રાજકોટમાં સૌથી મોટા સુરભી ગ્રુપના આયોજકે કહ્યું- માતાજીનાં નોરતામાં રાજકારણ ન હોવું જોઈએ, GSTનો બોજ અમે સહન કરીશું | rajkot garba owner not recover GST on garba pass from khelaiya

રાજકોટ9 મિનિટ પહેલા

રાજકોટમાં દાંડિયા ક્લાસમાં ખેલૈયાઓની તૈયારી.

ગુજરાતના સૌથી મોટા નવરાત્રિના તહેવારમાં પણ GST લાદવામાં આવ્યો છે. અર્વાચિન ગરબાના મોટા આયોજનો પર સરકારે 18 ટકા GST લગાવ્યો છે. આથી રાજ્યભરમાં આનો વિરોધ થઈ રહ્યો છે. પરંતુ અમુક ગરબા સંચાલકો ખેલૈયાઓ પર બોજ લાદવા માગતા નથી. સરકાર નિર્ણય પાછો ખેચે કે ન ખેચે પણ અમુક ગરબા સંચાલકોએ મક્કમ મન બનાવી લીધું છે અને ખેલૈયાઓના ઉત્સાહ પર બોજ લગાવવા માગતા નથી. રાજકોટના સૌથી મોટા સુરભી ગ્રુપના સંચાલક વિજયભાઈ વાળાએ જણાવ્યું હતું કે, માતાજીના નોરતામાં રાજકારણ ન હોવું જોઈએ, ખેલૈયાઓ પર અમે કોઈ બોજ લગાવવા માગતા નથી અમે 18 ટકા GST ખેલૈયાઓ પર નાખીશુ નહીં અને આ બોજ અમે સહન કરીશું.

આ ટેક્સ રદ કરવો જોઈએ
વિજયભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, અમે છેલ્લા 16 વર્ષથી રેસકોર્સ ખાતે નવરાત્રિનું આયોજન કરીએ છીએ. મને જાણવા મળ્યું કે સરકારે ગરબાનાં પાસ ઉપર પણ GST જાહેર કર્યો છે. ત્યારે મારી સરકારને વિનંતી છે કે, આ ટેક્સ રદ કરવો જોઈએ. કારણ કે, અમારા જેવા કોમર્શિયલ આયોજનોમાં પણ વાહન પાર્કિંગ અને પાણી સહિતની વસ્તુઓ તદ્દન ફ્રી આપવામાં આવતી હોય છે. લોકોમાં પારિવારિક માહોલ ફેલાય અને લોકો આનંદ માણે તે અમારો મુખ્ય ઉદ્દેશ છે.

સુરભી ગ્રુપના આયોજક વિજયભાઈ વાળા.

સુરભી ગ્રુપના આયોજક વિજયભાઈ વાળા.

અમે ખેલૈયાઓ પાસે GST વસુલશું નહીં
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, માતાજીનાં નોરતામાં કોઈ પણ રાજકારણ હોવું જોઈએ નહીં. હાલ ગરબા આયોજકો લૂંટ ચલાવતા હોવાની જે ચર્ચાઓ ચાલી રહી છે. તે ખરેખર તદ્દન ખોટી છે. લોકો કોરોનાકાળમાં ઘરે બેસીને બે વર્ષથી કંટાળેલા લોકો જ્યારે ગરબે રમી રહ્યા હોય ત્યારે તમામ રાજકીય પક્ષોને મારી વિનંતી છે કે, આ મુદ્દે રાજકારણ કરે નહીં અને સરકારને મારી વિનંતી છે કે, આ મુદ્દે યોગ્ય નિર્ણય કરે. છતાં પણ જો સરકાર જીએસટી પરત ન ખેંચે તો સરકારનો નિર્ણય શિરોમાન્ય છે. પરંતુ GSTનો બોજો ખેલૈયાઓ ઉપર નહીં પડવા દઈએ. આ માટે અમે જાહેરાત કરી છે કે, સુરભી ક્લબ ખેલૈયાઓ પાસે GST વસુલશે નહીં. GSTનો સરકારનો બોજ અમે સહન કરીશું. અમારો ધ્યેય માત્ર પારિવારિક માહોલમાં નવરાત્રીનું આયોજન કરવાનો છે. ત્યારે આ GST કોઈ પણ ખેલૈયાઓ પાસેથી વસૂલવામાં નહીં આવે તેવી ખાતરી તેમણે આપી છે.

જય વિઝન ગરબાના આયોજક મિલન કોઠારી.

જય વિઝન ગરબાના આયોજક મિલન કોઠારી.

કોર્મિશિયલ ગરબા પર GST મૂકે તો કોઈ પ્રોબ્લેમ નથી
જય વિઝન ગરબાના આયોજક મિલન કોઠારીએ જણાવ્યું હતું કે, હાલમાં જ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે સરકારે ગરબા પર GST નાખ્યો છે. ઘણા કોર્મિશિયલ આયોજનોના સીઝન પાસના રેટ 4 હજાર, 5 હજાર કે 10 હજારથી પણ વધુના થતા હોય છે. આવા કોર્મિશિયલ ગરબા પર સરકાર GST મૂકે તો તેનો કોઈ પ્રોબ્લેમ નથી. આવડા મોટા મોંઘા પાસ લેનારને GST નડવાનો નથી. પણ જે ચેરિટેબલ ટ્રસ્ટ, સંસ્થાઓ, જ્ઞાતિ મંડળો દ્વારા આયોજીત છે તેમાં સીઝન પાસ પર GST ન હોવો જોઇએ. આવું મારું માનવું છે, બાકી સરકારનો નિર્ણય ઉત્તમ છે. બિન કોર્મિશિયલ આયોજનો છે તેને બાદ રાખો. ઘણા આયોજકો લાખો-કરોડો રૂપિયાની કમાણી કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે…