લોકો ઉમટી પડતા આ મેળામાં ગઈકાલથી જ ફજેત, ફાળકા, ટોરા-ટોરા, અવનવી રાઈડ્સ તેમજ ખાણી-પીણીના સ્ટોલ ધમધમવા લાગ્યા હતા. તેમજ વર્ષોની પરંપરા મુજબ ગતરાત્રે રાતભર ભજનની રાવટીઓ ધમધમી હતી અને મોટી સંખ્યામાં લોકોએ ભજનો સાથે મેળાની મોજ માણી હતી. જો કે અમાસના દિવસે વર્ષોથી અહીં મેળાનું અને પોતાના પિતૃઓના મોક્ષાર્થે પિતૃતર્પણનું શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ અનેરું મહત્વ હોવાથી આજે વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો રફાળેશ્વર મંદિરે ઉમટી પડ્યા હતા.

આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોવાથી ભગવાન શિવના દર્શન કરવા માટે સવારથી રફાળેશ્વર મંદિરે મોટી સંખ્યામાં લોકોની લાઈનો લાગી હતી અને અમાસ નિમિતે રફાળેશ્વર મહાદેવને વિશેષ શણગાર અને ધજા ચડાવવામાં આવી હતી. હજારો લોકોએ આજે ભગવાન શિવના દર્શન કર્યા હતા. આ ઉપરાંત પવિત્ર કુંડમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મોરબી-વાંકાનેર સહિત સૌરાષ્ટ્રભરમાંથી આવેલા હજારો લોકોએ પવિત્ર કુંડમાં સ્નાન કરી પ્રાચીન પીપળે પિતૃતર્પણ કર્યું હતું. બાદમાં મેળાની મોજ માણવા ઉમટી પડ્યા હતા. હજારો લોકોએ તમામ મનોરંજનના સાધનોનો મનભરીને આનંદ લૂંટયો હતો. તેમજ સ્ટેજ ઉપરથી સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી કરાવતા કાર્યક્રમો યોજાયા હતા. હજારો લોકોએ આ મેળો મોડી રાત સુધી માણ્યો હતો.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.