Thursday, August 4, 2022

ટુ વ્હિલર પર ઓફિસ જતા કલાર્કની કરોડોની સંપત્તિનો ભાંડાફોડ

  • ભોપાલમાં EOWએ મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેનેટના કલાર્કને ત્યાં દરોડા
  • હીરો કેસવાણી ટુ વ્હિલરથી ઓફિસ જતા
  • હીરો કેસવાણીનું વૈભવી ઘર જોઇ EOWની ટીમ ચોંકી ગઇ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં EOW (ઈકોનોમિક ઓફેન્સ સેલ)ના દરોડામાં પર્દાફાશ થયેલા મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ક્લાર્ક હીરો કેસવાણીના કેસમાં નવી માહિતી બહાર આવી રહી છે. EOW સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે હીરો કેસવાણી પર છેલ્લા કેટલાક સમયથી નજર રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન એવું જોવા મળ્યું હતું કે હીરો કેસવાણી બૈરાગઢ સ્થિત તેમના ઘરેથી તેમના ટુ-વ્હીલરમાં મંત્રાલયની ઓફિસમાં આવતા હતા. જેથી કોઈને તેમની શાન-શોકાત પર શંકા ના જાય. હીરો કેસવાણી પ્રથમ વખત શંકાના દાયરામાં આવ્યા જ્યારે તેમણે જીવ સેવા સંસ્થાનની કિંમતી જમીન ખરીદી. EOW પહેલાથી જ આ જમીન સંબંધિત મામલાની તપાસ કરી રહી છે.

EOW ને અત્યાર સુધીમાં શું મળ્યું?

આપને જણાવી દઈએ કે, EOW ને અત્યાર સુધીમાં હીરો કેસવાણીના ઘરની તલાશી દરમિયાન રોકડ, ઘરેણાંની રસીદો, જમીનના કાગળો સહિત મોટી સંખ્યામાં વસ્તુઓ મળી આવી છે. હીરો કેસવાણીના ઘરેથી લગભગ 85 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરાઇ છે. આ ઉપરાંત કરોડો રૂપિયાની જમીન અને મકાનના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. હીરો કેસવાણીના ઘરેથી જમીનના સોદાના કરાર સાથે સંબંધિત અનેક દસ્તાવેજો મળી આવ્યા હતા. આશરે 4 કરોડની સંપત્તિ ધરાવતા આરોપીઓ સાથે સંબંધિત દસ્તાવેજો પણ મળી આવ્યા હતા.

હીરો કેસવાણીના ત્રણ માળના આલીશાન ઘર અને તેના દરેક માળમાં વૈભવી ઇન્ટિરિયર અને ડેકોરેશનનું કામ જોઈને EOW ટીમ દંગ રહી ગઈ હતી. ઘરના દરેક રૂમમાં પેનલિંગ અને વુડવર્ક કરવામાં આવ્યું છે. ધાબા પર લક્ઝુરિયસ પેન્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે. બૈરાગઢ સ્થિત હીરો કેસવાણી બિલ્ડિંગની કિંમત 1.5 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. હીરો કેસવાણીએ બૈરાગઢની આસપાસ વિકસિત કોલોનીઓમાં મોંઘા પ્લોટ ખરીદ્યા છે. હીરો કેસવાણીએ તેમની પત્નીના નામે મોટાભાગની મિલકતો ખરીદી હતી અને ઘણી વેચાઈ હતી.

હીરો કેસવાણી અને તેમના પરિવારના સભ્યોના બેંક ખાતામાંથી પણ લાખો રૂપિયા મળી આવ્યા હતા. આરોપીની પત્ની કે જેની પાસે આવકનો કોઈ સ્વતંત્ર સ્ત્રોત નથી. તેમના બેંક ખાતામાં લાખો રૂપિયા રોકડમાં જમા થયા હતા. આરોપીના ઘરેથી લાખોની કિંમતના સોનાના દાગીનાની રસીદો પણ મળી આવી છે. આરોપીના ઘરેથી ત્રણથી ચાર વાહનો અને એક એક્ટિવા સ્કૂટર મળી આવ્યા છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.