આરોગ્ય, શિક્ષણ આર્થિક, સહાયાર્થે મહત્વના નિર્ણયો લીધા | Jain, Leuva-Kadwa Patel community resolution for health, education, economic, aid

રાજકોટ37 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સમાજના દરેક લોકો શિક્ષિત બને, આરોગ્ય સુધરે અને લોકોની આર્થિક સુખાકારીમાં વધારો થાય તે માટે રાજકોટ જૈન સમાજ, કડવા પાટીદાર સમાજ અને લેઉવા પટેલ સમાજે મહત્ત્વનો નિર્ણય લીધો છે. અમૂલ્ય લોહી આપી અન્ય લોકોનું જીવન બચાવનારને જૈન સમાજે અકસ્માત વીમા પોલિસી આપી જીવનનું કવચ પૂરું પાડ્યું છે, તો સમાજમાં નાની રકમનું દાન કરનાર ગર્વ અનુભવે તે માટે કડવા પાટીદાર સમાજે પાટીદાર કુટુંબ કળશ યોજના અમલી બનાવી છે. જેમાં રોજનું એક રૂપિયાનું અનુદાન થઇ શકશે. જેનો ઉપયોગ અભ્યાસ, મેડિકલ અને અનાજ સહાય માટે થશે. લેઉવા પાટીદાર સમાજે ગુજરાતભરની દીકરીઓના સ્વાવલંબન માટે બીડું ઝડપ્યું છે. જેમાં સમાજનો દરેક વર્ગ જોડાઈ રહ્યો છે.

લેઉવા પટેલ સમાજ – દીકરી સ્વાવલંબન યોજના, પૈસાના અભાવે કોઈ પણ દીકરીનો અભ્યાસ અટકવા નહિ દે
પૈસાના અભાવે લેઉવા પાટીદાર સમાજની એક પણ દીકરીનો અભ્યાસ અટકે નહીં તે માટે સરદારધામ ગુજરાત યુવા તેજસ્વિનીની બહેનો આગળ આવી છે અને દીકરી સ્વાવલંબન યોજના જાહેર કરી છે. જેમાં રોજના એક રૂપિયાથી લઇને રૂ. 25 હજાર સુધીનું અનુદાન આપવાના છે. 5 મહિનામાં 25 હજાર પાટીદાર જોડાયા છે અને હજુ બીજા 75 હજાર પાટીદાર પરિવારે આમાં જોડાવાનો સંકલ્પ લીધો છે.

જૈન સમાજ – અન્યની જિંદગી બચાવનાર 720 રક્તદાતાને 1 લાખ રૂપિયા સુધીની અકસ્માત વીમા પોલિસી આપી
રાજકોટ જૈન સોશિયલ એલિટ ગ્રૂપ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં ભાઈઓ અને બહેનો સહિત 720 રક્તદાતાએ રક્તદાન કર્યું હતું. 32,400 સીસી રક્ત એકત્રિત થયું હતું. રક્તદાન કરીને અન્યની જિંદગી બચાવનાર રક્તદાતાઓને જૈન સમાજે એક વર્ષ માટે રૂ. 1 લાખની કિંમતની અકસ્માત વીમા પોલિસી આપી તેના જીવનની સેફ્ટી આપી હતી.

કડવા પાટીદાર સમાજ – ઘેર-ઘેર ફરી રોજનો એક રૂપિયા ભેગો કરશે : શિક્ષણ, મેડિકલ અને અનાજ સહાય માટે વાપરશે
સિદસર ખાતે તાજેતરમાં કળશ યાત્રાનું આયોજન કરાયું હતું. આ કળશ આગામી દિવસોમાં હવે પાટીદાર સમાજના ઘરે-ઘરે પહોંચશે. જે અંતર્ગત દરેક પરિવાર રોજનું એક રૂપિયાનું અનુદાન આપશે. જેનો વપરાશ મેડિકલ, અભ્યાસ અને અનાજ સહાય માટે થશે. સમાજના મધ્યમ વર્ગીય લોકો યથાશક્તિ મુજબનું અનુદાન આપીને ગર્વ અનુભવે તે માટે આ કળશ યાત્રા વિચાર અમલી બનાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post