[og_img]
- એક્ટર્સો સૈનિકોની ભૂમિકા નિભાવી દેશની સેવા કરનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલી આપતા રહ્યા છે
- બોલિવૂડ એક્ટર્સો હંમેશા ફિલ્મોમાં પાત્ર દ્વારા સૈનિકોની બહાદુરીના કારનામા દર્શકો સુધી પહોંચાડતા રહ્યા છે.
- અમિતાભ દેશભક્તિનું પાત્ર ભજવવામાં સૌથી આગળ છે, તો અક્ષય દેશભક્તિનો એક નવો ચહેરો બની રહ્યા છે
હાલ ભારતભરમાં 15મી ઓગસ્ટે સ્વાતંત્રતા દિવસ ઉજવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સાથે સાથે દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન પણ તેજ બન્યું છે. 13થી 15 ઓગસ્ટ દરમિયાન ભારતીયોના ઘરો પર તિરંગો લહેરાતો જોવા મળશે. ત્યારે બોલિવૂડમાં પણ દેશભક્તિ પર બનાવાયેલી ફિલ્મો અને ફિલ્મોમાં નિભાવેલી બહાદુર સૈનિકોની ભૂમિકા પણ દર્શકોને મંત્રમુગ્ધ કરી દે છે. આજે આપણે અહીં એવા બોલિવૂડ એક્ટર્સની વાત કરી રહ્યા છે, જેઓએ સમયે સમયે દેશની સેવા કરનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલી આપતા રહ્યા છે, એટલે કે તેમના ઉપર ફિલ્મો બનાવતા રહ્યા છે. આ એક્ટર્સોએ નિભાવેલી ફિલ્મોમાં બહાદુર સૈનિકો જેવી ભૂમિકા પણ દર્શકોને ખુબ પસંદ આવતી રહી છે. તો સૈનિકો પર બનાવાયેલી ફિલ્મો દ્વારા તેમની બહાદુરીના કારનામા દર્શકો સુધી પહોંચાડતા રહ્યા છે. તો અહીં જાણીએ અમિતાભ બચ્ચથી લઈ મનોજ કુમારે નિભાવેલી બહાદુર સૈનિકોની ભૂમિકા પર બનાવેલી ફિલ્મો વિશે…
અમિતાભ બચ્ચન
મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ પોતાની દેશભક્તિ બતાવવામાં સૌથી આગળ રહ્યા છે. તેમણે વર્ષ 1998માં આવેલી ફિલ્મ ‘મેજર સાબ’, 1999માં આવેલી ફિલ્મ ‘કોહરામ’ અને 2004માં આવેલી 3 ફિલ્મો ‘દીવાર’, ‘લક્ષ્ય’ અને ‘અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ’માં લશ્કરી સૈનિકની ભૂમિકા ભજવી હતી.
શાહરૂખ ખાન
ફિલ્મોના દરેક પાત્રમાં શાહરૂખ ખાન ઊંડે સુધી ઉતરી જાય છે. ટીવી હોય કે ફિલ્મો, શાહરૂખે હંમેશા આર્મીમેનનું પાત્ર ખુબ સારી રીતે ભજવ્યું છે. 1988માં ટીવી સીરિયલ ‘ફૌજી’માં સૈનિક તરીકે કારકિર્દી શરૂ કરનાર શાહરૂખે 1996માં આવેલી ફિલ્મ ‘આર્મી’, 2004માં આવેલી ફિલ્મ ‘મેં હૂં ના’ અને 2012માં આવેલી ફિલ્મ ‘જબ તક હૈ જાન’માં આર્મી મેનની ભૂમિકા ભજવી હતી.
જ્હોન અબ્રાહમ
મજબૂત કદ અને મજબૂત શરીરને કારણે જ્હોન અબ્રાહમની હંમેશા આર્મી મેન તરીકે પ્રશંસા કરવામાં આવતી હોય છે. તેણે 2013માં આવેલી ફિલ્મ ‘મદ્રાસ કેફે’ અને 2016ની ફિલ્મ ‘રોકી હેન્ડસમ’, ‘ઢિશૂમ’ અને ‘વઝીર’માં આર્મી મેનની ભૂમિકા ભજવી હતી.
ધર્મેન્દ્ર
પોતાના સ્ટેમિના અને ડાન્સિંગ સ્ટાઈલ માટે જાણીતા ધર્મેન્દ્રને બોલિવૂડના હિમેન તરીકે ઓળખવામાં આવે છે. 1962ની ફિલ્મ ‘હકીકત’, 1987ની ફિલ્મ ‘હુકુમત’, 1989ની ફિલ્મ ‘એલાન-એ-જંગ’ અને 1992ની ફિલ્મ ‘તહલકા’માં ધર્મેન્દ્રએ સૈનિકનો યુનિફોર્મ પહેરીને દુશ્મનોને ધૂળ ચટાવી દીધી હતી.
દિલીપ કુમાર
બોલિવૂડના સૌથી પહેલા સુપરસ્ટાર સ્વ.દિલીપ કુમારનું નિધન ગત વર્ષે 7મી જુલાઈના રોજ થયું હતું, જોકે તેમણે ફિલ્મોમાં નિભાવેલી ભૂમિકામાં હંમેશા દેશ ભાવના જોવા મળતી રહી છે. તેમણે અભિનયના દિવસો દરમિયાન 1964ની ફિલ્મ ‘લીડર’, 1981ની ફિલ્મ ‘ક્રાંતિ’, 1982ની ફિલ્મ ‘શક્તિ’ અને 1986માં આવેલી ફિલ્મ ‘કર્મા’માં સૈનિકની ભૂમિકા ભજવી હતી.
અક્ષય કુમાર
ખતરોના ખેલાડી અક્ષય કુમાર આજે દેશભક્તિનો એક નવો ચહેરો બનીને ઉભરી રહ્યા છે. સામાજિક વિષયો પરની ફિલ્મો ઉપરાંત અક્ષયે 1993માં આવેલી ફિલ્મ ‘સૈનિક’, 2015માં ‘બેબી’ અને ‘હોલિડે’, 2016માં ‘રુસ્તમ’ અને 2017માં ‘નામ શબાના’માં આર્મી અને સ્પેશિયલ એજન્ટની ભૂમિકા ભજવી હતી.
સની દેઓલ
‘ઢાઈ કિલોને હાથ વાલે’ સની દેઓલેની ફિલ્મ ‘ગદર’ આવ્યા બાદ ભારતભરમાં ચારે કોર માત્ર સનીના જ ડાયલોગો છવાયા હતા. આ ફિલ્મમાં સનીએ ભજવેલું પંજાબી પાત્ર અને તેના ડાયલોગ દર્શકોને ખુબ પસંદ આવ્યા હતા. તેણે વર્ષ 1997માં આવેલી ફિલ્મ ‘બોર્ડર’, વર્ષ 2008માં આવેલી ‘હીરો’ અને 2002માં આવેલી 2 ફિલ્મ ‘મા તુઝે સલામ’ અને ‘શહીદ’માં સૈનિક અથવા દેશભક્તનું પાત્ર ભજવી હંમેશા દર્શકોમાં દેશભાવના જગાડતો રહ્યો છે.
મનોજ કુમાર
‘ભારત કુમાર’ના નામથી પ્રખ્યાત મનોજ કુમાર સૌથી દેશભક્ત માનવામાં આવે છે. તેઓએ ઘણી ફિલ્મોમાં દેશભક્તિનું પાત્ર ભજવી દર્શકોને અભિભૂત કરતા રહ્યા છે. વર્ષ 1965ની ફિલ્મ ‘શહીદ’, 1970ની ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ચિમ’ અને 1981ની ફિલ્મ ‘ક્રાંતિ’માં તેમણે દેશ માટે લડાયક ભૂમિકાઓ ભજવી છે.