Sunday, August 21, 2022

કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ આજથી પાટણની બે દિવસની મુલાકાતે

[og_img]

  • પાટણમાં ભાજપને વિજય અપાવવા નેતાઓને કેન્દ્રીય મંત્રીએ હાકલ કરી
  • જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપ પાર્ટીના નેતાઓ સાથે બેઠકો યોજી
  • લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના 26 કમળો સંસદ પહોંચે તેવું આહવાન કર્યું

પાટણમાં આજે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ બે દિવસિય મુલાકાતે આવી પહોંચ્યા છે, જેમાં પાટણ લોકસભાની તમામ સીટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ જિલ્લા તેમજ લોકસભા સીટના આગેવાનોની બંધ બારણે ચૂંટણી લક્ષી માર્ગદર્શન બેઠક શરૂ કરી હતી. આગામી વિધાનસભા ચૂંટણી 2022ની તૈયારીઓના ભાગરૂપે આજે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ આજથી બે દિવસ પાટણની મુલાકાતે આવી પહોંચ્યા હતા.

પિયૂષ ગોયલનું યુનિવર્સિટીના હેલીપેડ ખાતે સ્વાગત કરાયું

ગોયલના યુનિવર્સિટીના હેલીપેડ ખાતે આગમન સમયે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા, સાંસદ ભરતસિંહ ડાભી, પ્રદેશ ભાજપ ના નંદાજી ઠાકોર, જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંગ ગુલાટી, એસ.પી.વિજયકુમાર પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

પાટણ લોકસભા મતવિસ્તારની કોર કમિટીની બેઠક યોજાઈ

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના અધ્યક્ષ સ્થાને પાટણ યુનિવર્સિટીના કન્વેસન હોલ ખાતે પાટણ લોકસભા મતવિસ્તારની કોર કમિટીની બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત આરોગ્ય મંત્રી અને પાટણ લોકસભા પ્રભારી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આજે દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોક ઉપયોગી અનેક યોજનાઓ અમલમાં મૂકી છેવાડાના માનવીની ચિંતા કરી છે, જેમાં માં આયુષ્યમાન કાર્ડ થકી આરોગ્યની સેવાઓ માં સરકારી હરણફાળ ભરી છે.

PM લોક ઉપયોગી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા કટિબદ્ધ : ગોયલ

કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર વિવિધ લોક ઉપયોગી યોજનાઓની છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ બન્યા છે. ત્યારે આપણે સૌ કાર્યકરોએ પણ આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને સરકારી યોજનાઓ જન જન સુધી પહોંચે અને વિધાનસભાની ચૂંટણીમાં પાટણ લોકસભામાં આવતી સાતે સાત બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાય તેવી હાકલ કરી હતી. વધુમાં 2024માં લોકસભાની ચૂંટણીમાંથી ગુજરાતના 26 કમળો સંસદમાં પહોંચે તેવું આહવાન કર્યું હતું.

પ્રથમ બેઠક બંધ બારણે યોજાઈ

પાટણ લોકસભા સીટની કુલ 7 વિધાનસભાના ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ સહિત લોકસભા સાંસદ, ત્રણ જિલ્લાના પ્રમુખ અને કોર કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં પ્રથમ બેઠક બંધ બારણે શરૂ કરવામાં આવી હતી. આ બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના વિધાનસભાના પ્રભારીઓની હાજરીમા આગામી વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણી અનુસંધાને ચર્ચાઓ અને સંગઠન વધુ મજબૂત કરવા અંગે કેન્દ્રીય મંત્રી દ્વારા માર્ગદર્શન માટે બેઠક યોજવામાં આવી હતી.

કેન્દ્રીય મંત્રી આવતીકાલે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

કેન્દ્રીય મંત્રીએ જિલ્લાના સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, ભાજપ આઇટી સેલ અને મીડિયા સેલના પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. વિચાર સમન્વયના કાર્યકરો સાથે બેઠક અને સાંજે નાની સરામાં પૂર્વ પાલિકા પ્રમુખ દેવજીભાઈ પરમારના નિવસ્થાને ભોજન કર્યું હતું અને જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી. આવતી કાલે કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ સવારે 9 વાગ્યાથી રાણીની વાવ નિહાળીને પોતાના બીજા દિવસનો પ્રવાસ શરૂ કરશે, ત્યારબાદ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

Related Posts: