વિવાદાસ્પદ બોલિંગ એક્શનવાળો પાકિસ્તાની બોલર એશિયા કપ રમશે

[og_img]

  • મોહમ્મદ હસનૈનનો એશિયા કપની પાકિસ્તાની ટીમમાં સમાવેશ
  • ઈજાગ્રસ્ત શાહીન આફ્રિદીની જગ્યાએ એશિયા કપમાં રમશે
  • એશિયા કપમાં 28 ઓગસ્ટે ભારત-પાકિસ્તાનનો મુકાબલો

એશિયા કપ માટે શાહીન શાહ આફ્રિદીના સ્થાને મોહમ્મદ હસનૈનને પાકિસ્તાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એશિયા કપની પ્રથમ મેચ 27 ઓગસ્ટે રમાશે. આ પછી ભારત અને પાકિસ્તાનની ટીમો 28 ઓગસ્ટે આમને-સામને થશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

શાહીન આફ્રિદીના સ્થાને મોહમ્મદ હસનૈન

આ અઠવાડિયે શરૂ થઈ રહેલા એશિયા કપ માટે પાકિસ્તાને ઘણા સમય પહેલા ટીમ જાહેર કરી દીધી છે. પરંતુ તેને સૌથી મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી ઈજાગ્રસ્ત થઈને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ તેના સ્થાને મોહમ્મદ હસનૈનને ટીમમાં સામેલ કર્યો છે. હસનૈન હાલમાં ઈંગ્લેન્ડમાં ‘ધ હંડ્રેડ’ ટૂર્નામેન્ટ રમી રહ્યો છે, જ્યાંથી તે એશિયા કપ માટે સીધો UAE પહોંચશે અને પાકિસ્તાન ટીમ સાથે જોડાશે.

28 ઓગસ્ટે ભારત VS પાકિસ્તાન

એશિયા કપની પ્રથમ મેચ 27 ઓગસ્ટે રમાશે. આ પછી ભારત અને પાકિસ્તાનની ટીમો 28 ઓગસ્ટે આમને-સામને થશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. શાહીનની ગેરહાજરીમાં હસનૈનને પણ ભારત સામેની પ્રથમ મેચમાં તક મળવાની આશા છે.

સ્ટોઇનિસે બોલિંગ એક્શન પર ઉઠાવ્યા સવાલ

તમને જણાવી દઈએ કે હસનૈનની બોલિંગ એક્શન હંમેશા વિવાદાસ્પદ રહી છે. તાજેતરમાં, ‘ધ હન્ડ્રેડ’ ટૂર્નામેન્ટમાં રમતી વખતે ઓસ્ટ્રેલિયન સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે આઉટ થયા બાદ હસનૈનની બોલિંગ એક્શન પર સવાલ ઉઠાવ્યા હતા. સ્ટોઇનિસે ઇશારો કરીને ચકીંગનો સંકેત આપ્યો. હસનૈન ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં ઓવલ ઈન્વિન્સીબલ ટીમ તરફથી રમી રહ્યો છે.

શોએબ અખ્તરે સ્ટોઈનિસને જવાબ આપ્યો

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર પણ હસનૈનની બોલિંગ એક્શન પર સવાલ ઉઠાવતા ગુસ્સે ભરાયો હતો. તેણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘સ્ટોઈનિસની હિંમત કેવી રીતે થઈ? ચોક્કસપણે ICCએ આ મામલે મૌન સેવ્યું હતું. જો કોઈ બોલરને તેની બોલિંગ એક્શન માટે પરવાનગી મળી ગઈ હોય તો કોઈ ખેલાડીએ તેની એક્શન પર સવાલ ઉઠાવવાની હિંમત ન કરવી જોઈએ.

બોલિંગ એક્શન માટે હસનૈન સસ્પેન્ડ

ખરેખર બિગ બેશ લીગ (BBL) દરમિયાન મોહમ્મદ હસનૈનની બોલિંગ એક્શન શંકાસ્પદ જોવા મળી હતી. આ પછી પાકિસ્તાન સુપર લીગ (PSL) દરમિયાન હસનૈનની બોલિંગ એક્શનની તપાસ કરવામાં આવી હતી. તે સમયે હસનૈનને બોલિંગ કરવાથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જો કે, આ પછી હસનૈને તેની બોલિંગ એક્શનમાં સુધારો કર્યો. જે બાદ તેને ICC તરફથી બોલિંગની પરવાનગી મળી.

એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમ:

બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, આસિફ અલી, ફખર ઝમાન, હૈદર અલી, હરિસ રઉફ, ઇફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ જુનિયર, નસીમ શાહ, શાહનવાઝ દહાની, ઉસ્માન કાદિર અને મોહમ્મદ હસનૈન.

أحدث أقدم