[og_img]
- IPL 2011માં તેંડુલકરની વિકેટ લઈ હેડલાઈન્સ બનાવી હતી
- IPL કરિયરમાં 44 મેચમાં 40 વિકેટ ઝડપી હતી
- રાહુલ શર્માએ 4 ODIમાં 6 અને 2 T20માં 3 વિકેટ લીધી
ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર રાહુલ શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. રાહુલની આંતરરાષ્ટ્રીય કારકિર્દી કંઈ ખાસ રહી નથી. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ચમકનાર રાહુલની કારકિર્દી રેવ પાર્ટી, ઈજા અને પછી ખરાબ ફોર્મના કારણે સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ હતી. 8 ડિસેમ્બર 2011ના રોજ ભારતીય ટીમ માટે ડેબ્યૂ કરનાર રાહુલ શર્મા 4 ODI અને 2 T20 મેચ રમી ચૂક્યો છે.
ટ્વિટર પર ભાવનાત્મક પોસ્ટ શેર કર્યો
પંજાબના જલંધરમાં જન્મેલો રાહુલ શર્મા આ વર્ષે 30 નવેમ્બરે 36 વર્ષનો થશે. ટ્વિટર પર એક ભાવનાત્મક પત્ર શેર કરીને તેણે ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેણે લખ્યું કે હું આંતરરાષ્ટ્રીય તેમજ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી રહ્યો છું.
રોડ સેફ્ટી ટુર્નામેન્ટમાં રમતા જોવા મળશે
રાહુલ શર્મા હવે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની બીજી સીઝનમાં રમતો જોવા મળશે. આ ટૂર્નામેન્ટ રમવા માટે જ તેણે નિવૃત્તિની જાહેરાત કરી છે. રાહુલ શર્માની IPL 2011ની સિઝન ઘણી સારી રહી હતી. આ સિઝનમાં તેણે પૂણે વોરિયર્સ તરફથી રમતા 14 મેચમાં 16 વિકેટ ઝડપી હતી. આ જ કારણ હતું કે તે જ વર્ષે તેને ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરવાની તક પણ મળી હતી.
રાહુલની ડેબ્યૂ મેચમાં સેહવાગે બેવડી સદી ફટકારી
8 ડિસેમ્બર 2011ના રોજ ભારતીય ટીમ માટે ડેબ્યૂ કરનાર રાહુલ શર્મા 4 ODI અને 2 T20 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તે પોતાની છાપ છોડી શક્યો નહીં અને પછી અને તેને ફરીથી ટીમમાં તક મળી નહીં. રાહુલે વનડેમાં માત્ર 6 અને T20માં 3 વિકેટ લીધી હતી. રાહુલે વેસ્ટ ઈન્ડિઝ સામે ઈન્દોર વનડે મેચમાં ડેબ્યુ કર્યું હતું. આ જ મેચમાં પૂર્વ ભારતીય બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે 149 બોલમાં બેવડી સદી ફટકારીને 219 રન બનાવ્યા હતા.
IPLમાં સચિન તેંડુલકરની વિકેટ લીધી હતી
રાહુલ શર્મા પૂણે ઉપરાંત IPLમાં ડેક્કન ચાર્જર્સ અને દિલ્હી ડેરડેવિલ્સ તરફથી પણ રમી ચૂક્યો છે. તેણે IPL કરિયરમાં 44 મેચ રમી જેમાં 40 વિકેટ ઝડપી હતી. રાહુલે 2011 IPLમાં સચિન તેંડુલકરની વિકેટ લઈને હેડલાઈન્સ બનાવી હતી.
2012નો સમય ઘણો ખરાબ રહ્યો
પરંતુ 2012નો સમય તેના માટે ઘણો ખરાબ હતો, જ્યારે તે સાઉથ આફ્રિકાના ખેલાડી વેઈન પાર્નેલ સાથે રેવ પાર્ટીમાં ઝડપાયો હતો. પછી પાર્નેલે કહ્યું કે તે ડ્રગ્સ લેતો નથી અને ખોટા સમયે ખોટી જગ્યાએ સમય વિતાવી રહ્યો હતો. મુંબઈ પોલીસે જુહુ બીચ પાસે આવેલી ઓકવુડ પ્રીમિયર હોટેલમાં દરોડો પાડી બંને ખેલાડીઓને પકડી પાડ્યા હતા.