ગુજરાતી ભાઈ-બહેનના પ્રેમનો પ્રેરણાદાયી કિસ્સો, નિઃસંતાન ભાભીને મા બનવાનું સૌભાગ્ય આપ્યું, કાળજાંનો કટકો આફ્રિકા પહોંચ્યો | Inspirational story of Gujarati brother-sister love, childless sister-in-law blessed with motherhood, heartbreak reaches Africa

  • ગુજરાતી સમાચાર
  • Dvb મૂળ
  • ગુજરાતી ભાઈ બહેનના પ્રેમની પ્રેરણાત્મક વાર્તા, નિઃસંતાન ભાભીને માતૃત્વથી આશીર્વાદ, હાર્ટબ્રેક આફ્રિકા પહોંચ્યું

9 મિનિટ પહેલાલેખક: કિશન પ્રજાપતિ

એક બહેન નાની હોય કે, મોટી હંમેશા તે સૌ પહેલાં તેના ભાઈ ખુશ રહે એવું વિચારતી હોય છે. ત્યારે સલોની જાનીએ આ રક્ષાબંધ પહેલાં તેમના ભાઈ સાગરને પોતાનો કાળજાનો કટકો ભેટ આપી સમાજમાં એક બહુમૂલ્ય ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મૂળ કપડવંજના સાગર ભટ્ટ અને રુત્વી ભટ્ટના લગ્નને ઘણાં વર્ષો થયાં છતાં તેમના ઘરે પારણું બંધાયું નહોતું. જેની ચિંતા તેમની બહેન સલોનીને સતત સતાવતી હતી. જે બાદ સલોનીએ નિર્ણય કર્યો કે, હું મારું બીજું બાળક મારા ભાઈ સાગરને આપીશ અને એના સૂના સંસારમાં ખુશી લાવીશ. આ વાત સૌ પહેલાં સલોનીએ તેમના સાસુ-સસરા, પતિને કરી અને બધાએ તરત જ હા પાડી દીધી. આજે સલોનીએ જન્મ આપેલી નીર્વી નામની બાળકી સાઉથ આફ્રિકા તેમના ભાઈ સાગર ભટ્ટને ત્યાં મામા-મામી સાથે પાલક માતા-પિતાનો પ્રેમ દેવકી અને યશોદાની જેમ મેળવી રહી છે. અત્યારે સાગરના પરિવારમાં બાળકની કિલકારીથી અનોખો આનંદ છે. આમ, આ રક્ષાબંધને નિઃસંતાન ભાઈ-ભાભીને માતા-પિતા બનવાથી વધારે ખુશીની એક બહેન માટે શું હોઈ શકે.

દિવ્ય ભાસ્કરે આ અંગે બાળકીને જન્મ આપનાર સલોની, તેમના ભાઈ સાગર અને ભાભી રુત્વી, સાસુ-સસરા અને માતા-પિતા સાથે ખાસ વાતચીત કરી હતી. જેના શબ્દશઃ અહીં રજૂ કરી રહ્યા છીએ.

સલોની જાની તેમની બાળકી નીર્વી સાથે.

સલોની જાની તેમની બાળકી નીર્વી સાથે.

”મારો ભાઈ મારી કરતાં વધુ સારી રીતે દીકરીને રાખે છે અને મોટી કરી રહ્યો છે”: સલોની જાની
આ અંગે વાત કરતાં સલોની જાનીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, ”મને એવું થતું હતું કે, મારે એક દીકરો છે, પણ મારા ભાઈને લગ્નના ઘણાં વર્ષ થયાં છતાં કોઈ બાળક નથી અને એમને પણ એક સંતાન હોવું જોઈએ. જેથી એમનો એક પરિવાર સંપૂર્ણ થઈ જાય. એટલે મને થયું કે, હું જ મારા બીજા બાળકને જન્મ આપી મારા ભાઈનો પરિવાર પૂર્ણ કરું. આ વાત મેં મારા સાસુ-સસરા અને પતિને કરી અને એમણે આ વાત સાંભળી તરત જ હા પાડી દીધી. જે બાદ આ વાત મેં મારા મમ્મી-પપ્પાને પણ કરી અને એ પણ આ સાંભળી ખૂબ જ ખુશ થઈ ગયા. આ માટે હું ખુદને લકી સમજું છું.”

સલોનીએ વધુમાં કહ્યું કે, ”મેં જ્યારે મારા ભાભીને બાળકી સોંપી ત્યારે તે હરખના આંસુએ રડવા લાગ્યા અને એમની આટલી ખુશી જોઈને મારી આંખમાંથી પણ હરખના આંસુ સરી પડ્યા હતાં. મારો ભાઈ પણ રાજી થઈ ગયો હતો. અત્યારે મારા ભાઈ-ભાભી આફ્રિકા છે. ત્યાં દીકરીને પણ રાજકુમારી કરતાં વિશેષ રાખે છે. એ જોઈને એવું લાગે છે કે, એ મારી દીકરીનો સેકન્ડ મધર છે. મારી બાળકી આપી ત્યારે એક મા હોવાને લીધે ઘડીક મનમાં વિચાર આવ્યો હતો પણ, એનાથી વધારે આનંદ એ વાતનો હતો કે, તે મારા ભાઈના જ ઘરે રહેશે અને મારે તેને મળવું હશે ત્યારે ભવિષ્યમાં મળી પણ શકીશ. મને વિશ્વાસ છે કે, મારો ભાઈ મારી કરતાં વધુ સારી રીતે દીકરીને રાખે છે અને મોટી કરી રહ્યો છે.”

પોતાની બહેનની દત્તક લીધેલી દીકરી સાથે સાગર ભટ્ટ તેમની પત્ની રુત્વી.

પોતાની બહેનની દત્તક લીધેલી દીકરી સાથે સાગર ભટ્ટ તેમની પત્ની રુત્વી.

”મારી બહેનનું ઋણ જિંદગીભર ચૂકવી શકીશ નહીં”: સાગર જાની, સલોનીનો ભાઈ
સલોનીના સગા ભાઈ સાગર ભટ્ટે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, ”જ્યારે મારી બહેને તેનું બીજુ બાળક મને આપવાની વાત કરી ત્યારે હું ખુબ જ ખુશ હતો. એ વખતે હું શું રિએક્શન આપું એનું પણ ભાન ન રહ્યું એટલો હરખ હતો. મેં તરત જ હા પાડી દીધી. આ પછી મારી પત્ની રુત્વીને પણ આ વાત જણાવીએ ત્યારે એ ખુબ જ ખુશ હતી. આ માટે મારી બહેનનું ઋણ જિંદગીભર ચૂકવી શકીશ નહીં. આજે અમે મારી બહેનની દીકરીના મામા-મામી નહીં પણ માતા-પિતાનો પ્રેમ આપીએ છીએ અને અમારી આ સગી દીકરી જ છે. રક્ષાબંધને મારી બહેને મને ભેટ આપી એક દાખલો બેસાડ્યો છે.”

પોતાની બહેનની દત્તક લીધેલી દીકરી સાથે સાગર ભટ્ટ તેમની પત્ની રુત્વી.

પોતાની બહેનની દત્તક લીધેલી દીકરી સાથે સાગર ભટ્ટ તેમની પત્ની રુત્વી.

”મારી નણંદના નિર્ણયથી મારી આંખો છલકાઈ ગઈ”: રુત્વી જાની, સલોનીના ભાભી
સલોનીના ભાભી રુત્વી ભટ્ટે જણાવ્યું કે, ”જ્યારે મને મારા હસબન્ડે નિર્વી વિશે વાત કરી ત્યારે હું મારા નણંદના ડિશિજનથી એટલી ખુશ થઈ કે, મારી આંખો હરખથી છલકાઈ ગઈ કે, મારા વિશે કોઈ આવું પણ સારું વિચારે છે. મારી દીકરી અત્યારે મારી પાસે છે એને ખૂબ જ પ્રેમ આપીએ છીએ અને મારી નણંદનો આભાર માનું એટલો ઓછો છે. નિર્વીના લીધે માત્ર ભાઈ-બહેનનો જ સંબંઘ નહીં પણ, નણંદ અને ભાભીનો સંબંધ સ્ટ્રોંગ બન્યો છે. આ એક વ્યક્તિને લીધે નહીં પણ પરિવારના બધા સભ્યોના લીધે શક્ય થયું છે.”

સલોનીના સાસુ હીનાબહેન જાની અને તેમની પૌત્રી નીર્વી.

સલોનીના સાસુ હીનાબહેન જાની અને તેમની પૌત્રી નીર્વી.

”મેં નક્કી કરી રાખ્યું હતું કે, સલોનીનું બીજું બાળક બેબી કે બાબો સાગરને આપવાનો છે”: હીનાબહેન જાની, સલોનીના સાસુ
સલોનીના સાસુએ કહ્યું કે, ”મારી વહુ સલોનીનો દીકરો જ્યારે સાત વર્ષનો થયો ત્યાં સુધી તેના ભાઈ સાગરને કોઈ સંતાન નહોતું. ત્યારથી જ મેં નક્કી કરી રાખ્યું હતું કે, સલોનીનું બીજું બાળક બેબી કે બાબો સાગરને આપવાનો છે. આ પછી અચાનક સલોનીએ અમને ઘરમાં તેના ભાઈને પોતાનું બાળક આપવાની વાત કરી અને અમે તરત જ હા પાડી દીધી હતી.”

વધુમાં હીના બહેને કહ્યું કે, ”સાગરને જ્યારે અમે આ વાત કરી ત્યારે તે એટલે ખુશ થયો કે, વાત જવા જ દો. હું એ રીતે મારી વહુ સલોનીને સપોર્ટ કરતી હતી કે, આવનારું બાળક સાગરને આપવાનું છે એટલે તારું બાળક એકદમ સ્વસ્થ આવે અને તારા ભાઈનું સપનું રોળાય નહીં. આપણે ગમે તેમ કરીને તારા ભાઈનું સપનું સાકાર કરવાનું છે. એ રીતે મેં પ્રેગ્નન્સી દરમિયાન મેં મારી વહુની પહેલાં કરતાં પણ વિશેષ કાળજી રાખી હતી.”

સલોનીના સસરા હરિઓમ શર્મા અને તેમની પૌત્રી નીર્વી.

સલોનીના સસરા હરિઓમ શર્મા અને તેમની પૌત્રી નીર્વી.

”રક્ષાબંધને બહેને તેના ભાઈને ભેટ આપી ઉદાહરણ પૂરું પાડ્યું”: હરિઓમ જાની, સલોનીના સસરા
સલોનીના સસરા હરિઓમ જાનીએ કહ્યું કે, ”અમે જે નિર્ણયો લઈએ તે માટે અમારા બાળકો હંમેશા તૈયાર જ હોય છે. આ વાત માટે અમે પરિવારના ચાર સભ્યોએ સાથે મળીને નિર્ણય કર્યો. સૌ પહેલાં સલોની અને મારા દીકરા મિતેષને પૂછ્યું કે, તમારું જે બીજું બાળક આવે એ આપણે સાગરને આપવાનું છે. આ પછી એવી વાત થઈ કે, સાગરને પણ એકવાર આ અંગે પૂછીએ અને સાગરે તરત જ હા પાડી દીધી અને ખૂબ જ રાજી પણ થયો. આ નિર્યણથી દર વખતે એવું કહીએ કે, દર રક્ષાબંધને ભાઈ બહેનને ભેટ આપે છે પણ આમાં બહેને તેના ભાઈને ભેટ આપી છે.”

વધુમાં તેમણે જણાવ્યું કે, ”બાળકી ભલે અત્યારે અમારી વહુ સલોનીના ભાઈને ત્યાં આફ્રિકા છે. દરરોજ વીડિયોકોલથી અમે તેને રમાડીને સંતોષ માનીએ છીએ. સાથે મન પણ મક્કમ કરીને બેઠા છીએ કે, ભલે બાળકી ત્યાં છે પણ એ આપણાં દીકરા પાસે જ છે અને સાગર અમારો દીકરો જ છે. અત્યારે સાગર અમારા કરતાં પણ વિશેષ રીતે દીકરીને રાખી રહ્યો છે.”

સલોનીના પિતા રાજેશ ભટ્ટ અને તેમની ભાણી-પૌત્રી નીર્વી સાથે.

સલોનીના પિતા રાજેશ ભટ્ટ અને તેમની ભાણી-પૌત્રી નીર્વી સાથે.

બાળક આપનારી મારી જ સગી દીકરી અને બાળક લેનાર પણ મારો સગો દીકરો: રાજેશ ભટ્ટ, સલોનીના પિતા
સલોનીના પિતાએ જણાવ્યું કે, ”મારા દીકરાને પ્રોબ્લેમ હોવાને લીધે કોઈ સંતાન નહોતું. એટલે પહેલાં મારો દીકરો બહારથી બાળક એડોપ્ટ કરવાનું વિચારતો હતો. ત્યારે અચાનક મારી દીકરી સલોનીએ કહ્યું કે, મારું બીજું બાળક મારા ભાઈને આપું તો એનો સંસાર પૂરો થઈ જાય. આ વાત સાંભળી મને ખુશી થઈ કે, બાળક આપનારી મારી જ સગી દીકરી અને બાળક લેનાર પણ મારો સગો દીકરો. આ મારી જિંદગીનો સૌથી સુખનો પ્રસંગ હતો.”

વધુમાં તેમણે જણાવ્યું કે, ”મારો દીકરો અત્યારે આફ્રિકામાં જોબ કરે છે. જ્યારે દીકરી ત્યાં આફ્રિકા પહોંચી ત્યારે એ એટલો ખુશ થઈ ગયો કે, બાળકીનું ભવ્ય વેલકમ કર્યું એના ઘરે દીકરી આવ્યા બાદ મારા દીકરાનું પ્રમોશન થયું અને નવો બંગલો પણ ખરીદ્યો. આમ આ દીકરી અમારા પરિવાર માટે ખરેખર સાક્ષાત લક્ષ્મી છે.”

સલોનીના માતા અમિતા ભટ્ટ તેમની ભાણી-પૌત્રી નીર્વી સાથે.

સલોનીના માતા અમિતા ભટ્ટ તેમની ભાણી-પૌત્રી નીર્વી સાથે.

”અમે આખી જિંદગી એમનું આ ઋણ ચૂકવી શકીશું નહીં”: અમિતા ભટ્ટ સલોનીના માતા
સલોનીના માતા અમિતા ભટ્ટે કહ્યું કે, ”સલોનીએ કહ્યું જ્યારે મને કહ્યું કે, તે પ્રેગ્નન્ટ છે અને આવનારું બાળક તે મારા દીકરા સાગરને આપશે. આ સાંભળી અમારી આંખો હરખના આંસુથી છલકાઈ ગઈ હતી. અમારી દીકરી એના સાસુ-સસરા અને જમાઈએ અમારા પરિવારનો સંસાર પુરો કર્યો એના માટે અમે જેટલો એમનો આભાર માનીએ એટલો ઓછો છે. અમે આખી જિંદગી એમનું આ ઋણ ચૂકવી શકીશું નહીં.”

પ્રેગ્નન્સીમાં સલોનીની ટ્રિટમેન્ટ કરનાર ગાયનેક ડૉક્ટર મંજુબેન દવે

પ્રેગ્નન્સીમાં સલોનીની ટ્રિટમેન્ટ કરનાર ગાયનેક ડૉક્ટર મંજુબેન દવે

”દરેક લોકો એકબીજાને સાથ આપે તો ક્યારેય કોનું ઘર સૂનું ના રહે”: ડૉક્ટર મંજુબેન દવે, ગાયનેક
સલોનીની પ્રેગ્નન્સીમાં ટ્રિટમેન્ટ કરરનારા ડૉક્ટર મંજુબેન દવેએ કહ્યું કે, ”જ્યારે પ્રેગ્નન્સીના ફર્સ્ટ સ્ટેજ પર સલોની અમારે ત્યાં આવી ત્યારે એણે વાત કરી કે, આવનારું બાળક તે તેના સગા ભાઈને આપશે. એ સાંભળીને પણ મને ખૂબ જ સારું લાગ્યું. આ પછી મેં મારી દીકરીની જેમ સલોનીની પ્રેગ્નન્સીથી ડિલિવરી સુધી ટ્રિટમેન્ટ કરી. સલોનીએ આપણા સમાજમાં એક ઉત્તમ ઉદાહર પુરું પાડ્યું છે કે, જો આવી રીતે એકબીજા સાથ આપે તો કોઈનું ઘર ક્યારેય ઘર સૂનું ના રહે.”

નીર્વી તેના સગા ભાઈ સાથે.

નીર્વી તેના સગા ભાઈ સાથે.

અન્ય સમાચારો પણ છે…

https://images.bhaskarassets.com/web2images/960/2022/08/10/thumb-sanand-sister-rakshabandhan-special_1660154900.gif

أحدث أقدم