રાજકોટના રતનપરમાં 'તમારૂ દર્દ મટી જશે' કહી સાસુ-વહુની આંખ બંધ કરાવી ગઠીયો મોબાઈલ અને રોકડ રકમ ચોરીને નાસી ગયો | In Rajkot's Ratanpar, thief blindfolded mother-in-law and stole mobile phone and cash

રાજકોટ3 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટ મોરબી રોડ પર રતનપર ગામ ખાતે ભારત પાર્ક-1 માં આવેલી અયોધ્યા રેસીડેન્સીમાં ભીક્ષુકનાં સ્વાંગમાં આવેલો ગઠીયો સાસુ, વહુને વિધિના બહાને આંખો બંધ કરાવી બે મોબાઈલ સહિત 33 હજારના મુદ્દામાલની ચોરી કરી ભાગી ગયો હતો. કુવાડવા પોલીસે ગઠીયાની ઓળખ મેળવી તપાસ હાથ ધરી છે.

વિધિ કરી આપીશ જેથી તમારૂ દુખ, દર્દ મટી જશે.

રાજકોટ મોરબી રોડ પર રતનપર નજીક ભારત પાર્ક-1 માં રહેતા ચાંદનીબેન મોહિતભાઈ જોશી અને તેના સાસુ ભાવનાબેન ગઈ તારીખ 5 ઓગસ્ટના રોજ સવારે ઘરે હાજર હતા ત્યારે એક ભીક્ષુક આવ્યો હતો. જેને ચા બનાવવાનું કહેતા તેને ચા પીવડાવી હતી. તે સાથે જ તે ભીક્ષુકે જાળ ફેલાવી બંનેને કહ્યું કે હું તમને વિધિ કરી આપીશ જેથી તમારૂ દુખ, દર્દ મટી જશે.

ગઠીયો બે મોબાઈલ ઉપરાંત રૂ. 600ની રોકડ લઈ ભાગી ગયો

આટલુ કહ્યા બાદ તેણે ભાવનાબેનના હાથમાં કંકુ, ચોખા આપ્યા હતા. પાણીનો લોટો મંગાવી ભાવનાબેન ઉપર સાત વાર ઉતાર્યો હતો. બાદમાં અડધો લોટો પી લીધો હતો. ભીક્ષુકે ભાવનાબેન અને તેની વહુ ચાંદનીને કહ્યું કે હવે તમે બંને આંખો બંધ કરી દો. બંનેએ આંખો બંધ કરી દેતા જ ભીક્ષુક ઘરમાં ઘુસ્યો હતો અને બંનેના મોબાઈલ ફોન ઉપરાંત રૂ. 600ની રોકડ લઈ ભાગી ગયો હતો.

પોલીસે ગઠીયાની ઓળખ મેળવી તપાસ હાથ ધરી.

બંનેએ આંખ ખોલી ત્યારે ભીક્ષુક ગાયબ થઇ ગયો હતો. જે બાદ ઘરમાંથી બંનેના મોબાઈલ ફોન અને રોકડ રકમ જોવા ન મળતા ચાંદનીબેને તાત્કાલિક તેમના દીયર યશને બોલાવી બનાવની જાણ કરી હતી. હાલ સમગ્ર મામલે કુવાડવા પોલીસે ફરિયાદ નોંધાતા પોલીસે ગઠીયાની ઓળખ મેળવી તેને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post