પગારથી લઈને ઉપરાષ્ટ્રપતિને મળે આ સરકારી સુવિધાઓ, આ રીતે થાય ચૂંટણી

  • ઉપરાષ્ટ્રપતિને દર મહિને રૂ.4 લાખ પગાર મળે
  • દૈનિક ભથ્થું, તબીબી, મફત ઘર, મુસાફરી, અન્ય સુવિધાઓનો લાભ મળે
  • રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ તમામ જવાબદારીઓ નિભાવે 

ભારતના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટે પૂરો થઈ રહ્યો છે. તે અગાઉ આજે દેશમાં નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આજે દેશને નવા ઉપરાષ્ટ્રપતિ મળશે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને NDA દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. આ સાથે જ વિપક્ષે માર્ગારેટ આલ્વા પર દાવ ખેલ્યો છે. દેશના બીજા સર્વોચ્ચ બંધારણીય પદ માટે નામાંકન 19 જુલાઈ સુધીમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે ચૂંટણી બાદ મોડી રાત સુધીમાં પરિણામ જાહેર થશે. પરંતુ તે પહેલા શું તમે જાણો છો કે ભારતના ઉપરાષ્ટ્રપતિને કેટલો પગાર મળે છે? આ સિવાય બીજી કઈ કઈ સરકારી સેવાઓ ઉપલબ્ધ છે?

ચેરમેન તરીકે મળે છે પગાર

આપને જણાવી દઈએ કે ભારતના ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ પણ છે. આ પોસ્ટ માટે તેમને ‘સેલરીઝ એન્ડ એલાઉન્સ ઓફ પાર્લામેન્ટ ઓફિસર્સ એક્ટ, 1953’ હેઠળ પગાર ચૂકવવાની જોગવાઈ છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે અલગથી કોઈ પગાર નથી. રાજ્યસભાના સભાપતિ તરીકે તેમને પગાર અને અન્ય સરકારી સુવિધાઓ મળે છે. ઉપરાષ્ટ્રપતિને દર મહિને 4 લાખ રૂપિયાનો પગાર મળે છે. આ સિવાય તેમને અન્ય ઘણા ભથ્થા પણ મળે છે. ઉપરાષ્ટ્રપતિને દૈનિક ભથ્થું, તબીબી, મફત ઘર, મુસાફરી અને અન્ય સુવિધાઓનો લાભ મળે છે.

રાષ્ટ્રપતિની સુવિધાઓ પણ ઉપલબ્ધ

રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ તમામ જવાબદારીઓ નિભાવે છે. આવી સ્થિતિમાં તેમને રાષ્ટ્રપતિનો પગાર અને સરકારી સુવિધાઓ પણ મળે છે. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ જેટલો જ પગાર મળે છે. આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિને સરકારી સ્ટાફ પણ આપવામાં આવે છે. તો ઉપરાષ્ટ્રપતિ માટે પેન્શન પગારના 50% છે.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કોણ લડી શકે?

35 વર્ષની ઉંમર પૂરી કરનાર કોઈપણ વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે છે. ઉમેદવારે ઓછામાં ઓછા 20 સાંસદોને પ્રસ્તાવક તરીકે અને ઓછામાં ઓછા 20 સાંસદોને સમર્થકો તરીકે નોમિનેટ કરવાના હોય છે. ઉમેદવાર સંસદના ગૃહ અથવા રાજ્ય વિધાનસભાનો સભ્ય ન હોવો જોઈએ. જો કોઈ સંસદસભ્ય ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માંગે છે તો તેણે ગૃહના સભ્યપદેથી રાજીનામું આપવું પડશે. ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા માટે 15,000 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝીટ પણ જમા કરાવવાની હોય છે.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી રાષ્ટ્રપતિની ચૂંટણીથી કેટલી અલગ છે?

આપને જણાવી દઈએ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહોના સભ્યોએ પોતાનો મત આપેછે. બંને ગૃહોના નામાંકિત સાંસદો પણ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકે છે. આ રીતે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં બંને ગૃહોના 790 સભ્યો ભાગ લે છે. જેમાં રાજ્યસભામાં કુલ 245 અને લોકસભામાં 545 સાંસદો મતદાન કરે છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહોના સભ્યોની બનેલી ઈલેક્ટોરલ કોલેજ દ્વારા કરવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિની પસંદગી પ્રમાણસર પ્રતિનિધિત્વ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. એટલે કે ચૂંટણીમાં મતદારો પ્રાથમિકતાના આધારે મતદાન કરે છે.