ભાવનગરમાં આવેલું જશોનાથ મહાદેવ મંદિર, જ્યાં સંપૂર્ણ શિવ પરિવારના દર્શન થાય છે | The Jashonath Mahadev Temple in Bhavnagar is where the complete family of Shiva is seen

ભાવનગર29 મિનિટ પહેલા

  • સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ પછી હિન્દુ વાસ્તુ-શિલ્પશાસ્ત્રના નિયમથી બનેલું સૌથી મોટું શિવાલય
  • મંદિરના વિશાળ પટાંગણમાં ભાવનગર રાજ્યની જાહેર સભાઓ યોજાતી

ભાવનગર શહેરના જશોનાથ ચોક ખાતે આવેલું પ્રાચીન જશોનાથ મહાદેવજીનું મંદિર કાશી વિશ્વનાથની ઝાંખી કરાવતું મંદિર છે. ભાવનગરના નેક નામદાર મહારાજા જશવંતસિંહજી ગોહિલના નામ પર બનેલા આ પ્રાચીન શિવાલય સોમનાથ મહાદેવ પછી હિન્દુ વાસ્તુ-શિલ્પશાસ્ત્રના નિયમથી બનેલું મંદિર છે. જે સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ મંદિર પછી બીજુ સ્થાન ધરાવે છે.

મહારાજાઓને શિવજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા હતી
ગોહિલવાડમાં આમ તો અનેક પૌરાણિક અને ઐતિહાસિક શિવાલયો આવેલા છે. ભાવનગર રાજ્યના મહારાજાઓને શિવજી પ્રત્યે અખૂટ અને અતૂટ શ્રદ્ધા હતી. તેથી રાજ પરિવારે તખ્તેશ્વર, જશોનાથ મહાદેવ મંદિર સહિત ઘણા શિવાલયોનું નિર્માણ કરાવ્યું હતું. તે પૈકીના પૂરાણું જશોનાથ મહાદેવનું મંદિર શ્રધ્ધાળુઓમાં અલગ સ્થાન ધરાવે છે.

મંદિર પરીસરમાં તર્પણ વિધિ કરવાનું અનેરૂ મહાત્મય
જશોનાથ મહાદેવ મંદિરની સ્થાપના ભાવનગરના મહારાજા સર જશવંતસિંહજી ભાવસિંહજી ગોહિલે તેમના ગુરૂદેવ ખાખી સાધુ ભૈરવનાથજીના આદેશથી તપોભૂમિ સમાધિ સ્થાન પાસે આજથી પૂર્વે વિ.સ.1921 મહા સુદ-7ના રોજ કરી હતી. સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ મંદિર પછી સંપૂર્ણ શિવ પરિવાર સાથેના શિવાલયમાં જશોનાથ મહાદેવ મંદિર બીજું સ્થાન ધરાવે છે. આ ઐતિહાસિક શિવાલયમાં ગોહિલ વંશના ઈષ્ટદેવ મુરલીધરજી અને રઘુનાથજીનું મંદિર અને સાત દરવાજા વાળી પ્રાચીન વાવ આવેલી છે. શિવજીના મંદિર પરીસરમાં આવેલા પીપળના વૃક્ષ નીચે માતા-પિતાનું બારમું (તર્પણ વિધિ) કરવાનું અનેરૂ મહાત્મય છે.

મંદિરની મુલાકાત અનેક મહાપુરૂષો, સંતો-મહંતોએ લીધી
જશોનાથજી મહાદેવના મંદિરની મુલાકાત દેશના મહાપુરૂષો, સંતો-મહંતોએ પણ લીધી છે. જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, ઝવેરચંદ મેઘાણીનો સમાવેશ થાય છે. નવલકથા સરસ્વતીચંદ્રના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીએ અહીં જ રોકાઈને નવલકથા લખી હતી. તો સંન્યાસી બન્યા બાદ ગગા ઓઝા સુરતીસાહેબના આગ્રહથી ઈ.સ.1981માં બાળ સંન્યાસી પરિવ્રાજક સ્વામી વિવેકાનંદ મળ્યા હતા. ચારેય પીઠના શંકરાચાર્યજી સંતો-આચાર્યો અને મહંતો જશોનાથ મંદિરે આવ્યા હતા.

કૃષ્ણકુમારસિંહજીએ મહારાજા તરીકે પ્રજાજોગ છેલ્લું સંબોધન કર્યું
અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળતા ભારત સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું. ત્યારે ભારતમાં લોકશાહીની સ્થાપના માટે ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલે પોતાનું 1200 પાદરનું પ્રથમ રજવાડું દેશને સમર્પીત કર્યું હતું. ભાવનગર રાજ્યને દેશમાં વિલીન કરવા માટે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ લીધેલા નિર્ણય બાદ 15મી જાન્યુઆરી 1948ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ભાવનગર પધાર્યા હતા. ત્યારે જશોનાથ મહાદેવ મંદિરમાં ભાવનગરના મહાજનો અને પ્રજાની ઉપસ્થિતિમાં વિશાળ મેદની વચ્ચે સભા યોજવામાં આવી હતી. આ સભાના પ્રમુખ સ્થાનેથી કૃષ્ણકુમારસિંહજીએ મહારાજા તરીકે ભાવનગરની પ્રજાજોગ છેલ્લું સંબોધન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

https://images.bhaskarassets.com/web2images/960/2022/08/11/eod-thumb-2022730-x-54802137_1660221231.gif

أحدث أقدم